ગામડું એટલે કે હસતું રમતું પર્યાવરણના ખોળે વસેલું માનવ સમુદાયનું નાનું એકમ. આવું જ એક નાનકડું હાથનુર એ ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પર વસેલું અને તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલું ગામ છે. સંપૂર્ણ આદિવાસી વસતી ધરાવતું આ નાનકડું ગામ ત્રણ ફળિયાંનું બનેલું છે. આ ગામ ઉચ્છલ-નિઝર સ્ટેટ ધોરી માર્ગ પર આવેલું છે. જે સુરત શહેરથી લગભગ ૧૪૯ કિ.મી. પૂર્વ દિશા અને નિઝર તાલુકા મથકથી પશ્ચિમ દિશામાં લગભગ ૨૭ કિ.મી.ના અંતરે આવેલું છે. ગામની પૂર્વ દિશામાં રાયગઢ ગામ આવેલું છે. પશ્વિમ દિશામાં નાસરપુર, સાયલા, બોરઠા અને પૂર્વ દિશામાં લેકુરવાડી, મૌલીપાડા ગામો આવેલાં છે. આ ગામનો ગ્રુપ ગ્રામ પંચાયત રાયગઢમાં સમાવેશ થાય છે. હાથનુર ગામને વસતીની દૃષ્ટિએ જોઈએ તો ૯૪૦ જેટલી જનસંખ્યા છે. આ ગામમાં ૧૮૬ જેટલાં કુટુંબો જોવા મળે છે. ગામનો ભૌગોલિક વિસ્તાર ૪૬૧.૧૯ હેક્ટરમાં ફેલાયેલો છે.
ગામની માળખાકીય સુવિધા
ગામમાં સરકારની અનેક વિકાસકીય યોજનાથી પાકા રસ્તા, ડામર રોડ અને સીસી રોડ બનાવવામાં આવ્યા છે. પાણીની સુવિધા માટે ઘરદીઠ નળ કનેક્શનની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઘર વપરાશ અને ખેતીમાં વપરાશ માટે વીજલાઈનનાં કનેક્શન આપવામાં આવ્યાં છે. ગામનાં પશુઓને પીવાના પાણી માટે હવાડા બનાવવામાં આવ્યા છે. સ્ટેટ ધોરી માર્ગ પરથી શહેરો કે બીજાં ગામ જવા માટે બસ સ્ટોપની સુવિધાઓ બનાવવામાં આવી છે. આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધમંડળી સહિતનાં સહકારી સંસ્થાઓનાં મકાનો બનેલાં છે. તાલુકાનાં આજુબાજુનાં વિસ્તારને પાણી મળી રહે એ હેતુથી પાણી પુરવઠાની વિશાળકાય પાણીની ભૂગર્ભ ટાંકીઓ બાંધવામાં આવેલી છે.
