સુરત: (Surat) સુરત સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસ ગાઝિયાબાદથી દોઢેક મહિના પહેલા વીમાના નામે ઠગતા ચીટર દેવેન્દ્ર ગુપ્તાને ટ્રાન્ઝિટ રિમાન્ડ (Transit Remand) વિના ઉંચકી લાવી હતી. અને 24 કલાકમાં અહીંયા રજૂ નહીં કરતા આરોપીની પત્નીએ ફરિયાદ કરતા ઉત્તરપ્રદેશની કોર્ટે ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. જેને પગલે ઉત્તરપ્રદેશ પોલીસે સુરત સાયબર ક્રાઈમ પોલીસના પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સામે અપહરણની ફરિયાદ દાખલ કરી છે.
- યુપીથી આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ વિના પકડી લાવેલા સુરત સાયબર ક્રાઈમના કર્મીઓ સામે અપહરણની ફરિયાદ
- વીમાના નામે ઠગતા ચીટરને ઉંચકી લાવી 24 કલાકમાં રજુ નહીં કરતા આરોપીની પત્નીએ ફરિયાદ કરી હતી
- યુપીની કોર્ટે ગુનો દાખલ કરવા આદેશ કરતા સુરતના પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ
ચોકની સિલ્ક હાઉસ માર્કેટમાં નોકરી કરતા આધેડને રૂપિયાની જરૂર હોવાથી ઈન્શ્યોરન્સ પોલીસી બંધ કરાવવા ઠગ ટોળકીની વાતમાં આવી 18.17 લાખ રૂપિયા મેળવવાના ચક્કરમાં 6.79 લાખ ગુમાવ્યા હતા. આ ગુનામાં સુરત સાયબર ક્રાઈમ પોલીસના પીએસઆઈ યુ.એમ.મહારાજસિંહ, એએસઆઈ પૃથ્વીરાજ બધેલ, હે.કો. ઇન્દ્રજીતસિંહ અને પો.કો. કૌશિક આરોપી દેવેન્દ્ર મહેશચંદ્ર ગુપ્તા (ઉ.વ.37. રહે, જૂનુ વિજયનગર, ગાજીયાબાદ, યુપી) થી ધરપકડ કરી લાવી હતી.
આરોપીએ અન્ય આરોપીને સીમકાર્ડ પ્રોવાઈડ કર્યા હતા. ગોપીપુરામાં રહેતા 52 વર્ષીય રૂસ્તમઅલી કમરૂલ અંસારીએ 27મી ડિસેમ્બરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. જેના આધારે ફોન પર ઓમપ્રકાશની ઓળખ આપનાર, પ્રિયા મહાજન અને યોગેશ તરીકે ઓળખ આપનારની સામે ઠગાઈ અને આઈટી એક્ટનો ગુનો નોંધ્યો હતો. ગઠીયાએ પોતાની ઓળખ એનપીસીઆઈમાંથી ઓમપ્રકાશ અને પ્રિયા આયકરમાંથી બોલતી હોવાની વાત કરી હતી. આરોપી દેવેન્દ્ર ગુપ્તાને ટ્રાન્ઝિટ રિમાન્ડ વિના ઉંચકી લાવી તથા અહીંયા 24 કલાકમાં કોર્ટમાં રજૂ કર્યો નહોતો. જેના લીધે આરોપીની પત્નીએ ફરિયાદ કરતા ઉત્તરપ્રદેશની કોર્ટે ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. ઉત્તરપ્રદેશની વિજયનગર પોલીસે સુરતના સાયબર ક્રાઇમ પોલીસના 4 જવાનો સામે અપહરણનો ગુનો નોંધ્યો છે.
સાયબર ક્રાઈમ સેલના એસીપી વાય.એ.ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીની વિરુદ્ધ યુપીમાં અન્ય ગુનાઓ પણ રજીસ્ટર થયા છે. આ એફઆઈઆર કોર્ટને ગુમરાહ કરીને કરવામાં આવી છે. સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપીના ધરપકડ થયેલા કાગળો તેમજ જ્યુડિશિયલ કસ્ટડીના પેપરો ત્યાંની કોર્ટમાં મૂકીશું અને એફઆઈઆર રદ કરવા માટેની કાર્યવાહી કરીશું.