વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડકાઈથી વેરાની વસુલાત કરવામાં આવી રહી છે. 720 કરોડના લક્ષ્યાંકને પર કરવા માટે પાલિકા યેનકેન પ્રકારેણ ટાર્ગેટ પૂર્ણ કરવા આગળ વધી રહી છે. ત્યારે હાલ સુધીમાં વેરાની વસુલાત 532.45 કરોડને પાર થઇ છે. મનપા દ્વારા આજે એક જ દિવસમાં બીન રહેણાંકમાં 1654 મિલ્કતો સીલ કરાઈ હતી. વડોદરા મહાનગર પાલિકા દ્વારા માસ સિલિંગની કામગીરી સવારથી શરુ કરવામાં આવી હતી. આ કામગીરીમાં સંબંધિત વોર્ડના એન્જીનિયરીંગ સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, યુ.સી.ડી સ્ટાફ તથા આકારણી શાખાનો સ્ટાફ, તમામ આસી. કમિશ્નર તેમજ વોર્ડ ઓફિસર કામગીરીમાં જોડાયા હતા. માસ સિલિંગ દરમ્યાન આજ રોજ બિન-રહેણાંકમાં કુલ ૧૬૫૪ મિલ્કતો સિલ કરવામાં આવી અને રહેણાંકમાં કુલ ૨૪૦૪ નોટીસ આપવામાં આવી હતી તેમજ ૧૧૪ મિલકતોના પાણી કનેકશનો કાપવામાં આવ્યા હતા. આજ રોજ માસ સિલિંગની કામગીરીથી વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૨.૭૩ કરોડની આવક થયેલ છે. બાકી મિલકત વેરાના વ્યાજ પર તા. ૩૧-૦૩- ૨૦૨૩ સુધી રહેણાંક મિલકતો માટે ૭૦% અને બિન રહેણાંક મિલકતો માટે ૫૦% ની આકર્ષક વ્યાજ માફીની યોજના અમલમાં હોય તમામ વોર્ડ કચેરીઓ રજાઓના દિવસો દરમ્યાન ધુળેટીની રજા સિવાય પણ કાર્યરત રહેશે.
આજદિન સુધીમાં 7227 મિલકત સીલ કરાઇ
વડોદરા શહેરમાં વેરા વસુલાત માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નવા ગામ સમાતા પાલિકાએ રૂ. 8 લાખથી વધુ વેરાબિલની બજવણી કરી છે. તેમાંથી 6.48 લાખના રહેણાક અને 1.53 લાખના કોમર્શિયલની વસુલાત છે. હાલ સુધીમાં 7227 મિલ્કતો સીલ કરવામાં આવી છે તો 48,200 જેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે.