આપણા પ્રધાનમંત્રીશ્રી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે માર્ચ, ૨૦૨૧માં દાંડી કૂચનું ઉદ્ઘાટન કરી શરૂ કરાવાયેલ મહોત્સવ ૨૦૨૩ની પંદરમી ઓગષ્ટે આઝાદીના પંચ્ચોતેર વર્ષ પૂર્ણ થવાને આરે છે ત્યારે આપણા દેશની વિકાસગાથાનું વિહંગાવલોકન કરીએ તો આ ઐતિહાસિક કહી શકાય એવી અમૃત મહોત્સવની ઉજવણી સાથે સાથે ભારતને દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં રૂપાંતર કરવાના સ્વપ્નને સાકાર કરવાના આશયથી સરકાર દ્વારા વિવિધ વિકાસ યોજનાઓની જાહેરાતો થઇ રહી હોય એવું પણ જણાઇ રહ્યું છે.
દેશ અને આપણે સૌ પ્રજાજનો માટે આપણો ભારત દેશ આર્થિક વિકાસના પંથે આગળ વધતો રહે અને એ વિકાસગાથા સાથે અમૃત મહોત્સવની ઉજવણી પૂર્ણ થાય એ અત્યંત આનંદદાયક અને ગૌરવપ્રદ વાત છે પરંતુ આપણે આજના આપણા અર્થકારણની જમીની હકીકત, આવકની વહેંચણી અને આપણા કાયદેસરના ચલણના બજાર મૂલ્યની હકીકત તપાસીએ તો જણાશે કે આઝાદીનાં પંચોતેર વર્ષ પૂરાં કરવા તરફ આપણે ઝડપથી આગેકૂચ કરી રહ્યાં છીએ ત્યારે આર્થિક ક્ષેત્રે આપણે ક્યાં ઊભાં છીએ એ જોવું ઘણું જરૂરી બની જાય છે. બેકાબૂ બનતી મોંઘવારીને કારણે આપણો રૂપિયો સતત ઘસાતો રહ્યો છે.
ભારતના રૂપિયાનો ઇતિહાસ જોઇએ તો આપણો દેશ આઝાદ થયો ત્યારે એક યુ. એસ. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૪.૧૬ રૂપિયા જેટલું થતું હતું, જે ડિસેમ્બર,૨૦૨૨ માં ૮૧.૩૫ અને આજની તારીખે ૮૨.૮૪ રૂપિયા જેટલું થવા જાય છે. અલબત્ત સમયના વહેણ સાથે દેશ અને દુનિયામાં આવતા પરિવર્તનને કારણે દરેક દેશના ચલણનું મૂલ્ય અન્ય ચલણો સામે બદલાતું રહે છે પરંતુ એક અંદાજ મુજબ આઝાદીનાં પંચોતેર વર્ષ પૂર્ણ થયે આપણે આપણા દેશને વિકસિત રાષ્ટ્ર ગણાતા દેશોમાં ગણતરી પામવા સરેરાશ તેરથી ચૌદ ટકાના દરે વિકાસ કરવો પડે જે અશક્ય નહીં તો પણ અત્યંત મુશ્કેલ છે.
જેનો અર્થ એવો થઇ શકે કે દુનિયાનું એક નંબરનું અર્થકારણ બનવાનું લક્ષ્ય હાલની આર્થિક પરિસ્થિતિમાં વાસ્તવિકતાથી ઘણું દૂર છે. હકીકતે આપણા દેશના સત્તાધીશો દ્વારા દુનિયામાં સૌથી વધુ વિકસિત દેશમાં ગણતરી પામવાના પ્રયત્નો ભલે જારી રહે, પરંતુ દેશની આવશ્યક્તા અર્થકારણની જે જમીની હકીકત છે એને સ્વીકારી મક્કમ પગલે આગળ વધી સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે જે સમાજના દરેક વર્ગની વ્યક્તિઓના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં પરિણમી શકે. દેશ અને દેશના લોકોનો સર્વાંગી વિકાસ જ ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે ગણના પ્રાપ્ત કરવામાં સહાયભૂત થઇ શકે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
નવસારીમાં રખડતાં ઢોરોનો ત્રાસ ક્યારે દૂર થશે?
નવસારીમાં રખડતાં ઢોરોનો ત્રાસ વર્ષોથી છે. અગાઉના વિધાનસભ્યો અને સંસદ સભ્યોએ એ પ્રશ્ન અંગે શું કર્યું હતું એ તો તેઓ જ જાણે, પ્રશ્ન હજી ઠેરનો ઠેર છે. હવે નવા ચૂંટાયેલા વિધાનસભ્યો અને સંસદસભ્યો આ પ્રશ્ન અંગે ગંભીરતાપૂર્વક વિચારી પ્રજાને એ ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરાવે. માલધારીઓ કદાચ મત ન આપે એ ભયને કારણે ભાજપ સરકારે રખડતાં ઢોરોને માટેનો કાયદો પાછો ખેંચી લીધો હતો. હવે તો ગુજરાત ભાજપને ચોખ્ખી બહુમતી મળી છે. હવે એ કાયદાને પાછો અમલમાં લાવવો જોઈએ. ગાયોના અને આખલાઓનાં ટોળા હજી શાકભાજી મારકેટમાં અને જાહેર રસ્તાઓ પર પણ રખડે છે. ઢોરોને માટેનો કાયદો સત્વરે લાવવો રહ્યો.
નવસારી -મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.