નડિયાદ: આણંદ અમૂલમાં અસામાન્ય દૂધ ભરવાનો મુદ્દો ફરી ચર્ચાના ચગડોળે ચડ્યો છે. દસકા પહેલા કેટલાક વેપારીઓ કાગળ પર તબેલો બતાવી બહારનું દૂધ ભરી દેતાં હતાં. તો કેટલાક ભેળસેળયુક્ત, યુરિયા ખાતર કે કેમિકલયુક્ત દૂધ બારોબાર ડેરીમાં ભરી દેતાં હતાં. જેના કારણે અમુલના દૂધની ગુણવત્તા પર અસર પહોંચી હતી. આથી, જે તે સમયે મોબાઇલ ટેસ્ટીંગ લેબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અસામાન્ય દૂધ ભરવાની બદી દૂર કરવામાં આવી હતી. આમ છતાં ગઠિયાઓએ નવો કિમિયો શોધી કાઢ્યો છે. ગણતરિના પશુ લાવી તેના નામે હજારો લીટર દૂધ ભરી રહ્યાં છે. આવો કિસ્સો મહેમદાવાદના રૂદણ ગામે અમૂલની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મહેમદાવાદ તાલુકામાં આવેલા રૂદણ પાસે અમુલ દ્વારા જાગૃતજનની ફરીયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અંદાજિત 1000 લીટર જેટલા દૂધના ટેન્કરને સીલ કરીને એફ.એસ.એલ.માં તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહીમાં અમુલ દ્વારા ખેડા પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી અમુલમાં આ તબેલાના માલિક દ્વારા એક હજાર લીટર જેટલું દૂધ ભરવામાં આવતું હતું. તેની સામે તબેલા માલિકની પશુઓની સંખ્યા 15 જેટલી જ છે. જેથી આટલુ બધુ દૂધ ક્યાંથી આવે છે ? તેવી શંકા જાગૃત નાગરીકના મનમાં ઉભી થતા તેણે આ અંગે અમૂલમાં ફરીયાદ કરી હતી.
જેથી શુક્રવારના રોજ અમુલ દ્વારા ખેડા પોલીસની મદદ લઈને આ તબેલા ઉપર રેડ કરવામાં આવી હતી. જેમાં એક હજાર લીટર જેટલા દૂધ ભરેલા ટેન્કરને અમૂલ દ્વારા સીલ કરીને એફએસએલ માટે મોકલી આપવામાં આવ્યું છે. અમૂલના અમૂલ ડેરીના કર્મચારી ડો.યોગેશ પટેલે જણાવ્યું હતું કે, અમને અરજી મળતાં આજે અમે તપાસ કરી છે. જોકે કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ મળી નથી. અમને અરજીમાં જાણવા મળ્યું હતું કે, આ જે તબેલાના માલિક છે. તેની પાસે 20 જેટલા પશુઓ છે અને દૂધ વધુ માત્રામાં ટર્નઓવર થાય છે.
જેથી તપાસ હાથ ધરી હતી અને ખરેખર 20 જેટલા જ પશુઓ હતા. જોકે, તબેલાના માલિકે જણાવ્યું કે, આ દૂધ અમે જિલ્લા બહારથી અમારા અન્ય તબેલામાંથી લાવીએ છીએ તેવુ નિવેદન આપ્યું છે. વધુમાં 20 પશુઓનું અંદાજીત 130 લીટરની આસપાસ દૂધ મળે પરંતુ એક હજાર લીટર શક્ય નથી. જોકે, હાલ એક હજાર લીટર જેટલુ દૂધના સેમ્પલો લેવામાં આવ્યા છે અને એ બાદ આમા શુ આવે છે ? પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે. આણંદ સ્થિત અમૂલ ડેરીમાં અસામાન્ય દૂધ ભરવાના મુદ્દાને લઇ ચેરમેને ગુણવત્તા વગરના દૂધ ભરતા શખસો સામે કોઇ પણ સેહશરમ વગર કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
પકડાયેલા શખસ સામે કડક કાર્યવાહી થશે
આણંદ અમુલના નવનિયુક્ત ચેરમેન વિપુલભાઈ પટેલ (ડુમરાલ)એ જણાવ્યું હતું કે, રૂદણ ગામમાં રહેતા રાજુ લાલજી રબારી છેલ્લા કેટલાક સમયથી દરરોજ એક હજાર લીટર દૂધ ભરતો હતો. રાજુ રબારી ઓછી ગુણવત્તા વાળું અને ભેળસેળવાળુ દૂધ ડેરીમાં ભરી રહ્યો હોવાની ફરિયાદ મળી હતી. આથી, વોચ ગોઠવીને ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આથી, તેનું દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું છે.
પશુપાલકોને કોઇ અન્યાય નહીં થાય
આણંદ સ્થિત અમૂલ ડેરીમાં આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 1200 મંડળીમાં સાત લાખ પશુપાલકો દૂધ ભરે છે. અમૂલના દૂધની ગુણવત્તા બાબતે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. ગરીબ અને નાના પશુપાલકો ઘાસચારો લાવીને પોતાની જાત ઘસીને ગુણવત્તાવાળુ દૂધ ડેરીમાં ભરે છે. જેમને અન્યાય નહીં થાય. આથી, ઓછી ગુણવત્તાવાળુ તેમજ ભેળસેળ વાળું દૂધ ભરતા પશુપાલકો કે સભ્યોને બક્ષવામાં નહીં આવે. તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
– વિપુલભાઈ પટેલ, ચેરમેન, અમૂલ, આણંદ.