વડોદરા: વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના બાળકોને કમાટીબાગની મુલાકાતે લઇ જવાયા હતા જો કે ત્યારબાદ તેઓને થ્રી-વ્હિલ ટેમ્પોમાં ખીચોખીચ ભરીને લઇ જવાતા હતા. બાળકોને જોખમી રીતે આ ભારવાહક ટેમ્પોમાં લઇ જવાતા સંચાલકો સામે સવાલ ખડા થયા છે. કે જો કોઈ બાળકને કઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ હોત? શિક્ષણ સમિતિના બાળકોને થ્રી-વ્હિલ ટેમ્પોમાં પ્રવાસે લઇ જવામાં આવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નાગરવાડા શાકમાર્કેટ પાસે આવેલી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બુધવારે કમાટીબાગ ખાતે શૈક્ષણિક મુલાકાત પ્રવાસ માટે લઇ જવામાં આવ્યા હતા.
શાળા દ્વારા આ બાળકોને મુકવા જવા માટે થ્રી-વ્હિલ ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ધોમ ધખતા તાપમાં આ બાળકોને ઘેટા બકરાની માફક ભરવામાં આવ્યા હતા. જે રીતે બાળકોને ભરીને જોખમી રીતે લઈ જવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે જો કોઈ વિદ્યાર્થીને કોઈ ઈજા થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ હોત? આ પ્રવાસના વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં એક બાળક રહી જતા તે ટેમ્પોની પાછળ દોડતો દેખાય છે અને ચાલુ ટેમ્પામાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે અકસ્માત સર્જાયો હોત તો શું થાત તે કલ્પના પણ કરી શકાય તેમ નથી. ત્યારે આવા સંચાલકો સામે કડક રહે કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે તે ખુબ જરૂરી છે.
શાળાના આચાર્યને શો કોઝ નોટિસ આપવા સૂચના
શાળાના આચાર્યને તાત્કાલિક ધોરણે શો કોઝ નોટિસ આપવા માટે સાશનાધિકારીને સૂચના અપાઈ છે. બાળકોના જીવ જોખમમાં મુકાય તે યોગ્ય નથી. સામાન્ય રીતે કોઈ પણ પ્રવાસે જવાનું હોય તો કચેરીને જાણ કરી પોલીસ પરવાનગી લીધા બાદ સરકારી બસોમાં પ્રવાસે લઇ જવાય છે. આ પ્રવાસ નહિ પરંતુ શૈક્ષણિક મુલાકાત હોઈ શકે. પરંતુ તેમાં પણ આ રીતે બાળકોને લઇ જઈ શકાય નહિ. – મિનેષ પંડ્યા, અધ્યક્ષ, ન.પ્રા.શિ.સમિતિ