વડોદરા: વડોદરામાં રખડતા પશુઓ સમયાંતરે રાહદારીઓને ભેટો મારી રહ્યા છે અને ઈજાઓ પહોંચાડી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા પશુઓને પાંજરે પુરાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ જે ગુલબાંગો ફેંકવામાં આવી રહી છે તે મુજબ વડોદરા શહેર રખડતા પશુ મુક્ત બનવા તરફ નથી આગળ વધી રહ્યું આજે વધુ એક વૃદ્ધને એક રકહડતા પશુએ અડફેટે લેતા વૃદ્ધને ઈજાઓ પહોંચી હતી. વડોદરાના ફતેપુરા મંગલેશ્વર ઝાંપા રોડ ઉપરથી પસાર થઇ રહેલા વૃદ્ધ ખુદાબક્ષ સુલેમાન અન્સારીને અચાનક રોડ ઉપર રઝળતા એક પશુએ ટક્કર મારી હતી. જેમાં આ વૃદ્ધ રોડ ઉપર પડી ગયા હતા અને તેઓને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જો કે સ્થાનિકોએ આ વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે ખસેડયા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધે આ અંગે કોઈ પણ ફરિયાદ કરાવી ન હતી પરંતુ સવાલ એ ઉભા થાય છે કે ક્યાં સુધી વડોદરાવાસીઓ આવા રખડતા પશુઓના ભેટાનો ભોગ બનતા રહેશે. અને ક્યાં સુધી લોકો રોડ ઉપર ચાલતા હોય તો તેઓનો જીવ જોખમમાં છે તેવી અનુભૂતિ કરશે. વડોદરા શહેરના રખડતા પશુમુક્ત કરવા અંગેની અનેકવિધ વાતો કરવામાં આવી હતી પરંતુ તે અંગેનું કોઈ નક્કર આયોજન કરાયું હોય તેમ લાગી રહ્યું નથી. માણેજા ખાતેની ઘટના બાદ તંત્ર દ્વારા એક જ દિવસમાં 100 થી વધુ ઢોર પાંજરેપૂરી કામગીરી બતાવી પરંતુ ત્યાર બાદ એજ ધીમી રફ્તાર સાથે કામ થઇ રહ્યું છે. ત્યારે વડોદરા વાસીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.