આ દેશની લોકશાહીની ચિંતા કરવા જેવી નથી. દેશ પોતે જ લોકશાહીના સ્થિતિસ્થાપક તરીકે કામ કરશે. જે પક્ષે કેન્દ્રમાં સત્તા પર રહેવું છે તેણે સર્વવ્યાપકતા સિધ્ધ કરવી જ પડે એમ છે. RSSના વડા વિત્યા લાંબા સમયથી હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના વિભાજક ભેદના દૂર કરનારી વાતો કરે છે. તમે જુઓ ભાજપ પણ હવે આ મુદ્દે તેની આક્રમકતા ઓછી કરી ચૂકયું છે. એક સમયે ખ્રિસ્તીઓ પ્રત્યે સત્તા પક્ષ ઘણો આકરો હતો પણ તેણે ગોવામાં શાસન કરવું હતું તો બદલાયો અને આ 27મીએ જે નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યાં ભાજપે 75 એ ઉમેદવારોને ટિકીટ આપી છે કે ખ્રિસ્તી છે. ભાજપે રાજયની સત્તા ગુમાવવી નથી અને આ રાજયોમાં ખ્રિસ્તી મતદારોનું જ બાહુલ્ય છે તો ત્યાં ખ્રિસ્તી ઉમેદવારો જ પસંદ કરવા પડે.
કોંગ્રેસે હવે ભાજપને વિરોધી ગણાવતો પ્રચાર અપનાવવો પડે છે. તેમણે કહ્યું છે કે છત્તીસગઢમાં તો ભાજપ વડે ચર્ચ પર હુમલા થાય છે એટલે નાગાલેન્ડ-મેઘાલયમાં ખ્રિસ્તી મતદારો તરફી વલણમાં છળ છે. હા, હશે. પણ ભાજપે ખ્રિસ્તીઓના હાથમાં સત્તા આપવી પડે છે. બસ, તે ખ્રિસ્તીઓ ભાજપની ટિકીટ પર ચુંટાયેલા હોવા જોઇએ. ખ્રિસ્તીઓને રીઝવવા ભાજપ શું શું કરે છે તેનું મોટું ઉદાહરણ તો મેઘાલય ભાજપના અધ્યક્ષે સ્વયં કહ્યું કે તેઓ બીફ ખાય છે. હવે તમે જ કહો ભાજપે પોતાના શાષિત રાજયોમાં બીફ પર પ્રતિબંધ મુકયો છે અને અહીં સ્વયં ભાજપ અધ્યક્ષ કહે છે કે હું બીફ ખાઉં છું. તેઓ તેમ કહે છે કારણ કે ખ્રિસ્તીઓ બીફ ખાય છે. ભાજપ જો શાસનમાં આવે તો બીફ પર પ્રતિબંધ મુકશે એવો ખ્રિસ્તીઓનો ડર ભાજપ દૂર કરવા માંગે છે.
હા, આ બધા સત્તાના જ ખેલ છે. ભાજપ અત્યારે મુસ્લિમ ઉમેદવારને ટિકીટ નથી જ આપતી પણ તેનું કારણ વ્યુહાત્મક છે. મુસ્લિમને રીઝવવામાં હિન્દુ મત હમણાં ગુમાવવો નથી પણ સંજોગો બદલાતા બધુ બદલાશે. તેમણે કોંગ્રેસના જ નજમા હેપતુલ્લાને પોતાના પક્ષમાં મોટું સ્થાન આપ્યું જ હતું. શાહનવાઝ હુસેન મુસ્લિમ જ તો છે. 2022માં ઉત્તરપ્રદેશ વિધાનસભામાં 36 મુસ્લિમ ઉમેદવારો ચુંટાયા હતા તો 2017માં પણ 34 મુસ્લિમ વિધાયકો હતા. યુપીમાં 20 ટકા વસ્તી મુસ્લિમની હોય તો મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપવી જ પડે. હા, ભાજપ ટિકીટ નથી આપતું પણ ત્યાં મુસ્લિમ ઉમેદવારોને હરાવવા બાબતે તેઓ મોટા નેતાને મેદાનમાં ઉતારતા નથી. ઓવૈસી સામે પણ બહુ ટકરાતા નથી.
