પારડી: (Pardi) પારડીના ઉમરસાડી-માછીવાડ કોસ્ટલ હાઇવેના (Coastal Highway) નવા બ્રિજ પાસે બાઇક (Bike) સ્લીપ થતા ચાલક અને અન્યને ગંભીર ઇજા પહોંચી હતી. જે પૈકી અન્ય એક વલસાડના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.
- કોસ્ટલ બ્રિજ પર બાઇક સ્લીપ થતા વલસાડના યુવાનનું મોત
- પારડીના ઉમરસાડી-માછીવાડ કોસ્ટલ હાઇવેના નવા બ્રિજ પાસે બની આ ઘટના
પારડી તાલુકાના ઉમરસાડી-માછીવાડ કોસ્ટેલ હાઈવેના નવા બ્રિજ પરથી વલસાડ જતા રોડ ઉપર શુક્રવારે અબ્દુલરસીદ અબ્દુલહમીદ શેખ અને બનેસંગ માલુભાઈ ટાંક બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક ચાલક બંનેસંગ માલુભાઇ ટાંકે પુરઝડપે હંકારી સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ મારી ગઈ હતી. જેમાં અબ્દુલરસીદ શેખ (રહે.વલસાડ અબ્રામા)ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.
બાઈક ચાલક બંનેસંગ માલુભાઇ ટાંક (રહે.વલસાડ ગંજખાના)ને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી અબ્દુલરસીદ શેખને વધુ સારવાર અર્થે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં શનિવારે સવારે તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત ઘટનાની જાણ મૃતકના ભાઈ અબ્દુલકેસર અબ્દુલહમીદ શેખને થતાં તેણે પારડી પોલીસ મથકે બાઈક ચાલક બનેસંગ ટાંક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
કડોલી-મરોલી રસ્તા પર બાઈક સ્લીપ થતા આધેડનું મોત
નવસારી : કડોલી-મરોલી રસ્તા પર બાઈક સ્લીપ થતા આધેડનું મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના કડોલી ગામે તિરુપતિ સોસાયટીમાં ધર્મેશભાઈ મગનભાઈ પટેલ (ઉ.વ. 45) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત ૧૪મીએ ધર્મેશભાઈ તેમની બાઈક લઈને કામ અર્થે ક્યાંક જઈ રહ્યા હતા. દરમિયાન કડોલી-મરોલી જતા રસ્તા પર ધર્મેશભાઈએ બાઈકના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઇ ગઈ હતી.
જેના પગલે તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ મરોલી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં પણ તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા પરિવારજનોએ સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોક્ટરે ખટોદરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાગળો મરોલી પોલીસ મથકે મોકલતા આગળની તપાસ પી.એસ.આઈ. એમ.પી. સોલંકીએ હાથ ધરી છે.