Editorial

નેતાઓ અને રાજકારણીઓના તમાશાઓને કારણે નિર્દોષ પ્રજાની હેરાનગતિ

હાલમાં થોડા દિવસ પહેલા દિલ્હી એરપોર્ટ પર એક એવી ઘટના બની જે તે આખો દિવસ દેશભરમાં ચર્ચાનો વિષય રહી, કેટલાકે તે ઘટનામાંથી ઘણી રમૂજ પણ માણી. ૨૩મી ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના એક વરિષ્ઠ તેના પવન ખેડા જ્યારે દિલ્હીથી રાયપુર જવા માટે ઇન્ડિગોની ફ્લાઇટમાં બેઠા અને આ વિમાન ઉડાન ભરે તે પહેલા તેમને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા. કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા માટે રાયપુર જઇ રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની દિલ્હી-રાયપુર ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા ત્યારે અને તે પછી ભારે નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા હતા.

કોંગ્રેસના અન્ય નેતાઓ કે જેઓ પણ રાયપુર અધિવેશનમાં ભાગ લેવા જવા માટે આ વિમાનમાં બેઠા હતા તેઓ આ વિમાનમાંથી ઉતરી ગયા, અન્ય કાર્યકરો પણ આવી પહોંચ્યા અને વિમાનની નજીક જ ધરણા પર બેસી ગયા! વિમાન ઉડાન ભરી શક્યું નહી, દેશના ઘણા લોકોએ આ ઘટનાને રમૂજ સાથે જોઇ હશે પણ એક નાનકડો વર્ગ એવો હતો કે જેને આ ઘટનાના કારણે ઘણું પરેશાન થવું પડ્યુ અને તે વર્ગ હતો આ વિમાનમાં બેસેલા અન્ય સામાન્ય મુસાફરો, જેમને રાજકારણ સાથે કંઇ લેવાદેવા નહીં હતા.

ઘણા મુસાફરો વિમાનમાં બેસી ચુક્યા હતા ત્યારે ફ્લાઇટના સ્ટાફે કહ્યું છે કે તેમને સૂચના મળી છે કે પવન ખેડાને વિમાનમાંથી ઉતારી દેવામાં આવે. કર્મચારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે ખેડાના સામાન અંગે ગુંચવાડો છે, બાદમાં કહ્યું હતું કે પોલીસ આવી રહી છે અને તે ખુલાસો કરશે. પવન ખેડા આગળની બેઠક પર બેઠા હતા અને ત્યાં ઘોંઘાટ શરૂ થઇ ગયો હતો. બાદમાં ખેડાની સાથે જ આ વિમાનમાં બેઠેલા અન્ય કોંગ્રેસી નેતાઓ કે.સી. વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા પણ વિમાનમાંથી ઉતરી ગયા હતા.

ઘણા પત્રકારો અને નેતાઓ, કે જેઓ પણ રાયપુર કોંગ્રેસ પ્લેનરી સેસન માટે જઇ રહ્યા હતા તેમને પણ લાગ્યુ કે કંઇક ગરબડ ચાલી રહી છે અને તેઓ પણ ટર્મેક પર ભેગા થઇ ગયા હતા. ટૂંક સમયમાં દિલ્હી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ખેડાને કહ્યું હતું કે આસામ પોલીસની વિનંતીના આધારે તેઓ તેમને લેવા આવ્યા છે. જો કે કોંગ્રેસના અન્ય નેતાઓએ ધરપકડ વોરન્ટ જેવા દસ્તાવેજો વિના ખેડાને તેમની સાથે નહીં લઇ જવા દેવાય એમ કહ્યું હતું. કોંગ્રેસના નેતાઓ વિમાન નજીક જ ધરણા પર બેસી ગયા હતા અને મોદી જબ ભી ડરતા હૈ, પોલીસ કે પીછે છૂપતા હૈ એવા સૂત્રો પોકારવા લાગ્યા હતા!

બીજી બાજુ વિમાનમાં બેસેલા અન્ય મુસાફરો અકળાવા માંડ્યા હતા અને આવા બનાવોને કારણે સામાન્ય લોકોને પરેશાની ન થવી જોઇએ એમ કહેવા લાગ્યા હતા. છેવટે ઇન્ડિગોના સ્ટાફે આ મુસાફરોને વિમાનમાંથી ઉતરીને એરપોર્ટની બસમાં બેસવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તેમને બીજી ફ્લાઇટમાં મોકલવામાં આવશે. આ મુસાફરોને ટર્મિનલ-૧ પર બસમાં લઇ જવાયા હતા અને ત્યાં નાસ્તો અપાયો હતો અને બીજી ફ્લાઇટમાં રવાના કરાયા હતા. તેઓ ચાર કલાક મોડા રાયપુર પહોંચ્યા હતા.

આ સમગ્ર ધમાલ અને રાજકારણ સાથે આ મુસાફરોને કશું લાગતુ વળગતું ન હતું છતાં તેમણે ઘણુ હેરાન થવું પડ્યું અને તેમના ચાર કલાક નાહકના બગડ્યાં. શું આ આખા ઘટનાક્રમમાં કોંગ્રેસ નેતાઓ વધુ જવાબદારીપૂર્ણ રીતે વર્તી શક્યા ન હોત? તેમણે તે જ સમયે ફ્લાઇટ ઓપરેટરને કહેવું જોઇતું હતું કે અમે તો હાલ રાયપુર જવાના નથી, હવે બાકીના મુસાફરો સાથે વિમાન રવાના કરી દો. પરંતુ સામાન્ય પ્રજાની સ્થિતિનો ગંભીરતાથી વિચાર કરે તો તે આપણા રાજકારણીઓ શાના?
આ ઘટના તો એક ઉદાહરણ છે.

ઘણી વખત રાજકારણીઓ અને નેતાઓ સામાન્ય પ્રજાને બાનમાં લેતા હોય છે, તેમને કારણે જનતાએ હેરાન પરેશાન થવું પડતું હોય છે. ક્યારેક કોઇ સ્થળે કોઇ મોટા નેતા મુલાકાતે પધારવાના હોય ત્યારે સુરક્ષાના નામે રસ્તાઓ અવરોધવામાં આવે છે, કયાંક વળી કોઇ વિપક્ષી રાજકારણીઓ રસ્તા રોકો કે રેલ રોકો આંદોલન કરે છે અને પ્રજાજનો હેરાન પરેશાન થાય છે, ગત ગુરુવારે દિલ્હીમાં થયા તેવા તમાશા થાય ત્યારે પણ નિર્દોષ લોકોએ હેરાન થવાનું આવે છે. રાજકારણીઓ જો સામાન્ય પ્રજાજનોનો વિચાર આવા સમયે કરવાનું નહીં જ શીખવાના હોય તો પ્રજાએ જ હવે તેમની સામે લાલ આંખ કરવી જોઇએ એમ લાગે છે.

Most Popular

To Top