Columns

દિલ્હી શરાબ કૌભાંડમાં તેલંગાણાના મુખ્ય પ્રધાનની પુત્રીની પણ ધરપકડ થશે?

કાગડાઓ બધે કાળા જ હોય છે. રાજકારણીઓ બધા ભ્રષ્ટ જ હોય છે. ભ્રષ્ટાચાર કર્યા વિના કોઈ રાજકારણી ચૂંટણી જીતી શકતો નથી અને સત્તા પર આવી શકતો નથી. આ રાજકીય પક્ષોમાં ભાજપનો પણ સમાવેશ થઈ જાય છે. ભાજપના નેતાઓ પણ ભ્રષ્ટાચાર આચરે છે, પણ પકડાતા નથી, કારણ કે ભ્રષ્ટ રાજકારણીઓ સામે પગલાં લેનારી સીબીઆઈ, આઈટી, ઇડી વગેરે એજન્સીઓ તેમના આદેશ મુજબ કામ કરે છે. કદાચ ભાજપની સરકારનું પતન થાય અને ભવિષ્યમાં બીજા કોઈ પક્ષની સરકાર આવે તો ભાજપના રાજમાં થયેલાં કૌભાંડો પણ ખોદી કાઢવામાં આવશે. અત્યારે તો વિપક્ષો પર પ્રચંડ આક્રમણ ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાની ધરપકડ પછી તેલંગાણાના મુખ્ય પ્રધાન સી. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.

દિલ્હીના લિકર કેસમાં જે ૧૨ આરોપીઓનાં નામો આપવામાં આવ્યાં છે, તેમાં એક નામ ભારત રાષ્ટ્ર સમિતિ પક્ષનાં વિધાન પરિષદનાં સભ્ય કે. કવિતાનું પણ છે. ઇડી દ્વારા ૧૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં કે. કવિતાની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેણે આમ આદમી પાર્ટીને ચૂંટણી ફંડમાં ૧૫૦ કરોડ રૂપિયા ચેકથી આપ્યા હતા. કે. કવિતાને આમ આદમી પાર્ટી માટે કેમ આટલો બધો પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. તેનું રહસ્ય એવું છે કે કે. કવિતા તેલંગાણાની એક લિકર કંપનીના ૬૫ ટકા શેરો ધરાવે છે. આ કંપનીને દિલ્હીની સરકાર દ્વારા શરાબ વેચવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. તેના કિકબેકના રૂપમાં ૧૫૦ કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીના ચૂંટણી ફંડમાં આપવામાં આવ્યા હતા. આ રૂપિયાનો ઉપયોગ ગુજરાતમાં અને પંજાબમાં ચૂંટણી લડવા માટે કરવામાં આવ્યો હતો. પંજાબમાં આમ આદમી પાર્ટી જીતી ગઈ હતી, જ્યારે ગુજરાતમાં હારી ગઈ હતી. ચૂંટણી લડવા માટે ભ્રષ્ટાચાર અનિવાર્ય બની ગયો છે.

હૈદરાબાદમાં હેડ ઓફિસ ધરાવતી ઇન્ડો સ્પિરિટ કંપનીના ભાગીદાર અરુણ પિલ્લાઇ નામના વેપારી છે, પણ કે. કવિતા તે કંપનીમાં ૬૫ ટકા શેરો ધરાવે છે. દિલ્હી સરકારની નવી શરાબ નીતિ મુજબ ખાનગી કંપનીઓને દિલ્હીમાં શરાબની હાટડીઓ ખોલવાની પરવાનગી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ હાટડીઓમાં શરાબનું વિતરણ કરવા માટે ઇન્ડો સ્પિરિટ કંપની દ્વારા અરજી કરવામાં આવી હતી. આ કંપની અગાઉ અનૈતિક વેપારી નીતિરીતિમાં સંડોવાયેલી હોવાનું જણાતા તેની અરજી ઠુકરાવી દેવામાં આવી હતી.

અરુણ પિલ્લાઈએ પછી મનિષ સિસોદિયાના નજીકના સાથીદાર અને પાવરબ્રોકર વિજય નાયરનો સંપર્ક સાધ્યો હતો. વિજય નાયરે તેમને ૧૫૦ કરોડ રૂપિયાની લાંચ આપવાનું જણાવ્યું હતું, જે રૂપિયા આમ આદમી પાર્ટીના ચૂંટણી ફંડમાં જમા કરવાના હતા. તેના બદલામાં તેને દારૂની દુકાનોમાં દારૂનો સપ્લાય કરવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. ૧૫૦ કરોડ રૂપિયા સામે તેને બીજો પણ મોટો ફાયદો થયો હતો. વિજય નાયરે દારૂનું ઉત્પાદન કરતી કંપનીઓને કહ્યું હતું કે તેમણે તેમના માલની હોલસેલ ડિસ્ટ્રિબ્યુટરશીપ માત્ર ઇન્ડો સ્પિરિટ કંપનીને જ આપવી, જેના ૬૫ ટકા શેરો કે. કવિતાના હાથમાં હતા. કે. કવિતા પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને મનિષ સિસોદિયા સુધી પણ પહોંચી ગઈ હતી.

શરાબ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિજય નાયર મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો અને નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાનો વિશ્વાસુ છે, જે પોતે દક્ષિણ ભારતીય છે. વિજય નાયર અગાઉ ‘ઓન્લી મચ લાઉડર’ નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતો હતો. તેને આમ આદમી પાર્ટીના સંપર્ક અધિકારી તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. વિજય નાયરને દિલ્હીમાં રહેવા માટે સિવિલ લાઇન્સમાં બંગલો આપવામાં આવ્યો હતો, જે હકીકતમાં દિલ્હીના પરિવહન મંત્રી કૈલાસ ગેહલોતના નામે સરકાર દ્વારા ફાળવવામાં આવ્યો હતો.