ખંડેરમાં પરિવર્તિત ગ્રામ સમાજ વાડીનું મકાન
ગામના વિકાસ માટે સરકાર દ્વારા અનેક યોજના અમલમાં છે, પરંતુ જમીની હકીકત પર તેનું વાસ્તવિક સ્વરૂપ જોવા મળતું નથી. જેના લીધે જે હેતુ સાર્થક થવો જોઈએ એ હેતુ સાર્થક થતો નથી. ગામમાં કોઈપણ વિકાસ પ્રકલ્પથી ગામની શોભામાં વધારો થાય છે. આ શોભાયમાન માળાના મણકાસમાન અનેક સુવિધાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગોકુળ ગ્રામ યોજના અંતર્ગત ગામના લોકો એક જગ્યાએ કોઈ પણ પ્રસંગે ભેગા મળી શકે, ગામનું દફ્તર સુરક્ષિત સચવાય, ગામની સામૂહિક સંપત્તિનાં અનેક સાધનો મૂકી શકાય વગેરે હેતુથી લાખો રૂપિયા ગ્રાંટમાંથી ફાળવી ગ્રામ સમાજ વાડીનું અદ્યતન સુવિધા સાથેનું મકાન બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ મકાનમાં વાપરેલા હલકી કક્ષાનાં મટિરિયલને લીધે બારી-બારણાં તૂટીને ભંગાર થઈ ગયાં છે. આ મકાનના આંગણામાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યાં છે. કોઈ ભૂતિયો બંગલો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગ્રામજનોએ આ મકાનની લાઈટિંગ, પાણીની સુવિધા અને આજુબાજુ પાકી દીવાલ બાંધવા સહિત લેખિત તેમજ મૌખિક રજૂઆત વારંવાર સ્થાનિક તંત્રને કરવામાં આવી, છતાં ઉકેલ આવ્યો નથી. આ મકાનના જીર્ણોદ્વાર તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
પીવાના પાણી માટે વલખા મારતા ગ્રામજનો
પાણીની સુવિધાએ મૂળભૂત અને અત્યંત આવશ્યક સુવિધાઓમાં સમાવેશ થાય છે તેથી દેશનાં કોઈપણ નાગરિક, સમાજ કે ગામની પીવાનાં પાણીની સુલભ અને સ્વચ્છ પાણીની સુવિધા પ્રાપ્ત થવી જ જોઈએ. સરકાર પીવાના પાણીની અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેમાં વાસ્મો, સ્વજલધારા, પાણી પુરવઠા યોજના વગેરે યોજનાનો અમલમાં મૂકી છે. ગામમાં પીવાનાં પાણીની સુવિધા માટે હેડપંપ, મીની પાઈપલાઈન, વીસ હજારની પાણીની ક્ષમતાયુક્ત મોટી ટાંકી બનાવી છે. પરંતુ આ તમામ સુવિધાઓ શોભાના ગાંઠિયાસમાન સાબિત થઈ છે.
આ યોજનાનો ગ્રામજનોની જે હેતુથી આ સુવિધા ઊભી કરવામાં આવી તે હેતુ પાર પડ્યો નથી. પરંતુ હાલ ભંગાર હાલતમાં પડી રહી છે. ઉનાળા દરમિયાન લોકોને પીવા માટે પાણી મળતું નથી. હેડપંપો પણ બગડી જતાં બિનકાર્યક્ષમ બન્યા છે. મીની વોટરપાઈપ દ્વારા દરેક ફળિયામાં દશથી પંદર ઘરના પરિવારોને આવરી લેતી યોજના પણ અમલ મૂકવામાં આવી હતી. પરંતુ કેટલી જગ્યા પાણીની ટાંકીઓ ગોઠવવામાં આવી તે પાણીના બોરમાં મોટર બગડી ગઈ છે, કેટલીક જગ્યાએ નળનું કનેક્શન આપવામાં આવ્યું નથી.
હાલ આ યોજના પણ સંપૂર્ણ રીતે સફળ થઈ નથી. એટલું જ નહીં હાથનુર ગામે દક્ષિણ નિઝર પાણી પુરવઠા યોજના દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવા માટે ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે, જેની ક્ષમતા એકવીસ લાખ લીટર છે. આ ટાંકીનું બાંધકામ ગત વર્ષે ૨૦૨૨ પૂર્ણ કરવામાં આવ્યું છે. જે ગામ પાસે આ ટાંકી બનાવવામાં આવી છે. પરંતુ આ જ ગામના હાથનુર ફળિયાને તેનો લાભ હજુ સુધી મળ્યો નથી. જેના લીધે ગ્રામજનોને ઉનાળા સમય દરમિયાન જ્યારે ભૂગર્ભમાં પાણીનાં સ્તર નીચે ઊતરી જાય છે ત્યારે ગામ લોકોને પીવાનાં પાણીની ખૂબ જ તકલીફ પડે છે. જો આ યોજનાનો લાભ નહીં મળે તો ગ્રામજનોએ ધરણાં પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ખેતીની પિયત માટે ઉદવહન સિંચાઈ યોજનાની માંગ
હાથનુર એ ઉકાઈ પુન:વસવાટ કરવામાં આવેલું ગામ છે. ગામની નજીક ઉકાઈ ડેમની વિશાળ જળાશયનો કિનારો આવેલો છે. ચોમાસા જ્યારે ડેમમાં અનેક નદીઓનું પાણી એકત્રિત થતાં જળાશયની સપાટીમાં વધારો થતાં હાથનુર ગામની સીમ સુધી પહોંચી જાય છે. શિયાળા અને ઉનાળામાં આ પાણી ઓસરી જતાં ડૂબમાં ગયેલી થોડીઘણી જમીન બહાર નીકળતાં તેમાં ખેતીની જમીનમાં કઠોળ તથા વિવિધ પાકોની મોસમી ખેતી કરવામાં આવે છે, પરંતુ જ્યારે ગામને વિસ્થાપન કરવામાં આવ્યું ત્યારે ગામલોકોની ખેતીની જમીન, ગોચરની જમીન, ગામઠાણની જમીન અને જંગલ વિસ્તારની જમીન ખૂબ જ મોટા પ્રમાણમાં સંપાદન કાયદા હેઠળ સરકાર દ્વારા જમીનો લેવામાં આવી હતી.
