Madhya Gujarat

ડાકોરમાં આયોજનના અભાવે ભક્તોને હાડમારી

નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દર વર્ષે ફાગણી પુનમ દરમિયાન પાંચ દિવસનો ભવ્ય મેળો યોજાય છે. આ મેળા દરમિયાન અંદાજે 10 લાખ કરતાં પણ વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડતાં હોય છે. જેને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા અગાઉથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. જે અંતર્ગત આ વખતે પણ ફાગણી પુનમના મેળાની તૈયારી એક મહિના અગાઉથી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ, દર વખતની જેમ આ વખતે આયોજનનો અભાવ જોવા મળ્યો હતો. જેને પગલે શ્રધ્ધાળુઓ તેમજ નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

આશ્ચર્યજનક બાબત એ છે કે, ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારિકા નગરી છોડી ડાકોર આવેલાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાન પવિત્ર ગોમતી તળાવના પાણીમાં સંતાયાં હતાં. જેથી ગોમતી તળાવને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ડાકોર મંદિરમાં દર્શન કરવા આવતાં મોટાભાગના શ્રધ્ધાળુઓ ગોમતી તળાવની અવશ્ય મુલાકાત કરતાં હોય છે અને પવિત્ર ગોમતી તળાવના પાણીનું આચમન કરી ધન્યતા અનુભવે છે. ઘણાં શ્રધ્ધાળુઓ ગોમતીજીનું પાણી બોટલમાં ભરીને પોતાના ઘરે પણ લઈ જતાં હોય છે. પરંતુ, આ વખતે ફાગણી પુનમે ગોમતી તળાવનો મુખ્ય ઘાટ શ્રધ્ધાળુઓ માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો. તદુપરાંત અન્ય ઘાટ ઉપર શ્રધ્ધાળુઓને પવિત્ર ગોમતી તળાવના પાણીનું આચમન કરવા દેવામાં આવ્યું ન હતું. જેને પગલે હજારો શ્રધ્ધાળુઓને ગોમતીજીના પવિત્ર પાણીનું આચમન કર્યાં વિના જ પરત ફરવું પડ્યું હતું.

ગોમતી તળાવના મુખ્ય ઘાટ પર શ્રધ્ધાળુઓને નો-એન્ટ્રી
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરની સામે જ ગોમતી તળાવ આવેલું છે. વિશાળ જગ્યામાં ફેલાયેલું આ તળાવ ફરતે કરોડો રૂપિયાના ખર્ચે ઘાટ બનાવવામાં આવ્યો છે. જેથી મંદિરમાં દર્શન કર્યાં બાદ મોટાભાગના શ્રધ્ધાળુઓ ગોમતીઘાટની મુલાકાત અવશ્ય કરતાં હોય છે. પરંતુ, ફાગણી પુનમે જ ગોમતી તળાવના મુખ્ય ઘાટ ઉપર આડબંધ મારી બંધ કરી દેવાતાં શ્રધ્ધાળુઓમાં ભારે નિરાશા વ્યાપી હતી.

Most Popular

To Top