Madhya Gujarat

આણંદમાં અદ્યતન બસ સ્ટેન્ડ બનશે

આણંદ : આણંદ શહેરમાં 20 વરસ પહેલાં તાત્કાલિક અસરથી પાલિકાએ નવા બસ સ્ટેન્ડ વાળી જગ્યા પર બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું હતું. જોકે, અહીં મહત્તમ બસની અવર જવર હોવા છતાં જમીન માલિકીને લઇ અદ્યતન બિલ્ડીંગનો પ્રોજેક્ટ પાછો ઠેલાતો હતો. જોકે, તેનો નિવેડો આવ્યા બાદ પણ કાર્યવાહી ન થતાં હાલમાં ધારાસભ્યની રજુઆત બાદ કામગીરી આગળ ધપાવવા અગ્રસચીવને જવાબદારી સોંપવામાં આવી છે. આણંદ શહેરના ટીપી 3 ફાયનલ પ્લોટ નં.251ની જમીન જે નગરપાલિકાની માલિકીની છે.

તેને 21મી મે,2021ના રોજ અદ્યતન બસ સ્ટેશન બનાવવા હેતુસર એસટી નિગમને ફાળવવામાં આવી હતી. આ પ્લોટ નં.251 કુલ 12,049 ચોરસ મીટર જમીન પૈકી નગરપાલિકાનું શોપીંગ સેન્ટર આવેલું છે. આથી, બાકી રહેતી 10,773 ચોરસ મીટર જમીન પૈકી આશરે સાત હાજર ચોરસ મીટર જગ્યા એસટી નિગમને રૂ.1ના ટોકને ભાડે 99 વર્ષના ભાડાપટ્ટે ફાળવવામાં આવી છે. આ અંગે આણંદ નગરપાલિકા જનરલ બોર્ડ ઠરાવ નં.118, 21મી મે, 2021થી મંજુર કરવામાં આવ્યો છે. જેથી તેનો પ્રત્યક્ષ કબજો આપેલો છે.

દરમિયાનમાં 2002થી આ જગ્યા પર કામચલાઉ બસ સ્ટેશન હયાત છે. આણંદ શહેરમાં રોજ આસપાસના ગામડાઓથી આવતા પ્રજાજનો તથા ખાસ કરીને આણંદ શહેરમાં ભણવા આવતા યુવા વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહે છે. પ્રજાજનોને સુખાકારી મળે તે હેતુસર આણંદ નગરપાલિકા એ ખૂબ જ કિંમતી જગ્યા ફાળવેલી છે. જેમાં સત્વરે ગુજરાત એસટી નિગમ તરફથી અદ્યતન બસ સ્ટેશન બનાવવામાં આવે તે માટે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે રાજ્ય સરકારમાં માંગણી કરી હતી. આ માંગણી સંદર્ભે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અગ્ર સચિવને આ અંગે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. જેના પગલે આગામી દિવસોમાં આણંદના નવા બસ સ્ટેન્ડની જગ્યા પર અદ્યતન બિલ્ડીંગ બને તે માટે ચક્રોગતિમાન થયાં છે.

Most Popular

To Top