આ ગુમાવેલી જમીનના બદલામાં સરકાર દ્વારા જ્યાં પુન:વસવાટ કરવામાં આવ્યો ત્યાં પ્રત્યેક ખેડૂતોને નવી જમીન આપી છે. આ જમીનોમાં પર પિયતની સુવિધા કરવા સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવી ઉદવહન સિંચાઈ યોજના મારફતે દરેક ખેડૂતને ઉકાઈ ડેમના જળાશયમાંથી પાણીની સુવિધાઓ પાઈપલાઈન દ્વારા લાભ આપવાની યોજના અમલમાં મૂકી છે. ઉચ્છલ, સોનગઢ ,સાગબારા, કુકકરમુંડા, નિઝર જેવા તાલુકાનાં કેટલાંક ગામડાંમાં આ યોજના અમલ કરવામાં આવી છે. તેથી તે ગામની ખેતીમાં પિયતની સુવિધા મળતાં ખેડૂતો બારેમાસ ખેતીમાં પાક લેતો થયા છે.
ખેતીમાં પિયતની સુવિધા થતાં પશુપાલનનો વિકાસ થતાં ગામમાં સહકારી દૂધમંડળીમાં દૂધની આવકમાં પણ વધારો થયો છે. ખેતીની જમીનો હતી, પરંતુ પિયતના અભાવે રોજગારી અર્થે બારડોલી, સુરત, વલસાડ, વાપી વગેરે શહેરોમાં સ્થળાંતર કરવું પડતું હતું. હાલ ખેતીમાં સિંચાઈની સુવિધાનો લાભ મળતાં સ્થાનિક કક્ષાએ રોજગારી મળવા લાગી છે. આથી સ્થળાંતરનો પ્રશ્નો હલ થયો છે. મહત્ત્વની વાત એ છે કે, હાથનુર ગામનો ઉકાઈ જળાશય કિનારે જ વસવાટ કરવામાં આવ્યો છે, પરંતુ આ ગામને પાણીને લગતી આવી કોઈ જ યોજનાનો લાભ મળ્યો નથી. આ ગામે ઉદવહન સિંચાઈ યોજના બનાવવામાં આવે તો આજુબાજુનાં ગામના ખેડૂતોની ખેતી પિયત થાય તેમ છે. ગામ લોકોએ ગામના ચુંટાયેલા લોકપ્રતિનિધિ અને સ્થાનિક તાલુકા અને જિલ્લાના વહીવટી તંત્ર પાસે ઉદવહન સિંચાઈ યોજના વિકસીત કરી ખેડૂતોને સિંચાઈના પાણી માટે માંગણી કરી છે.
