નડિયાદ: ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના ચેરમેન પદેથી આજે વિપુલ પટેલે(ડુમરાલ) રાજીનામુ આપ્યુ છે. પક્ષ પ્રમુખને આપેલા રાજીનામામાં પોતે અમુલના ચેરમેન બન્યા બાદ કામગીરીનું ભારણ વધતાં બેંકના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યુ હોવાનું પત્રમાં જણાવ્યુ છે. ભારતીય જનતા પાર્ટીએ વિપુલ પટેલના ચેરમેન તરીકેના 1 વર્ષના કાર્યકાળમાં બેંકમાં ખૂબ પ્રગતિ કરી હોવાનું જણાવ્યુ છે. મળતી વિગતો મુજબ વિશ્વપ્રસિદ્ધ અમુલ ડેરીના ચેરમેન પદે વિપુલ પટેલની બિનહરીફ વરણી થઈ હતી. આ બાદ તેમણે પક્ષના નિયમો મુજબ પહેલા જ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. હવે અમુલની કામગીરીનું ભારણ વધારે હોવાનું જણાવી તેમણે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન પદેથી પણ રાજીનામુ આપ્યુ છે.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને રાજીનામુ મોકલ્યા બાદ તેનો સ્વીકાર થયો છે. આ ઘટનાક્રમ બાદ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે પત્રકાર પરીષદ યોજી માહીતી આપી હતી અને વિપુલ પટેલને કેડીસીસી બેંકમાં 1 વર્ષ પૂર્ણ થયા રાજીનામુ આપ્યુ હોવાનું જણાવ્યુ હતુ. તો તેમના 1 વર્ષના સમયગાળામાં કેડીસીસીમાં તેમના પ્રયત્નોને વખાણ્યા છે. અજય બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ કે, બેંકની વાર્ષિક આવકના કુલ સ્ત્રોત મળીને 4 કરોડ જેટલી આવકનો વધારો કર્યો છે. ધિરાણ પ્રવૃતિને વેગ આપવા ઉપરાંત ડીપોઝીટમાં 110 કરોડ ઉપરાંતનો વધારો થતા બેંકના નેટ વર્થમાં 23.83 કરોડનો વધારો થયો છે.
એકતરફ કેડીસીસીના ચેરમેન પદ માટે ક્ષત્રિય ચહેરા તરીકે ધીરૂસિંહ ચાવડાનું નામ અગ્રેસર છે, જો કે, ખેડા જિલ્લાની 6 વિધાનસભામાં 5 ધારાસભ્યો ક્ષત્રિય હોઈ, હવે પાટીદાર મતબેંક સચવાઈ રહે તે માટે મહુધા બેઠકના ડીરેક્ટર નિલેશ પટેલને પણ નવા ચહેરા તરીકે આગળ કરી સુકાન સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે. હાલ તો ભાજપ પ્રેરિત ડિરેક્ટર્સ દ્વારા મોવડીનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.
21 પૈકી 13 બેઠકો પર ભાજપના સભ્યો
ગયા વર્ષે યોજાયેલી કેડીસીસીની ચૂંટણીમાં ભાજપે 4 બેઠકો બિનહરીફ મેળવી હતી. જ્યારે 17 બેઠકો પર ચૂંટણી યોજાતા તેમાંથી 8 બેઠકો કોંગ્રેસના ફાળે આવી હતી અને 9 બેઠકો ભાજપે જીતી હતી. ભાજપ પાસે 9 અને બિનહરીફ 4 મળી 13 બેઠકો થતા પ્રથમવાર કેડીસીસીમાં સત્તાસ્થાને પહોંચ્યુ હતુ. જ્યાં વિપુલ પટેલ ચેરમેન બન્યા હતા.
