Sports

ફિફા એવોર્ડમાં એમ્બાપ્પેને પછાડી લિયોનલ મેસીએ જીત્યો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ

પેરિસ: વર્લ્ડકપ (WorldCup) ચેમ્પિયન આર્જેન્ટીના કેપ્ટન લિયોનલ મેસીએ વધુ એકવાર ફ્રાન્સના (France) કિલિયન એમ્બાપ્પેને પછાડીને ફિફાનો સર્વશ્રેષ્ઠ મેન્સ ખેલાડીનો એવોર્ડ (Award) જીત્યો હતો. ફિફાએ (FIFA) સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ સ્પેનની એલેક્સિયા પુટેલાસે જીત્યો હતો. ગત વર્ષે કતારમાં રમાયેલી ફાઇનલમાં એમ્બાપ્પેના ફ્રાન્સને હરાવીને આર્જેન્ટીનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર મેસીએ 2022ના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકેના એવોર્ડની રેસમાં એમ્બાપ્પે અને કરીમ બેન્ઝેમાને પછાડીને 7મીવાર આ એવોર્ડ જીત્યો હતો.

આર્જેન્ટિનાના કોચ લિયોનેલ સ્કેલોનીને વર્ષ 2022ના સર્વશ્રેષ્ઠ પુરુષ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આર્જેન્ટિનાની વર્લ્ડ કપ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝને સર્વશ્રેષ્ઠ પુરુષ ગોલકીપર જાહેર કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડની મેરી ઇર્પ્સે મહિલા ગોલકીપરનો એવોર્ડ જીત્યો હતો. ઈંગ્લેન્ડની મેનેજર સરીના વિગમેનને વર્ષની શ્રેષ્ઠ મહિલા કોચ તરીકે પસંદ કરવામાં આવી હતી.

  • લિયોનલ મેસી 7મીવાર વર્ષનો શ્રેષ્ઠ ફૂટબોલર જાહેર, સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ સ્પેનની એલેક્સિયા પુટેલાસે જીત્યો
  • આર્જેન્ટિનાના કોચ લિયોનેલ સ્કેલોની સર્વશ્રેષ્ઠ કોચ અને ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝને સર્વશ્રેષ્ઠ પુરુષ ગોલકીપર જાહેર

ફિફાપ્રો મેન્સ વર્લ્ડ ઇલેવનમાં સર્વાધિક 16મીવાર સ્થાન મેળવી લિયોનલ મેસીએ કર્યો નવો રેકોર્ડ
આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન લિયોનેલ મેસીએ સોમવારે મોડી રાત્રે ફિફા દ્વારા બહાર પાડવામાં આવેલ ફિફાપ્રો મેન્સ વર્લ્ડ 11માં સ્થાન મેળવ્યું હતુ. આ સાથે મેસીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો હતો. મેસી ફિફાપ્રો મેન્સ વર્લ્ડ ઇલેવનમાં સર્વાધિક 16મીવાર સ્થાન મેળવનારો ફૂટબોલર બન્યો હતો. આ પહેલા મેસીઅને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બંને 15-15 વખત આ ટીમમાં જગ્યા બનાવી ચૂક્યા હતા, જેમાં મેસીએ હવે રોનાલ્ડોને ઓવરટેક કરી લીધો છે. થિબૌટ કોર્ટોઈસ, અચરફ હકીમી, જોઆઓ કેન્સેલો, કેસેમિરો અને કરીમ બેન્ઝેમાએ પ્રથમ વખત ફિફાપ્રો મેન્સ વર્લ્ડ ઇલેવનમાં સ્થાન મેળવ્યું છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની 2006 પછી પ્રથમ વખત તેમાં પસંદગી કરવામાં આવી નથી. ક્રોએશિયા ફૂટબોલ ટીમના કેપ્ટન લુકા મોડરિચે છઠ્ઠી વખત ટીમમાં જગ્યા બનાવી છે.

Most Popular

To Top