સ્ટ્રીટ લાઈટની સુવિધા
ગામના આંતર માળખાકીય સુવિધામાં લાઈટની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહેલી છે. ગામમાં કેટલીક જગ્યાએ સ્ટ્રીટ લાઈટના પોલ ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ દરેક ફળિયાંમાં તેનો લાભ મળ્યો નથી. કેટલીક જગ્યાએ સ્ટ્રીટ લાઈટના પોલ ઊભા કરવામાં આવ્યા, પરંતુ બંધ હાલતમાં હોવાથી રાત્રિ સમય દરમિયાન એ ફળિયામાં અંધકાર છવાયેલો હોય છે. સ્થાનિક તંત્ર પાસે એવી માંગણી કરવામાં આવી છે કે જ્યાં બંધ હાલતમાં લાઈટો છે ત્યાં ચાલુ કરવામાં આવે અને જ્યાં આ સુવિધા નથી, આ લાભથી વંચિત રહી ગયા છે ત્યાં લાઈટના નવા પોલ ઊભા કરવાની માંગ કરાઈ રહી છે.
મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવું જરૂરી
ઉકાઈ જળાશયમાં માછલી પકડવાનો વ્યવસાય અહીં ખૂબ મોટા પાયે વિકસિત થયો છે. કેટલાંક ગામમાં મત્સ્યોદ્યોગ મંડળીની રચના કરવામાં આવેલી છે. આ મંડળી થકી ગામના લોકો તેમજ ગામને આ મંડળીનો અનેક લાભ મળે છે. ખેતી, પશુપાલન સાથે સાથે આ વિસ્તારમાં માછલી પકડવાનો વ્યવસાય પણ વિકસિત થયો છે. આ વ્યવસાયને હાલમાં ઋતુ અનુસાર પ્રોત્સાહન મળતો નથી. એ સમયે માછલી પકડવાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો બેકાર રહે છે. આ વ્યવસાયથી લોકોને સારી રોજગારી મળે એ માટે આ જળાશયમાં માછલીના બીજનું ઉછેર કરવામાં આવે તો મત્સ્યોદ્યોગનો વ્યવસાયનો સારી રીતે વિકાસ થાય તેમ છે. હાથનુર ગામના લોકો ખેતી, પશુપાલન સાથે સાથે માછલી પકડવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ ઋતુ અનુસાર માછલી પકડાતી હોય બાકીના સમયે બેકાર રહેવું પડે છે. તંત્ર દ્વારા આ વ્યવસાયને વિકસાવવા માટે માછલીનાં બીજ ઉછેર કરી તેમને જળાશયમાં છોડવામાં આવે, આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફિશિંગ નેટ અને હોડીઓ આપે તથા બીજી અન્ય સુવિધાઓ દ્વારા મત્સ્યોદ્યોગ વ્યવાસય સારી રીતે ફુલેફાલે તેમ છે. મત્સ્ય ખોરાકનો ખૂબ જ મોટો પુરવઠો આ ઉકાઈ જળાશય થકી પૂરો પડી રહે તેમ છે. તેથી ગ્રામજનોએ તંત્ર પાસે મત્સ્યોદ્યોગ વિકસાવવાની માંગ કરી છે.
