Columns

જીવનની ગાઈડલાઈન્સ

હજારો વર્ષ પૂર્વે એક ઝેન ગુરુએ પોતાના શિષ્યોને જ્ઞાન મેળવ્યા બાદ આગળ જીવન જીવવા માટે જરૂરી એવાં સરસ સૂત્રો શીખવ્યાં હતાં અને આજે પણ આર્ટ ઓફ લિવિંગ ના સ્પીકરો પણ જીવન જીવવાની ગાઈડલાઈન્સ તરીકે તે જ સૂત્રોને કહે છે અને સમજાવે છે.ચાલો આપણે જાણીએ તે હજારો વર્ષો પૂર્વેના સૂત્રો જે આજે પણ ગાઈડલાઈન્સનું કામ કરે છે. પહેલું સૂત્ર છે ‘જયારે તમે એકલા હો ત્યારે તમારા વિચારો પર કાબૂ રાખો.’—જયારે તમારી સાથે કોઈ નથી ,તમને કોઈ જોતું નથી ત્યારે તમારા મનમાં ઉદ્ભવતા વિચારો પ્રત્યે વધુ સભાન થઈ જાવ કારણ કે અંતે માણસનું વર્તન તેના વિચારો પર જ આધારિત હોય છે.

બીજું સૂત્ર છે ‘જયારે તમે મિત્રો અને સ્વજનો સાથે હો ત્યારે તમારી જીભ પર કાબૂ રાખો.’—જયારે તમે મિત્રો અને સ્વજનો સાથે મસ્તી મજાક કરતા હો,અલકમલકની વાતો ચાલતી હોય ત્યારે શું બોલો છો ? કોના વિષે બોલો છો ?તે વિચારીને પછી જ બોલો.બધાની વચ્ચે કોઈના વિષે કંઈ ખોટું ન બોલાઈ જાય, મજાકમાં પણ ન બોલવાનું બોલાઈ જાય માટે વધુ સભાન રહો, કારણકે મધુર સંબંધો મધુર વાણી પર જ આધારિત હોય છે.

ત્રીજું સૂત્ર છે ‘જયારે તમે ગુસ્સામાં હો ત્યારે મિજાજ કાબૂમાં રાખો.’— જયારે કોઈ બાબતે ગુસ્સો આવે ત્યારે વધારે સભાન થઈ યાદ રાખો કે મગજ ગુમાવીને,એલફેલ બોલીને વાત કરવાની નથી.ગુસ્સામાં સમજ્યા વિના બોલાયેલા શબ્દો અને થયેલું વર્તન વાતને વધુ બગાડી નાખે છે.યાદ રાખો મિજાજ પર કાબૂ રાખવા ગુસ્સો આવે ત્યારે મૌન થઈ જાવ. ચોથું સૂત્ર છે ‘જયારે તમે બધાની સાથે હો ત્યારે તમારા વર્તન પર કાબૂ રાખો.’—જયારે સમાજમાં બધાની સાથે હોઈએ ત્યારે આપણું વર્તન બધા જોડે શાલીન અને સારું હોવું જોઈએ.

બધા સાથે એકસરખો વ્યવહાર રાખો અને કોઈને તમારા વર્તન માટે શરમ આવે એવું વર્તન ન કરો. પાંચમું સૂત્ર છે ‘જયારે તમે મુશ્કેલીમાં હો ત્યારે તમારી લાગણીઓ પર કાબૂ રાખો.’—જયારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે લાગણીઓમાં તણાઈને ખોટા નિર્ણય ન લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.લાગણીઓ પર કાબૂ રાખી દરેક મુશ્કેલીનો સામનો કરી તેનાં કારણો શોધી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો.હિંમત જાળવી રાખવી.લાગણીઓ પર કાબૂ ગુમાવી બેકાબૂ બની દુ:ખનાં રોદણાં રડવાથી મુશ્કેલીઓ દૂર થતી નથી.’

છઠ્ઠું સૂત્ર છે ‘જ્યારે ઈશ્વર કૃપા વરસાવવા લાગે ત્યારે અહમને કાબૂમાં રાખો.’જયારે ઈશ્વર મહેરબાન થઇ જે માંગો એથી પણ વધુ આપે ત્યારે વધુ સજાગ બની મન અને મગજમાં અભિમાનને પ્રવેશતાં રોકો અને ઈશ્વરકૃપા માટે પોતાને લાયક સમજી અહમ્ ન કેળવતાં વધુ ને વધુ નમ્ર બની ઈશ્વરનો ધન્યવાદ કરતાં રહો અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર રહો. આ મહત્ત્વની ગાઈડલાઈન્સ હંમેશા યાદ રાખી જીવન જીવો, ક્યારેય પસ્તાવું નહિ પડે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top