Gujarat

વિધાનસભામાં રજુ થયેલી બજેટ પોથીની વારલી પેઈન્ટિંગની થીમને ‘ખાટલી ભરત’થી ગૂંથવામાં આવી

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના (Gujarat) સર્વાંગી વિકાસ માટે નાણાકીય વર્ષ 2023-24 માટે ઐતિહાસિક રૂ. 3,01,022 કરોડનું બજેટ (Budget) રજૂ કરાયું છે. વર્ષ 2022માં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી. આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે. ગયા વર્ષે વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત’થી ગૂંથવામાં આવ્યું છે.

બજેટ પોથીમાં હસ્તકલાને સ્થાન આપી ગુજરાતે રાજ્યની સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજૂ કર્યો હતો. બજેટ પોથી પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ, મોઢેરા સુર્યમંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક ખાટલી ભરત વડે ગૂંથવામાં આવ્યા છે. ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.

આ ઉપરાંત, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવિષ્ટ મોઢેરાનું સુર્યમંદિર એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. મોઢેરા ગામ દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાત દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે. જેના સન્માન સ્વરૂપે બજેટ પોથીમાં મોઢેરાના સુર્યમંદિરનો સમાવેશ કરવામાં આવ્યો.

વારલી ચિત્રકળા ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર તેમજ મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ, તલાસરી, મોખડા, જવાહર, વિક્રમગઢ, સુરગાણા વગેરે વિસ્તાર ઉપરાંત દાદરા અને નગરહવેલી વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસીઓ પૈકીની વારલી જાતિ (કુકણા)ના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આ ચિત્રો ગેરુ વડે રંગાયેલ લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરાતા હોય છે. આ અદ્‌ભૂત અને હજારો વર્ષ જૂની એટલે કે પ્રાચીન કાળની ચિત્રકળાને બજેટ પોથીની થીમ રાખવામાં આવી છે.

Most Popular

To Top