ઘરની આજુબાજુ વાડ બનાવવાની પ્રથા
સ્થાનિક બોલીમાં એક કહેવત પ્રચલિત છે કે “વાડ બનાવે તે રાડ મીઠે”અર્થાત વાડ બનાવે તો લડાઈ-ઝઘડા મટે, એનો ભાવાર્થ જોઇએ તો વાડ એટલે કેમ્પસ એ પોતાના તાબા હેઠળની જમીન કહેવાય, એ જમીન પર બીજો કોઈ કબજો નહીં જમાવે અથવા પોતાની હદમાં બીજો પ્રવેશ ન કરે. ચોરો કે અન્ય વસ્તુઓથી સુરક્ષા મળે રહે એટલા માટે શહેરોમાં કેમ્પસ-દીવાલ બનાવતા હોય છે. હાથનુર ગામ સહિત આ વિસ્તારનાં દરેક ગામડાંમાં ઘરની આજુબાજુ ઝાડી-ઝાંખર, થોરની વાડ બનાવવાની પ્રથા ખૂબ જ પ્રચલિત છે. આ વાડ બનાવવા પાછળ કેટલીક માન્યતાઓ પણ પ્રચલિત છે, તો કેટલાંક રહસ્ય પણ છુપાયેલાં છે. એવું કહેવાય છે કે, ખરાબ નજર અથવા દુષ્ટ શક્તિઓ પોતાના આંગણામાં આવી ન ચઢે, તેની નજર ન પડે, આવી શક્તિ ધરાવનાર વ્યક્તિની નજર દિવસે કે રાત્રિ સમય દરમિયાન નહીં પડે, એ માટે પણ કેટલાક લોકો ગામડાંમાં ફરતે વાડ બનાવતા હોય છે. આ કારણથી કેટલાક લોકો ઘણેખરે અંશે અંધશ્રદ્વાને પ્રોત્સાહન આપે તેવું લાગે છે. જેના કારણે આડોશ-પાડોશના ઝઘડા પણ થાય છે. ગામમાં રખડતાં ઢોર, પશુઓ ઘરનાં આંગણાં કે ઓટલા પર ન ચઢે, ત્યાં આવી ન જાય એ માટે ઘરની સુરક્ષાને જોતાં આ વાડ બનાવવામાં આવે છે. બીજું કારણ એ પણ છે કે પોતાની હકની જમીન બીજાઓ છીનવી ન લે, ખોટો કબજો જમાવી ન લે એટલા માટે વાડ બનાવવામાં આવે છે.
ઉકાઈ ડુબાણ ગામોને પોતાનો હક ક્યારે મળશે ?
ઉકાઈ ડેમ બન્યો તે પહેલા આ ગામ તાપી નદી કિનારે વસેલું હતું. પરંતુ આ ડેમ બનતાં આ ગામને વિસ્થાપિત કરવાની નોબત આવી. ઇ.સ.૧૯૬૯માં પુનઃ વસવાટ કરવામાં આવ્યું. જમીન ગુમાવતાં તેઓને ખૂબ જ ઓછું વળતર આપીને ચાર-ચાર એકર જમીન પ્રત્યેક ખાતેદાર ખેડૂતોને આપવામાં આવી. જે લોકો જમીનવિહોણા હતા તેઓના ભાગે કશું જ ન આવ્યું. તેવા પરિવારો આજે પણ જમીનવિહોણા ખેતમજૂર તરીકે જીવન જીવે છે. વર્તમાનમાં પરિવારોમાં સંખ્યા વધતાં જમીનના ટૂકડા થઈ જતાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. હાલમાં શિક્ષણ મેળવી જાગૃત થયેલા ગામના લોકોએ ડુબાણમાં ગયેલાં ગામોને આર્થિક ઉત્થાન માટે જે-તે સમયે કરારો કરવામાં આવ્યા હતા. કેટલીક બાબતો અને વસ્તુઓમાં વિસ્થાપિત થયેલાં ગામોને તથા લોકોને લાઈટ બિલ, ઘરવેરા, વિસ્થાપિત અંગેનાં પ્રમાણપત્ર, નોકરી અને રોજગારી માટે વ્યવસ્થાઓ કરવી, વિકાસ માટે અલગથી જોગવાઈઓ કરવી, શિક્ષણ માટે આધુનિક શાળાઓ સહિત છાત્રાલયની વ્યવસ્થા કરવી વગેરે બાબતોની સુવિધા અંગે ઠરાવો કર્યા હતા. પરંતુ આ ઠરાવોમાંથી એકપણ ઠરાવ કે બાબતોનું અમલીકરણ કરાયું નથી.
