વડોદરા: વડોદરાનું સૌથી જૂનું કહેવાતું દિપક ઓપન એર થિયેટર આજે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. 150 વર્ષ જુના આ થિયેટરનું રીનોવેશન કરાયા બાદ વર્ષ 2015 માં તેને પુનઃ લોકાર્પિત કરાયું હતું જો કે માત્ર થોડા જ વર્ષોમાં આ થિયેટર પુનઃ ખંડેર બની ગયું છે. વડોદરાના મહારાજા ગણપતરાવ ગાયકવાડે સાંસ્કૃતિક નગરી વડોદરાના કલાપ્રેમીઓ માટે 150 વર્ષ અગાઉ ઓપન એર થિયેટર બનાવ્યું હતું. જો કે ત્યાર બાદ તેનું નવનિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને રૂ.5.50 કરોડના ખર્ચે તેનું રીનોવેશન કરાવ્યા બાદ 20 ઓગષ્ટ 2015 ના રોજ તેનું પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જો કે ત્યાર બાદ આ થિયેટરની કોઈ પણ પ્રકારની માવજત કરવામાં આવી હોય તેવું તેની સ્થિતિને જોઈને લાગતું નથી. કારણ કે હાલમાં આ થિયેટર અત્યંત ખંડેર હાલતમાં જણાઈ રહ્યું છે. રાત્રીના સમયે અસામાજિક તત્વો માટે આશ્રયસ્થાન બની ગયું છે. અને રાતના અંધારામાં મહેફિલો જામતી હોવાનું પણ જાણવા મળ્યું છે. સમારકામ પાછળ 5.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ 8 માત્ર વર્ષ જેટલા સમયમાં જ તેના ઉપર પાણી ફરી વળ્યું છે. અને લોકોને કોઈ કામમાં આવી રહ્યું નથી. ત્યારે આ થિયેટર અંગે પાલિકા તંત્ર દ્વારા ઘટતું કરવામાં આવે તેવી કલાપ્રેમીઓ માંગ કરી રહ્યા છે.