નવસારી : નવસારીમાં (Navsari) આધેડનું એટીએમ કાર્ડ (ATM Card) એટીએમ મશીનમાં ફસાઈ ગયું હતું. જેથી આધેડે મશીન પર મુકેલા પૂઠા ઉપર લખેલા નંબર પર ફોન (Call) કરી ફરિયાદ લખાવ્યા બાદ એટીએમ મશીનમાં જ મૂકી જતા રહ્યા હતા. પરંતુ આધેડે પૈસા ઉપાડવા માટે એટીએમ મશીનમાં પાસવર્ડ (Password) લગાવતા પાછળ ઉભેલી યુવતી જોઈ ગઈ હતી. જેથી પાછળ ઉભેલી યુવતી તે આધેડના એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા 35 હજાર રૂપિયા ઉપાડી લેતા આધેડે નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ઘેલખડી પુણેશ્વર રોડ પર શિવમનગરમાં સનાભાઇ દલપતભાઈ વણકર તેમના પરિવાર સાથે રહે છે. અને જી.ટી.પી.એલ. હેથ વે લીમીટેડ નામની ઓફિસમાં ટેકનીકલ ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગત તા. 25મી ફેબ્રુઆરીએ સનાભાઇ રેલ્વે સ્ટેશન રોડ પર સ્ટાર બેકરીની નજીકમાં એક્સીસ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. જ્યાં સનાભાઇએ એટીએમ મશીનમાં એક્સીસ બેન્કનું એટીએમ નાંખી 3 હજાર રૂપિયા ઉપાડયા હતા. પરંતુ પૈસા ઉપાડયા બાદ એટીએમ મશીનમાં જ ફસાઈ ગયો હતો. જેથી સનાભાઇ તેમનો એટીએમ મશીનમાંથી કાઢવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા.
દરમિયાન એક યુવતી (ઉ.વ.આ. 18 થી 20) પાછળ ઉભી હતી. જેણે શરીરે કાળા રંગનો ટોપ અને જીન્સ પેન્ટ પહેર્યું હતું. તેણીએ સનાભાઇને જણાવ્યું હતું કે, એટીએમ મશીન ઉપર મુકેલા પુઠામાં લખેલા નંબર ઉપર ફોન કરો. જેથી સનાભાઇએ તે નંબર ઉપર ફોન કરતા સામેથી એક ઇસમે જણાવ્યું હતું કે, હાલમાં સર્વર ડાઉન છે જેથી તમારું ડેબીટ કાર્ડ નીકળશે નહી, તમે એક કામ કરો એટીએમ પાસવર્ડ નાંખી કેન્સલનું બટન દબાવો અને તે પછી એટીએમ પાસવર્ડ નાંખી એન્ટરનું બટન દબાવો તમારું ડેબીટ કાર્ડ નીકળી જશે તેમ કહેતા સનાભાઇએ તે ઇસમના કહેવા મુજબ પ્રોસેસ કરી હતી. પરંતુ એટીએમ બહાર નીકળ્યું ન હતું. ત્યારબાદ ફરી સનાભાઇએ પુઠામાં લખેલા નંબર ઉપર ફોન કરી એટીએમ મશીનમાં ફસાઈ ગયું હોવા બાબતની ફરિયાદ કરી હતી. જેથી તે ઇસમે હું તમારી ફરિયાદ લખી લઉં છું જેથી બાર વાગ્યે અમારી વાન એટીએમ મશીન ચેક કરવા માટે આવશે ત્યારે કાઢી આપશે તેવી વાત કરી હતી. જેથી સનાભાઇ તેમની ઓફિસે જતા રહ્યા હતા.
થોડીવાર બાદ સનાભાઇએ તેમનો મોબાઈલ ચેક કરતા તેમાંથી 35 હજાર રૂપિયા ઉપાડયા હોવાનો મેસેજ મળ્યો હતો. સનાભાઇ તુરંત જ તે એટીએમમાં ગયા હતા. જ્યાં એટીએમ મશીન ઉપર મોબાઈલ નંબર લખેલું પૂઠું અને તેમનો ડેબીટ કાર્ડ જોવા મળ્યો ન હતો. આ બાબતે સનાભાઇએ તેમની પાછળ ઉભેલી અજાણી યુવતી અને તેમની સાથે ફોન ઉપર વાત કરનાર ઇસમ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. બી.જે. ચૌધરીએ હાથ ધરી છે.