ગામનું હાટ બજાર
સ્થાનિક ગ્રામીણ સાપ્તાહિક બજાર, જેને લોકબોલીમાં ‘હાટ’ કહેવાય છે. ગ્રામીણ પ્રજા આ હાટ બજારમાં કૃષિ પેદાશો, શાકભાજી તેમજ આનુસંગિક ચીજવસ્તુઓ ઉપરાંત હસ્તકલાની ચીજો વગેરે વસ્તુઓનું વેચાણ કરે છે. જ્યારે જીવનજરૂરી વસ્તુઓ હાટ બજારમાંથી ખરીદી કરે છે. સાપ્તાહિક ભરાતા હાટ બજારમાં લોકો મેળાની જેમ હરવા ફરવાનો લ્હાવો માણતા હોય છે. કેટલાક હાટ બજારોમાં અમુક વસ્તુઓ માટે પ્રખ્યાત હોવાથી તે વસ્તુ ખરીદવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. હાથનુર ગામની બાજુમાં રૂમકીતલાવ અને વેલદા ગામે સાપ્તાહિક હાટ બજાર ભરાતા હોવાથી લોકોને મોટાં શહેરો સુધી લંબાવવું પડતું નથી. અહીં સ્થાનિક કક્ષાએ પેદા થતી કૃષિ પેદાશો, શાકભાજી, મસાલા, ગૌણ જંગલ પેદાશો, જંગલી ફળફળાદિ, મધ, કપડાં, પાલતુ પક્ષીઓ, ઈંડાં, પશુઓ, માછલી વગેરેનું વેચાણ વાજબી ભાવથી થાય છે. આ ભાવ અન્ય બજારોની સરખામણીમાં વ્યાજબી હોય છે.
વર્ષથી અધૂરું આંગણવાડીનું મકાન ક્યારે બનશે ?
ગામના આંગણાને સુશોભિત રાખનાર એટલે આંગણવાડી. સરકાર દ્વારા ગામનાં નાનાં ભૂલકાઓને પ્રિ-શિક્ષણ, આરોગ્ય, પોષણયુક્ત આહાર આપી કુપોષણ, આરોગ્ય અને કેળવણી આપવાના હેતુથી આંગણવાડીની સ્થાપના કરવામાં આવી છે. ગામનાં બે વર્ષથી પાંચ વર્ષનાં બાળકો આંગણવાડીમાં પ્રવેશ કરતા હોય છે. આ ઉપરાંત ગામની કિશોરીઓને આરોગ્ય માટે સારવાર અને સલાહ આપવામાં આવે છે. કુપોષણથી બચાવવા માટે પોષણયુક્ત આહારનાં ફૂડ પોકેટ આપવામાં આવે છે. રસીકરણના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ગામમાં કુલ બે આંગણવાડી આવેલી છે. ગામમાં જર્જરિત મકાનની જગ્યાએ નવું આધુનિક મકાન બનાવવામાં આવતાં ભૂલકાં સહિત ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. પરંતુ મકાનનું કામ અધૂરું છે. જે પૂર્ણ કરવા ગ્રામજનોએ માંગણી કરી છે.
ગામની પ્રાથમિક શાળા
દેશમાં 1થી 14 વર્ષનાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવું કોઈપણ સરકારની ફરજ છે. હાથનુર ગામમાં શિક્ષણ માટે પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં ધોરણ-1થી 5માં બાળકો શિક્ષણ મેળવે છે. ઉપલા ધોરણમાં શિક્ષણ માટે તેઓ બીજા ગામમાં જાય છે. શાળાનાં આંગણામાં બાળકોનાં રમતગમત અને વ્યાયામ માટે સાધનો મૂકવામાં આવ્યાં છે. બાળકોને શાળામાં બપોરનું ભોજન મળી રહે એ માટે મધ્યાહન ભોજનની સુવિધા કરવામાં આવી છે.
