Gujarat

જેતપુરના ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી પોરબંદર નજીક દરિયામાં ઠાલવવાની યોજનાને મંજૂરી

ગાંધીનગર: જેતપુરના (Jetpur) સાડી ઉદ્યોગનો (Saree industry) ઝેરી કેમિકલ કચરાનાને પાઈપલાઈન મારફતે પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં ઠાલવવાની યોજનાનો મુદ્દો આજે વિધાનસભામાં ઉઠવા પામ્યો હતો. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે જેતરપુર પ્રોજેક્ટને તારીખ ૧૮-૦૧-૨૦૨૧ ના રોજ રૂપિયા ૬૬૭ કરોડના ખર્ચે મંજુરી આપવામાં આવેલી છે. જેના વર્કઓર્ડર જેતપુર ઇન્ડસ્ટ્રીયલ પાઈપલાઈન પ્રોજેક્ટ પ્રાઈવેટ લિ. તા.૨૮/૧૦/૨૦૨૧ ના રોજ કામ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાની શરતે આપેલી છે.

આ અંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જેતપુરના સાડી ઉદ્યોગનું ઝેરી કેમિકલ યુક્ત પાણી અત્યાર સુધી ટ્રીટમેન્ટ કર્યા વગર નદી-નાળામાં છોડી દેવામાં આવતું હતું અને તેના કારણે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ સુધીના ગ્રામ્ય વિસ્તારો ના ભૂગર્ભ જળ અને ખેતીને ભારે નુકશાન થયું છે. ત્યારે હવે આ કેમિકલ યુક્ત પાણીને ટ્રીટમેન્ટ કરી શુદ્ધ કરી સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે કે ઉદ્યોગોને વપરાશ માટે આપવાની જગ્યાએ પાઈપલાઈન મારફતે પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં ઠાલવાની યોજના બનાવી છે, આ યોજના અનેક રીતે વિનાશકારક છે.

અગાઉ એક યોજના બની હતી કે આ કેમિકલ યુક્ત પાણીનું જેતપુરમાં જ શુદ્ધીકરણ કરીને ખેતી કામ અથવા ઉદ્યોગોને આપવામાં આવે છે. પરંતુ રાજ્યની ભાજપ સરકારે ટૂંકી દ્રષ્ટિ વાપરીને રોજનું ૮૦ કરોડ લિટર કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા જેતપુરથી નવી બંદર સુધી ૧૦૫ કી.મી લાંબી પાઈપલાઈન નાખવાની યોજનાને મંજુરી આપી છે. ૮૦ કરોડ લિટર પાણી એટલે એક આખા ભાદર નદીના પ્રવાહ જેટલુ પાણી રોજ દરિયામાં ઠલવાશે. પરિણામે જે રીતે જેતપુર, ધોરાજીની ખેતી બરબાદ થઈ તે જ રીતે જુનાગઢ જીલ્લા ના માંગરેળ, માણાવદર સહિત પોરબંદર જીલ્લાના ઘેડ વિસ્તારના ગામડાઓની ખેતીનો વિનાશ કરશે. તેમજ કેમિકલ યુક્ત પાણી દરિયામાં જશે એટલે દરિયાઈ જીવસુષ્ટિનો નાશ થશે. રત્નસાગર સમાન દરિયો ઝેરી સાગર બની જશે.

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે જેતપુરનો સાડી ઉદ્યોગ આપણું ગૌરવ છે, તેને નુકશાન કરવાનો કોઈ ઈરાદો નથી. સાડી ઉદ્યોગને વિકસાવવો પણ આપણી ફરજ છે. આ માટે આ કેમિકલ યુક્ત પાણીને ત્યાં શુદ્ધ કરવાનો પ્લાન્ટ નાખવો જોઈએ. રૂપિયા ૬૬૭ કરોડનો ખર્ચ પાઈપલાઈન માટે થઈ શકતો હોય તો પછી આટલા ખર્ચમાં પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ બની શકે છે અને શુદ્ધ થયેલા પાણીને સ્થાનિક ખેડૂતોને અને ઉદ્યોગોને આપીને આ સમાસ્યાને નિવારી શકાય તેમ છે.

Most Popular

To Top