કૈલાસ ગેહલોત પાસે દિલ્હીમાં પોતાનું ઘર હોવાથી તેઓ તેમાં રહેતા હતા, જ્યારે વિજય નાયર તેમના બંગલામાં રહીને બધો બેનંબરનો વહીવટ ચલાવતો હતો. દિલ્હીમાં જેટલા પણ વેપારીઓને દારૂની દુકાન ખોલવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું તેમની પાસેથી વિજય નાયરે ૨૦-૩૦ કરોડ રૂપિયા લીધા હતા. આ રૂપિયામાંથી પોતાનું કમિશન કાપી લીધા પછી તેણે બાકીના રૂપિયા મનિષ સિસોદિયાને આપ્યા હતા. વિજય નાયરની ગઈ ૧૩ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

તેણે આપેલી જુબાનીના આધારે મનિષ સિસોદિયાની પૂછપરછ કરવામાં આવી હતી અને ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હી શરાબ કૌભાંડમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સમીર મહેન્દ્રુ પણ કે. કવિતા સાથે સંકળાયેલો છે. સમીર મહેન્દ્રુ ઇન્ડો સ્પિરિટ કંપનીનો માલિક છે, જેના ૬૫ ટકા શેરો કે. કવિતાના હાથમાં છે. સમીર મહેન્દ્રુના સસરા ખાઉ ગલ્લી રેસ્ટોરન્ટ્સ, બબલી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ અને ઇન્ડો સ્પિરિટ ડિસ્ટ્રિબ્યુશન કંપનીના ભાગીદાર છે, જેમને પણ દિલ્હીમાં શરાબ વેચવાનાં લાઇસન્સો મળ્યાં હતાં.

આ કૌભાંડમાં હૈદરાબાદના ગૌતમ મુથ્થા નામના પત્રકારે પણ દલાલની ભૂમિકા ભજવી હતી. તે ઇન્ડિયા અહેડ અને આંધ્ર પ્રભા પબ્લિકેશન્સ જેવી કંપનીઓની માલિકી-ભાગીદારી ધરાવે છે. દક્ષિણ ભારતના ગ્રુપ દ્વારા અભિષેક બોઇનપલ્લી નામના દલાલની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેનું કામ દિલ્હીના એક્સાઇઝ ખાતાના અધિકારીઓને મળીને તેમને લાંચ આપવાનું હતું. અભિષેક બોઇનપલ્લીનો સાથીદાર દિનેશ અરોરા આ કેસમાં તાજનો સાક્ષી બની ગયો છે. લાંચ લેનારા ઓફિસરોમાં ડેપ્યુટી એક્સાઇઝ કમિશનર કુલદીપ સિંહનું અને આસિસ્ટન્ટ એક્સાઇઝ કમિશનર નરિન્દર સિંહનાં નામો બહાર આવ્યાં છે. ભારતની શાસન પદ્ધતિ જ એવી છે કે પ્રધાનોને કરોડો રૂપિયાની લાંચ આપ્યા પછી ઉચ્ચ અમલદારોને પણ લાંચ આપવી જ પડે છે, કારણ કે પ્રધાનોના આદેશોનો અમલ કરવાની સત્તા તેમની પાસે જ હોય છે.

દિલ્હી શરાબ કૌભાંડમાં પી. શરદ રેડ્ડીની અને બિનોય બાબુની પણ ધરપકડ કરવામાં આવી છે. પી. શરદ રેડ્ડી દક્ષિણ ભારતમાં અરોબિન્દો ફાર્મા નામની કંપની ચલાવે છે અને તેમણે વિજય નાયરના માધ્યમથી મનિષ સિસોદિયાને ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ આપી હોવાનું કહેવાય છે. બિનોય બાબુ દારૂનું ઉત્પાદન કરતી પેર્નોડ રિકાર્ડ કંપનીના માલિક છે, જેમણે દારૂનું છૂટક વેચાણ કરતા વેપારીઓ પાસેથી ૨૦૦ કરોડ રૂપિયા એકઠા કરીને રાજકારણીઓને પહોંચાડ્યા હતા. ધરપકડ કરાયેલો અમિત અરોરા નામનો ઇસમ બડી રિટેઇલ અને કે.એસ. જે. એમ. સ્પિરિટ નામની કંપનીનો માલિક છે, જેણે ઉચ્ચ અમલદારોને લાંચ આપવાનું કામ કર્યું હતું.

શરાબ કૌભાંડના આરોપીઓ દ્વારા કુલ ૧૭૦ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કૌભાંડ બહાર આવ્યા પછી તેમાંના ૧૫૩ ફોન ભઠ્ઠીમાં નાખીને બાળી કાઢવામાં આવ્યા હતા. જે ૧૭ ફોન પકડાયા તેમાંનો બધો ડેટા ગાયબ હતો. સત્તાવાળાઓ દ્વારા એપલ અને એન્ડ્રોઇડ જેવી કંપનીઓનો સંપર્ક કરીને તેમાંનો ડેટા રિટ્રાઇવ કરવામાં આવ્યો હતો. સત્યેન્દ્ર જૈન પછી મનિષ સિસોદિયા પણ જેલમાં પહોંચી જતાં હવે કેબિનેટની બેઠક પણ કદાચ તિહાર જેલમાં જ મળશે.

Most Popular

To Top