મુદ્દો એજ છે કે દેશમાં શાસન કરવું હોય તો આક્રમક સાંપ્રદાયિકતા બધે ન ચાલી શકે. આ દેશમાં જે અનેક ધર્મના લોકોનું સહઅસ્તિત્વ છે તેને અપનાવવું જ પડે એમ છે. એક સમયે એ વાતનો ભારે ઉહાપોહ હતો કે ચર્ચ વડે ધર્માંતરણ થાય છે. હવે એ મુદ્દો બાજુ પર કરી દેવાયેલો છે. જે મિશનરી સ્કૂલ છે તે ખ્રિસ્તી મિશનરી વડે ચલાવાતી ધાર્મિક સ્કૂલ જ છે પણ તેની સંખ્યા ઘટતી નથી. ભારતમાં ખ્રિસ્તી વસતિ માત્ર 11.54 ટકા છે જયારે દેશી 72 ટકા સ્કૂલ એ સમુદાયની જ છે જયારે મુસ્લિમ સમુદાયની 22.75 સ્કૂલ છે. અંગ્રેજી શિક્ષણના આગ્રહ રાખનારા મિશનરી સ્કૂલ્સમાં જ પોતાના સંતાનોને આજે પણ દાખલ કરે છે. ભાજપની સરકાર આ સ્કૂલો પર ત્રાટકતી નથી. હા, તેઓ એવી ફરજ પાડે છે કે આવી સ્કૂલોમાં પણ સરસ્વતી માતાની તસવીર રાખવી પડશે.
2014માં ભાજપની સત્તા આવી પછી કેન્દ્ર સરકાર બદલાતી ગઇ છે. મોદી-અમિત શાહ ફકત હિન્દુ નેતા રહી ન શકે. સત્તા માટેની સ્ટ્રેટેજીમાં બધું જ માન્ય છે. સત્તા મળવી જોઇએ. ભાજપના વિરોધી પક્ષો બિન સાંપ્રદાયિકતાને આગળ કરી ચૂંટણી જીતવા માંગતા હોય તો એ મુદ્દો પણ ભાજપ છીનવવા માંગે છે પણ જે રાજયમાં જેવી જરૂરિયાત ઉભી થાય તે મુજબ છે. ભાજપ વિપક્ષોને એક થવા દેવા માંગતી નથી. આ વ્યુહ જ તેમને સમાધાનવાદી પણ બનાવે છે. મુસ્લિમો પ્રત્યેની આક્રમકતા અનેક હિન્દુ મતદાતા પણ નથી ઇચ્છતા તો ભાજપ કાંઇ જીદે ન ચડી શકે.
ભાજપે તો શીખ ધર્મીઓ સાથે પણ સમાધાનકારક રહેવું પડે છે. આના વિના ચાલે તેમ જ નથી. હા, કયારે કોમી પ્રશંસા કરવી એ બાબતે તેઓ સભાન હોય છે. ગયા મહિને જ દાઉદી વોહરા સમુદાયના અકાદમીના ઉદ્ઘાટનમાં મોદી આવેલા ત્યારે તેમણે કહેલું કે હું પ્રધાનમંત્રી તરીકે નહીં બલ્કે તમારા કુટુંબના હિસ્સા રૂપે આવ્યો છું. ભારતમાં ઇસ્લામ ધર્મ જુદા જુદા સ્વરૂપે અપનાવનારા સમુદાયો છે. ઇસ્લામ ધર્મી પ્રત્યેની આક્રમકતા બધા માટે નથી હોતી. એક વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાનનું ભારત પ્રત્યેનું વલણ બદલાઇ જાય તો ભાજપનું ભારતીય મુસ્લિમો વિશેનું વલણ પણ બદલાઇ જાય.
એટલે વાત એજ છે કે આ દેશનું જે ધાર્મિક વૈવિધ્ય છે અને વૈવિધ્યશાલીન સમાજ છે એ જ સત્તાકાંક્ષીઓને બંધારણ તરફ લઇ જશે. દરેક પક્ષ સર્વવ્યાપક બનવા માટે અખતરાઓ કરી જોતો હોય છે અને અખતરાને કાયમી વલણ તરીકે ન જોઇ શકો. ભાજપ માત્ર હિન્દુઓના શાષક તરીકે સત્તા પર બેસી જ ન શકે. તેમના જ પક્ષના એક રાજયના અધ્યક્ષે સામે ચાલીને એવું શું કામ કહેવું પડે કે હું બીફ ખાઉં છું? તે કહે તો પણ ભાજપના કોઇ પણ નેતાએ વળતી પ્રતિક્રિયા આપી નથી. સત્તા માટેનું શાણપણ આને કહેવાય. આપણે આ સમજવું પડશે. હા, હિન્દુત્વવાદી વલણનો પ્રભાવ રહેશે જ પણ સરકારી વલણ હંમેશ એ તરફી જ રહેશે નહીં. તેઓ એ વાતનો ઝંડો નહીં ફરકાવે. ભારત દેશનું બંધારણ જ એવું છે જે બધા સમાજ, બધા ધર્મના લોકોનું પરિપોષણ કરે. અંતિમોની રાજકારણ આખરી ન બની શકે.