સુરત: (Surat) ઉધનામાં આદર્શ કેમિકલની સામે આવેલા હરિનગરમાં બદામશેક (Almond Shake) પીધા બાદ એક જ પરિવારના ત્રણ જણાને ફૂડ (Food) પોઈઝનિંગ થયું હતું. ત્રણેયને ઝાડા-ઊલટી થવા લાગતાં ત્રણેયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હાલ ત્રણેયની તબિયત સુધારા પર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ઉધનામાં આદર્શ કેમિકલ કંપની સામે આવેલા હરિનગરમાં નીરજ રાજપૂત પરિવાર સાથે રહે છે. નીરજ પાવર લૂમ્સના ખાતામાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે. ગતરોજ રાત્રે નીરજ નોકરી પર ગયો હતો. એ સમયે એક સંબંધી તેમના પરિવારજનો માટે ઘરેથી થોડા અંતરે લારી લઈને ઊભા રહેતાં યુવક પાસેથી બદામશેક લઈને આવ્યા હતા. રાત્રે પોણા 11 વાગ્યાના સુમારે નીરજના પરિવારના સભ્યોએ બદામશેક પીધું હતું.
શનિવારે સવારે નીરજની પત્ની આશાબેન (ઉં.વ.૩૭) પુત્ર સૌરભ (ઉં.વ.૧૨), પુત્ર રાજ (ઉં.વ.11) રાજને ઝાડા ઊલટી થવા લાગી હતી. ત્રણેયની અચાનક તબિયત લથડતાં ત્રણેયને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરે ત્રણેયને સારવાર માટે દાખલ કરી લીધા હતા. નીરજના સૌથી નાના પુત્રએ બદામશેક ખૂબ જ ઓછી માત્રામાં પીધું હતું. તેથી તેને નહીંવત અસર થઈ હતી. ડોક્ટરોનું પ્રાથમિક તારણ છે કે ત્રણેયને ફૂડ પોઈઝનિંગ થયું છે.
રાજગરી ગામના 13 ઝિંગા તળાવો તોડી પાડ્યા, લાખોનો સામાન જપ્ત
સુરત : સુરત એરપોર્ટ પર બર્ડહીટની ઘટના બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવીને ઝિંગા તળાવો સામે કડક કાર્યવાહી કરી રહી છે. બે દિવસ પહેલા ખજોદના 28 ઝિંગા તળાવો તોડ્યા બાદ શનિવારે ચોર્યાસી રાજગરી ગામના 13 ઝિંગા તળાવો તોડી પાડ્યા હતા. એટલું જ નહીં, ઝિંગાના ઉછેરમાં લેવાતા લાખોના માલ સામાન જપ્ત કર્યા હતા.
સુરત એરપોર્ટ પર ઇન્ડિંગોની દિલ્હીની ફ્લાઇટ સાથે બર્ડહીટની ઘટના બની હતી. જેમાં 170 મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. જે ઘટના બનવા પાછળ ગેરકાયદેસર ચાલતા ઝિંગા તળાવોનું નામ ચર્ચામાં આવ્યું હતું. ઉપરાંત નામદાર હાઇકોર્ટના આદેશનું પણ ઉલ્લઘન થઈ રહ્યું છે. જે વાતની જાણ જિલ્લા કલેકટર આયુષ ઓકને થઈ હતી. જેથી તેમણે એક સ્પેશિયલ ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન શનિવારે ચોર્યાસી મામલતદારની ટીમ હજીરા પંથકમાં આવેલા રાજગરી ગામમાં પહોંચી ગઇ હતી. જ્યાં ગેરકાયદેસર ઝિંગા તળાવમાં પાણી ભરીને ઝીંગા માટેની તૈયારીઓ કરતા 13 તળાવોને બંધ કરાવી સ્થળ પરથી એરીએટર, પાણીના પંપ, વાયરો અને વજનકાંટા કબજે લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા એટલે કે ગુરૂવારના ખજોદ ખાતે સરકારી જમીન પર ઊભા કરાયેલા 28 ઝિંગા તળાવો બંધ કરાવીને માલ સામાન જપ્ત કરાયા છે.