ઝઘડિયા: ઝઘડિયાની UPL કંપનીમાં (Company) નોકરી (Job) કરતા ૨૧ વર્ષીય કામદારને ઝઘડિયા GIDC વિસ્તારમાં સાત જેટલા ઇસમોએ લાકડીના સપાટા મારી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી. ઝઘડિયા GIDCમાં આવેલી UPL-૫ કંપનીમાં કામ કરતો ૨૧ વર્ષીય રોહિત નરોત્તમ વસાવા (રહે.,નાના સોરવા, તા.ઝઘડિયા)ના ગત તા.૨૭ ફેબ્રુઆરીએ નાઈટ શિફ્ટ નોકરી કરવા આવ્યો હતો. એ જ દિવસે સાંજે પોણા સાત વાગ્યાના આસપાસ ઝઘડિયા GIDC વિસ્તારમાં ખરચી ગામનો મનીષ તેમજ અન્ય અજાણ્યા ઈસમોએ ભેગા મળી કંપનીના ગેટ પાસે બહાર આવ્યા હતા.
રોહિત સાથે ગાળાગાળી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો. હદ તો ત્યારે થઇ કે લોખંડના પાઈપ તેમજ લાકડીના સપાટા રોહિતના માથાના ભાગે અને બંને પગે મારતાં ચામડી ફાટી જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. આ ઘટના બાદ આ ટોળકીએ રોહિત વસાવાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબતે ઈજાગસ્ત ઝઘડિયા GIDC પોલીસમાં ફરિયાદ આપતાં ખરચીના મનીષ સહિત સાત ઈસમ સામે ગુનો નોંધ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં ઝઘડિયા GIDCમાં યુવકને માર માર્યો હોવા બાબતે વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો હતો. અવારનવાર આ વિસ્તારમાં રોજની રોજગારી મેળવતા કામદારો માટે આવા બિનસલામતીના મુદ્દા ઊભા થતા કામદારોમાં ચિંતાનો પ્રશ્ન ઉદભવ્યો છે.
કડોદરામાં ઉધારીના રૂપિયા માંગતાં બે ભાઈએ મળી દુકાનદારને માર માર્યો
પલસાણા: કડોદરા નગરમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા દુકાનદારે એક ઇસમને આપેલા ઉધાર માલના રૂપિયાની ઉઘરાણી કરતાં ઉશ્કેરાઇ જઇ બંને ભાઇએ ભેગા મળી દુકાનદારને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં કડોદરા પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના કડોદરાનગરની મોદી હોસ્પિટલની પાછળના ભાગે આવેલા બાલાજી નગરમાં કરિયાણાની દુકાન ચલાવતા જગમોહન સુરેશ શર્મા (મૂળ રહે.,બિહાર) ગતરોજ તેમની દુકાને હાજર હતા. એ દરમિયાન બાલાજીનગર મકાન નં.૪૦૧માં રહેતો અનિલ પાલ જગમોહનની દુકાને આવી ગુટકાની માંગણી કરી હતી. ત્યારે જગમોહનને ગામ જવાનું હોવાથી તેણે આગળની ઉધારી ના રૂપિયા આપી દેવા માટે અનિલ પાલને જણાવ્યું હતું. જેથી અનિલ પાલ તેમજ તેનો નાનો ભાઇ શિવમ પાલે તેમના દુકાનદારને બહાર કાઢી તેમને ઢીક્કામુક્કાનો માર મારવા લાગ્યા હતા. તેમજ તેમને રોડ પર નીચે પાડી દેતાં તેમના મોંના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી આસપાસના લોકો એકઠા થઇ જતાં બંને ભાઇઓએ જગમોહનને નાલાયક ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા. જેથી દુકાનદાર જગમોહને આ અંગે કડોદરા જીઆઇડીસી પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.