આર્થિક વ્યવસ્થા
ગામનું આર્થિક પાસું મજબૂત હોય તો ગામનો વિકાસ થાય. ગામડાનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન છે. એના સિવાય સ્થાનિક ક્ષેત્રે મળતા અન્ય રોજગારીના માધ્યમથી પૈસા કમાવાતા હોય છે. ગામડાંની ખેતીનો જ્યાં સુધી વિકાસ નહીં કરવામાં આવે ત્યાં ગામ કે ખેડૂતોનો વિકાસ થતો નથી. જે ખેડૂતોની ખેતીમાં પિયતની સુવિધા ઊભી થઈ છે તેમની ખેતીની સાથે સાથે ગૌણ વ્યવસાય તરીકે પશુપાલનનો વ્યવસાય પણ વિકસિત થયો છે. જેના લીધે ગામમાં સહકારી દૂધમંડળીની પણ સ્થાપના થઈ છે. ગામમાં જે લોકો જમીન વહોણા છે તેઓ ખેતી ક્ષેત્રે અન્ય મજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સરકારી વિકાસલક્ષી યોજનાનો લાભ મેળવી કેટલાક ખેડૂતો પિયત ખેતી કરતાં ખેતીમાંથી વધુ અનાજ ઉત્પાદન કરતાં ખાવા પૂરતું જ નહીં પરંતુ બજારમાં વેચવામાં માટે પણ અનાજ પકવતા થયા છે.
મનરેગા યોજના આશીર્વાદસમાન
સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે એ માટે સરકારે રોજગાર ગેરંટી એક્ટ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાથી ગામમાં જે વસ્તુની જરૂરિયાત હોય તેની સામૂહિક રીતે કામગીરી કરવામાં આવે છે. આ યોજનાથી ગામડાંના લોકોને સ્થાનિક કક્ષાએ સો દિવસની રોજગારી મળી રહે છે. તેથી આ યોજના લોકો માટે આશીર્વાદસમાન પૂરવાર થઈ છે. સ્થાનિક કક્ષાએ રોજગારી મળતાં સ્થળાંતરનો પ્રશ્ન ઘણાખરા અંશે અટક્યો છે. જેના લીધે ગામના લોકો મોટા ભાગનાં 6થી 14 વર્ષનાં બાળકોને શિક્ષણ અપાવી શક્યાં છે.
પરંપરાગત ધાર્મિક તહેવારો
આદિવાસી પરંપરાગત આસ્થાનું સ્વરૂપ અને ધાર્મિક માળખું પરંપરાગત રીતે વિકસિત થયેલું હોય છે. પોતાની રૂઢિગત જ્ઞાનની પ્રણાલી અને પંચપ્રથા પ્રમાણે સંચાલિત થતું હોય છે. વર્ષ દરમિયાન ઋતુચક્ર પ્રમાણે દેવી-દેવતાઓના ઉત્સવો ઉજવાતા હોય છે. હાથનુર ગામમાં ઉજવાતા મુખ્ય દેવી-દેવતાઓમાં મુખ્યત્વે હિવાર્યો દેવ, વાઘદેવ, ખેતરાડિયો દેવ, માટલિયો દેવ, રાજાવડવો, કાકોહેડો-જીજીહેડો, પાંડર માતા, ગાંવમેડ્યો દેવ, ડુંગરદેવ, જલદેવતી, પાનદેવતી, હિંવદેવતી, ગાંવદેવતી, કણીકંસરી માતા, નંદુરોદેવ, કાલ્યોમેઘ, ગાજોનગોટો-ઠોટીવિજોણ, રાણી કાજોલ, ખોળ કચરાદેવી, રાજ પાંઠા-વિનોદેવ-યાહા મોગી માતા ચૌરી આમાસ વગેરે દેવી-દેવતાઓનાં પરંપરાગત પૂજન અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ધર્મનું પાલન કરનાર લોકોનું જૂથ સૌથી વધારે જોવા મળે છે.
