SURAT

સુરત: કૂતરાંઓના ડરથી બાળકો માટે માતા-પિતાએ લેવો પડ્યો આવો નિર્ણય

સુરત: રખડતાં કૂતરાઓ દ્વારા બાળકો પર કરવામાં આવી રહેલા હુમલા સતત વધી રહ્યાં છે. હજી તો બે દિવસ પહેલાં જ બે વરસની બાળકીએ રખડતાં કૂતરા દ્વારા કરાયેલા હુમલામાં જીવ ગુમાવ્યો અને ગતરોજ વધુ બાળકો પર રખડતાં કૂતરાંઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેના પગલે બાળકોને ફોબિયા થઈ શકે છે. બાળકોને લાઇફ ટાઈમ કૂતરાઓનો ડર સતાવી શકે છે એવું સાઇક્રિયાટ્રીક ડો.કમલેશ દવેએ જણાવ્યું હતું.

શહેરમાં છેલ્લા બે મહિનાથી રખડતાં કૂતરાઓએ આતંક વધી ગયો છે. રોજેરોજ બાળકોને કૂતરાઓ કરડી રહ્યાં છે. અઠવાડિયા પહેલા ખજોદમાં બાળકીને કૂતરાઓએ હુમલો કર્યો તેમાં બાળકીનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર અને શાસકો તંદ્રામાં હોય તેવી સ્થિતિ શહેરમાં છે. બાળકીના મોતના બે જ દિવસમાં બીજા બે બાળકોને કૂતરાઓએ કરડી ખાધા છે. કૂતરાઓ બાળકોને કરડે તો તેમના મન પર શું અસર થઈ શકે છે એ બાબતે નવી સિવિલ હોસ્પિટલના માનસિક રોગવિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.કમલેશ દવેએ જણાવ્યું હતું કે બાળકો માટે કૂતરા કરડવા એ બહુ જ ખરાબ અનુભવ હોઈ શકે છે. તેનાથી બાળકોના માનસમાં એક ભય વિકાસ પામે છે. બાળકો કૂતરાથી હંમેશા ચિંતિત રહી શકે છે. બાળકોને લાઈફ ટાઈમ કૂતરાઓથી ભય લાગી શકે છે. આગળ જતા કદાચ એવું પણ થાય કે માત્ર કૂતરા જ નહીં પરંતુ અન્ય પ્રાણીઓને જોતા પણ તેમનો જીવ ગભરાય.

અમારા વિસ્તારમાં કૂતરાઓનો રાફડો: બાળકોને ઘરની બહાર જવા દેવાતા નથી: ઈબ્રાહિમ શેખ, ભોગ બનનાર બાળકીના પિતા
શનિવારે સાંજે ભેસ્તાનના ઉમીદનગરમાં રહેતા ઇબ્રાહિમ શેખની દિકરી અનીસા( 5 વર્ષ) અને કામરાજ શાની દિકરી સાદીયાબી( 6 વર્ષ) ઘર પાસે રમી રહી હતી. ત્યારે રખડતા કુતરાઓએ તેમના પર હુમલો કર્યો હતો. બંને બાળકીઓને ગાલ તથા હાથ પર કૂતરાઓ કરડી ગયા છે. હુમલાના પગલે બાળકીઓએ બૂમાબૂમ કરી હતી. લોકો ભેગા થતા કૂતરાઓ નાસી ગયા હતા. બંને બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ત્યાં સારવાર આપીને રજા અપાઈ હતી. આ બાબતે ઇબ્રાહિમ શેખે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં કૂતરાઓનો બહુ આતંક છે. અમને તો બાળકોને ઘરની બહાર જવા દેવાનું પણ મન નથી થતું. પરંતુ બાળકો છે તેઓ ઘરની બહાર નીકળવા વિના રહેતા નથી. તેમના પર આપણે સતત નજર પણ રાખી શકતા નથી. આ વિસ્તારમાં ક્યારેય કોઈ પણ કર્મચારી કૂતરા પકડવા આવ્યા નથી. આ ઘટના પછી અહીં વસતા પરિવારોમાં કૂતરાઓનો ડર વધી ગયો છે.

સીડબ્લ્યુસીએ હજી પણ કુંભકર્ણની નિદ્રામાં…
શહેર અને જિલ્લામાં બાળકાની સુરક્ષાની જવાબદારી જેના માથે છે તે સીડબ્લ્યુસીએ બાળકોને કૂતરા કરડવાની ઘટનામાં હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. સીડબ્લ્યુસીના ચેરપરસન નિમિષા પટેલે તો આજ રોજ ફોન પણ બંધ કરી દીધો હતો.

Most Popular

To Top