ભરૂચ,જંબુસર: જંબુસર તાલુકામાં સારોદથી કોરા કાવલી ગામમાંથી પસાર થતી માઇનોર નહેરમાં ગાબડું પડતા કાવલી ગામની નવી નગરીમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નવી નગરી જળબંબોળ થતા લોકોના ઘરમાં પણ પાણી ફરી વળતા સ્થિતિ કફોડી બની છે.
- નર્મદા નિગમની કેનાલ ભંગાણનો સિલસિલો યથાવત
- સારોદ પાસેના ખેતરોમાં ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવા પાણી ભરાયા
- સારોદથી કોરા કાવલી જતી માઇનોર કેનાલમાં ગાબડું પડતા નવી નગરી વિસ્તાર બેટમાં ફેરવાયો
- વારંવાર કેનાલો તૂટી જવાની ઘટનામાં સિંચાઈ વિભાગની ઉદાસીન નીતિ જવાબદાર હોવાના આક્ષેપ
- કેનાલમાં ગાબડું પડતા કાવલી ગામમાં અનેક વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા
ભરૂચ તાલુકા અને જિલ્લામાં શિયાળા બાદ ઉનાળાના આરંભે પણ નહેરોમાં ભંગાણનો સિલસિલો સામે આવી રહ્યો છે. જંબુસર તાલુકામાં નર્મદા નિગમની નહેર મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જર્જરિત કેનલોના સમારકામના અભાવે કેનલોમાં ગાબડા પડવાની ઘટનામાં વધારો થયો છે.
મંગળવારે જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની સારોદથી કોરા કાવલી ગામ જતી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે જેને પગલે કાવલી ગામના અનેક વિસ્તારમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. ગામની નવી નગરીમાં તો જાણે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે ગામની આજુબાજુમાં પણ પાણીનો ભરાવો થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરોમાં જવાના રસ્તા પાણીમાં ગરક થઇ ગયા છે. જંબુસર નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારી સામે આવી રહી હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખના પતિ અજિતસિંહ રૂપસિંહ સિંધાએ અધિકારીઓને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા પગલા નહિ ભરવાને પગલે ખેડૂતો સાથે ગ્રામજનોએ હેરાન થવાનો વારો આવતો હોવાના આક્ષેપ કર્યા છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
નર્મદા નિગમ દ્વારા કેનલોનું સમારકામ અને સારસંભાળ યોગ્ય કરાઈ રહી નથી કે પછી તકલાદી કામના કારણે વારંવાર ભંગાણ પડી રહ્યા છે જેને લઈ ખેડૂતો અને ગ્રામજનોમાં હાલ તો રોષ જોવા મળી રહ્યો છે.