સામૂહિક સહકારની ભાવના
ગામડું એ માનવ સમાજનું નાનકડું એકમ છે. આથી ગામડાંના લોકો એકબીજા સાથે અરસપરસ ભાઈચારા, સામૂહિક ભાવના, સહકારની ભાવના, સુખ-દુ:ખમાં મદદ કરવું વગેરે માનવીય મૂલ્યથી જોડાયેલી છે. ગામમાં કોઈનું ઘર બનાવવું હોય, ખેતીમાં વાવણી, કાપણી કે લણણીનું કામ હોય એકબીજાને સહયોગ કરતા હોય છે. જન્મ, લગ્ન અને મૃત્યુના પ્રસંગે એકબીજાને સહકાર આપી સુખ-દુઃખના પ્રસંગમાં સહભાગી બનતા હોય છે. જ્યારે ગામમાં પરંપરાગત તહેવારોની ઉજવણી કરતા હોય ત્યારે સામૂહિક ભેગા મળી ઉત્સવની ઉજવણી કરે છે. તેથી કોઈ તહેવાર કોઈ ગામમાં વ્યક્તિગત નહીં, પરંતુ આખાનો માનવામાં આવે છે. આ દિવસે ગામમાં ખેતીકામમાંથી અન્ય મજૂરીનાં કામમાંથી મુક્તિ હોય છે. ગામમાં જાહેર રજાઓ પાડવામાં આવે છે.
ગામ ઘરદીઠ શૌચાલયની સુવિધાથી વંચિત
સ્વચ્છતા અભિયાન યોજના દ્વારા ગામડાંમાં ઘરદીઠ શૌચાલય યોજના અમલમાં મૂકવામાં આવી છે. ખુલ્લામાં થતી ગંદકીથી મુક્તિ માટે આ યોજના વરદાનરૂપ સાબિત થઈ છે. આ મુખ્ય આશય સાથે આ યોજના અમલમાં લાવવામાં આવી હતી. પરંતુ હાથનુર ગામમાં દસ ટકા ઘરોમાં જ શૌચાલય બનાવવામાં આવ્યાં છે. મોટા ભાગનાં ઘરો વ્યક્તિગત શૌચાલયથી વંચિત રહી ગયાં છે. આ યોજના જે હેતુથી અમલમાં લાવવામાં આવી હતી. તે હેતુ માર્યો ગયો છે. આ ગામમાં તેનો આશય સાર્થક થતો નથી. શૌચાલયના અભાવે ગામના લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને મહિલાઓને શૌચક્રિયા કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આખા દેશમાં છેડવામાં આવેલી મુહિમની અસર આ ગામમાં સાકાર થતી દેખાતી નથી.
સામૂહિક કોમ્યુનિટી હોલના મકાનની માંગ
ગામમાં કોમ્યુનિટી હોલનું મકાન એ આખા ગામનું નાક કહેવાય. આખા ગામનું વહીવટી ભવન તરીકે પણ ઓળખાવી શકાય છે. ગામના લોકો સુખ-દુઃખના પ્રસંગે ભેગા થતા હોય છે. ગામની સામૂહિક સંપત્તિરૂપે ગણાતાં વાસણો, ટેબલ-ખુરશી, મંડપ, વાસણો, પાથરણાં, દફ્તર સહિત અન્ય વસ્તુઓ પણ ગામના વહીવટી ભવન તરીકે ઓળખાતા મકાનમાં સુરક્ષિત મૂકવામાં આવે છે. ગામમાં જ્યારે પણ તલાટી, ગ્રામસેવક, ટીડીઓ, મામલતદાર સહિત અન્ય સરકારી અધિકારીઓ આવે છે ત્યારે અહીં મીટિંગ યોજતા હોય છે. અગાઉ ગામમાં બનાવેલી ગ્રામ સમાજની વાડીનું મકાન જર્જરિત થતાં તે જીવલેણ સાબિત થાય તેમ છે. ત્યારે આવા સમય ગામમાં સ્થાનિક કક્ષાએ ગામની કેટલીક સામૂહિક મિલકત કે અન્ય વસ્તુ સુરક્ષિત મૂકવા કે ગામમાં સભા ભરવા માટે, ગામના કેટલાંક દફ્તરો, દસ્તાવેજો સાચવવા માટે ગ્રામ પંચાયતનું મકાન હોવું જરૂરી છે. તેથી ગામના લોકોએ સ્થાનિક તંત્ર પાસે નવીનતમ કોમ્યુનિટી હોલની માંગ કરી છે.