કમીટમેન્ટ હશે તો ધીરૂસિંહ ચેરમેન
રાજકીય વિશ્લેષકોના મતે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેડીસીસીના ડીરેક્ટર ઉપરાંત કોંગ્રેસના કાર્યકાળમાં કેડીસીસીના ચેરમેન પદે રહેલા ધીરૂસિંહ ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. તેઓ ભાજપમાં જોડાયા તે વખતે ચેરમેન પદ માટે કમીટમેન્ટ લીધુ હશે, તો તે કમીટમેન્ટ મુજબ ચેરમેન પદે તેમને બેસાડાય તેવી શક્યતાઓ વધારે છે. ઉપરાંત જાતિગત ફેક્ટર જોતા જિલ્લા ભાજપ પદ બારોટને ફાળવતા હવે ક્ષત્રિય વોટબેંક સાચવવા માટે ધીરૂસિંહ પ્રથમ પસંદગી હોઈ શકે છે.
આ છે ચૂંટાયેલા સભ્યો
કેડીસીસીમાં હાલ સેવા વિભાગમાં ધીરૂભાઇ અમરસિંહ ચાવડા (કોંગ્રેસ) પક્ષમાંથી ચૂંટાયા હતા, પરંતુ હાલ તેઓ પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયેલા છે. નડિયાદ અને વસો બેઠક પર વિપુલભાઇ કાંતિભાઇ પટેલ (ભાજપ), મહેમદાવાદ, મહુધા બેઠક પર નિલેશકુમાર ચંદુભાઇ પટેલ (ભાજપ), કપડવંજ, કઠલાલ બેઠક પર મધુબેન નરોત્તમભાઈ પટેલ (કોંગ્રેસ), બાલાસિનોર, વિરપુર બેઠક પર છત્રસિંહ કનકસિંહ વાઘેલા (કોંગ્રેસ), ઠાસરા, ગળતેશ્વર બેઠક પર યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર (ભાજપ), આણંદ, ઉમરેઠ બેઠક પર ભરતભાઇ સુરેશભાઇ પટેલ (ભાજપ), પેટલાદ, સોજીત્રા બેઠક પર તેજશકુમાર બિપીનચન્દ્ર પટેલ (ભાજપ), ખંભાત, તારાપુર બેઠક પરથી રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર (ભાજપ), બોરસદ, આંકલાવ બેઠક પર અમિતભાઈ અજીતસિંહ ચાવડા (કોંગ્રેસ) ચૂંટાયેલા છે. જ્યારે સહકારી વિભાગમાં ખેડા જિલ્લા વિભાગમાંથી કોંગ્રેસના ભદ્રેશભાઈ બંસીલાલ શાહ જ્યારે આણંદમાંથી દિલીપભાઈ ડાહ્યાભાઈ પટેલ, દૂધ ઉત્પાદક વિભાગમાંથી માતર, ખેડા, મહેમદાવાદ અને વસો બેઠક પર કેસરીસિંહ જેસંગભાઇ સોલંકી (ભાજપ), નડિયાદ બેઠક પરથી રણજીતસિંહ ધુળાભાઈ વાઘેલા (ભાજપ), કપડવંજ, કઠલાલ બેઠક પરથી શનાભાઈ ગાંડાભાઈ સોઢા પરમાર (કોંગ્રેસ), બાલાસિનોર, વિરપુર બેઠક પરથી બાબરસિંહ પ્રભાતસિંહ ચૌહાણ (ભાજપ), આણંદ, આંકલાવ બેઠક પરથી મહેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર (કોંગ્રેસ), બોરસદ,પેટલાદ બેઠક પરથી ભરતભાઇ રમણભાઇ પટેલ (ભાજપ), ખંભાત, તારાપુર, સોજિત્રા બેઠક પરથી સંદિપસિંહ વિજયસિંહ ચુડાસમા (કોંગ્રેસ) ડીરેક્ટર છે. તો વ્યક્તિગત વિભાગમાં ભાજપના યોગેન્દ્રભાઈ નટુભાઈ પટેલ સભ્ય છે.