રશિયન સૈનિકોએ (Russian Soldiers) એક દુખદ વીડિયો સંદેશ (Video Message) રાષ્ટ્રપતિ પુતિનને (Putin) મોકલ્યો છે. આ વીડિયોમાં સૈનિકોએ કહ્યું છે કે પુતિને તેમને યુક્રેન યુદ્ધમાં મરવા માટે મોકલ્યા છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પુતિનના ગાંડપણના કારણે 60 ટકા રશિયન સૈનિકો કાં તો માર્યા ગયા છે અથવા તો યુક્રેન યુદ્ધમાં એટલા ખરાબ રીતે ઘાયલ થયા છે કે તેઓ લડવા માટે હવે સમર્થ રહ્યાં નથી. હવે તે ફરી ક્યારેય યુદ્ધમાં લડવાની સ્થિતિમાં નહીં હોય. આ વીડિયો સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે.
ડેઈલી સ્ટાર અને અન્ય ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર પુતિનની નિષ્ફળ સેનાએ યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં 5.5 લાખથી વધુ સૈનિકો ગુમાવ્યા છે. જેનાથી રશિયાને થયેલા નુકસાનનો અંદાજ લગાવી શકાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સેનાના આ સૈનિકો કાં તો યુદ્ધમાં માર્યા ગયા છે અથવા તો એટલા ગંભીર રીતે ઘાયલ થયા છે કે તેઓ ફરી ક્યારેય યુદ્ધના મેદાનમાં પાછા ફરી શકશે નહીં. એટલે કે ઘાયલ સૈનિકો હવે યુદ્ધ લડવા સક્ષમ નથી. રશિયન સૈનિકો રડી રહ્યા છે અને કહી રહ્યાં છે કે તેમને અહીં મારવા માટે મોકલવામાં આવ્યા છે. રશિયન સૈનિકોના એક જૂથે રાષ્ટ્રપતિ પુતિનને આ વીડિયો મોકલી ખુલ્લો પત્ર જાહેર કર્યો છે. પોતાના સાથી મિત્રોને મરતા અને ઘાયલ થતા જોઈને સૈનિકોએ ગુસ્સામાં રાષ્ટ્રપતિ પુતિનને સોશિયલ મીડિયા દ્વારા વીડિયો બનાવીને સંદેશ મોકલ્યો છે.
વીડિયો મેસેજમાં વધુ એક ચોંકાવનારો દાવો રશિયન સૈનિકોએ કર્યો છે. તેમનું કહેવું છે કે ઘણા રશિયન સૈનિકોને તેમના જ દેશના કમાન્ડરો ઠાર કરી રહ્યા છે. સૈનિકોનો દાવો છે કે કમાન્ડરો યુદ્ધમાં લડવાનો ઇનકાર કરનારા સૈનિકોને ગોળી મારી રહ્યા છે. સૈનિકોનું જૂથ રશિયાના ઇર્કુત્સ્ક ક્ષેત્રનું છે પરંતુ હવે યુક્રેનમાં લડી રહ્યું છે. બૈકલ પીપલ્સ ટેલિગ્રામ ચેનલ અનુસાર રશિયન સૈનિકોએ જણાવ્યું હતું કે તેમને ડીપીઆરની 1લી સ્લેવિક બ્રિગેડના નિયંત્રણ હેઠળ ગેરકાયદેસર રીતે સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને એસોલ્ટ યુનિટમાં સંહાર માટે મોકલવામાં આવ્યા હતા.
અન્ય રેજિમેન્ટની બટાલિયને પણ આવો જ વીડિયો બનાવ્યો હતો
વિલાપ કરતા સૈનિકોનો આ વીડિયો માત્ર એક જ નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા બીજી રેજિમેન્ટની બીજી બટાલિયનના 1439 મોબિલાઇઝ્ડ સૈનિકો લગભગ આવો જ વીડિયો મેસેજ રેકોર્ડ કરી ચૂક્યા છે. સૈનિકોના જણાવ્યા અનુસાર તે બટાલિયન હવે વ્યવહારીક રીતે નાશ પામી છે. પ્રાંતના વિવિધ ભાગોના જૂથના નેતાઓ વિડિયોમાં કહે છે કે આર્ટિલરી, સંદેશાવ્યવહાર, સેપર્સ અથવા જાસૂસી વિમાન જેવી કોઈ પણ જાતની સુવિધા વગર તેમને નરસંહાર અને વિનાશ માટે મોકલવામાં આવે છે. આનો સીધો અર્થ એ થાય છે કે અમે બધા ભોગ્ય વસ્તુઓ જેવા છીએ અને અમારા ઘરે પાછા ફરવાની એકમાત્ર શરત ઘાયલ થવાની છે.
યુક્રેનમાં 1.48 લાખથી વધુ રશિયન સૈનિક શહીદ થયા છે
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન યુદ્ધમાં રશિયાએ અત્યાર સુધીમાં 5 લાખ 93 હજાર 520 સૈનિકો ગુમાવ્યા છે જેમાંથી 1 લાખ 48 હજાર 130 યુક્રેનની સામી કાર્યવાહીમાં માર્યા ગયા છે. અન્ય સૈનિકો એટલા ગંભીર રીતે ઘાયલ છે કે તેઓ ક્યારેય યુદ્ધના મેદાનમાં પાછા ફરી શકશે નહીં. સૈનિકોએ કહ્યું છે કે અમે અમારા કમાન્ડરોના નામ અને રેન્ક પણ જાણતા નથી કારણ કે તેઓ અમને જણાવતા નથી. ફક્ત તેમને યુદ્ધમાં મરવા માટે મોકલવામાં આવે છે. ઘરે પાછા ફરવું હવે શક્ય નથી. અહીં બે જ રસ્તા છે. કાં તો યુદ્ધમાં માર્યા જાઓ અથવા ઘાયલ થાઓ. પછી તમે ઘરે પાછા આવી શકો છો.