Vadodara

રાત્રે વોકિંગ માટે નીકળેલી મહિલાનો અછોડો તૂટ્યો

વડોદરા: વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં એક મહિલા ગત રાતે વોક માટે નીકળી હતી. દરમિયાન બાઈક ઉપર આવેલ બે ઈસમો પૈકી એક ઈસમે મહિલાના ગળામાંથી સોનાનો અછોડો આંચકી લીધો હતો. જો કે મહિલાએ બુમરાણ મચાવતા લોકોએ તેનો પીછો કરી વિડીયો પણ બનાવ્યો હતો પરંતુ તે હાથ લાગ્યો ન હતો. અંતે પોલીસે બે પૈકી એક ઈસમને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. મકરંદ દેસાઈ રોડ અંશુ બંગ્લોમાં રહેલા અને એસ.એસ.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા મમતાબહેન રાવલ ગતરાતે વોક માટે નીકળ્યા હતા.

રોજ તેઓ પોતાના પતિ આશુતોષ રાવલ કે જેઓ એલ.એન્ડ ટી નોલેજ સિટીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે તેઓ સાથે વોક માટે નીકળે છે પરંતુ કાલે તેઓ એકલા વોકિંગ માટે નીકળ્યા હતા દરમિયાન રાજીવ નગર પાસે આઈ.સી.આઈ.સી.આઈ. ના ATM પાસે રોન્ગ સાઈડ ઉપરથી એક બાઈક ઉપર બે ઈસમો સવાર થઈને આવ્યા હતા. જે પૈકી એકે મમતાબહેનના ગાળામાં રહેલ સાડા ત્રણ તોલાનો અછોડો જોરથી આંચકી લીધો હતો. જેના કારણે મમતાબહેનને ગાળામાં ઘસરકો પણ લાગ્યો હતો. અને બાઈક ચાલકો ફરાર થઇ ગયા હતા. આ બાઈક સવારો પાછળ એક બાઈક સવાર ગયો પણ હતો પરંતુ તે ફરાર થઇ ગયો હતો. મહિલાએ બુમરાણ મચાવતા ટોળું ભેગું થઇ ગયું હતું અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર આવી મહિલાની કેફિયત સાંભળી હતી. અને અછોડા તોડને ઝડપી પાડવાના પ્રયાસો કર્યા હતા. દરમિયાન એક ઈસમ દિલીપ વાદી નામક ઈસમને ઝડપી પાડી તેની પાસેથી અછોડો કબ્જે કર્યો હતો.

સવારે કુકર રીપેરીંગ અને સાંજે અછોડાતોડ
દિવાળીપુરા વિસ્તારમાં મહિલાનો અછોડો તોડી ફરાર થનાર બે પૈકી એક દિલીપ વાદી પોલીસના હાથ ઝડપાયો છે. દિલીપ કુકર રિપેરિંગનું કામ કરે છે અને જી.ઈ.બી. સ્કૂલ સામે ફૂટપાથ ઉપર રહે છે તે મૂળ વાઘોડિયાના રામેસરા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ઘટનામાં હજુ એક આરોપી ફરાર છે. ઝડપાયેલ દિલીપ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top