પલસાણા: (Palsana) ચલથાણ સુગરમાં રહેતા અને ફેક્ટરીમાં (Factory) જ કામ કરતો 32 વર્ષીય યુવાન નોકરીએથી છૂટી પગપાળા બજારથી શાકભાજી (Vegetable) લઈ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે પાછળથી એક સ્પોર્ટસ (Sports) બાઇકચાલકે અડફેટે લેતાં કર્મચારી યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સુગર મિલના ક્વાટર્સમાં રહેતા અને કોન્ટ્રાક્ટ બેઝ પર સુગર ફેક્ટરીન આરઓ પ્લાટમાં ફરજ બજાવતા કમલકુમાર ગુલાબરામ કનોજિયા (ઉં.વ.32) શુક્રવારે મોડી સાંજે ફેક્ટરીથી છૂટી પગપાળા ચલથાણ બજારમાં શાકભાજી ખરીદી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે સુગર ફેક્ટરીના મુખ્ય ગેટની આગળ ફાટક તરફથી કડોદરા તરફ જતી એક સ્પોર્ટસ બાઇક નં.(GJ 19 DG 4764)નો ચાલક કમલકુમારને પાછળથી ટક્કર મારી હતી ભાગી છૂટ્યો હતો. આ અકસ્માતમાં કમલકુમારને માથાના ભાગે ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે ચાલતી ચર્ચા અનુસાર બાઈકચાલક બુટલેગરનો સગીર વયનો દીકરો હોવાનું કહેવાય છે.
પુના ખાતે કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
અનાવલ: મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર પુના ગામની સીમમાં અકસ્માત એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર પુના ગામની સીમમાં ઇકો કાર અને મોટરસાઇકલ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. મહુવાથી અનાવલ તરફ જતાં ઈકો કાર નં.(G.J.19AF 1362) પુરપાટ ઝડપે અનાવલ તફર જઈ રહી હતી, એ અરસામાં પુના ગામની સીમમાં મોટરસાઇકલ નં.(G.J.19 BF 5422) વચ્ચે અકસ્માત સર્જાતાં મોટરસાઇકલ સવાર એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાતાં તરત 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઇકોચાલક અને સવાર બંનેને સામાન્ય ઇજા થઈ હતી. મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વાલિયામાં પત્નીની હત્યાના આરોપીને આજીવન કેદની સજા
અંકલેશ્વર: વાલિયાના નિકોલી-હોલાકોતર ગામે પત્ની પર આડા સંબંધનો વહેમ રાખીને મોતને ઘાટ ઉતારનાર પતિને અંકલેશ્વરની એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના વાલિયાના નિકોલી હોલા કોતર ગામ ખાતે તા.૧-૬-૨૦૧૫ના રોજ શૈલેષ વસાવાએ પત્ની સોનલબેન વસાવા પર આડા સંબંધનો વહેમ રાખી માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી, અને મૃતદેહને સંતાડીને લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘટના અંગે વાલિયા પોલીસને ગંધ આવતાં ગુનો દર્જ કરી હત્યારા પતિ શૈલેષ વસાવાની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અંકલેશ્વરની એડિશનલ સેશન્સ કોર્ટના જજ વી.જે.કલોતરાની કોર્ટમાં ચાલતા અને સરકારી વકીલની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી પતિ શૈલેષ વસાવાને આજીવન કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો.