Gujarat

લોક હિતકારી અને નવા કરવેરા વિનાનું પ્રજાલક્ષી બજેટ ગણાવતા: મુખ્યમંત્રી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) નાણાં મંત્રી કનુ દેસાઇએ સતત બીજીવાર રજૂ કરેલા વર્ષ 2023-24ના બજેટને મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે કોઇપણ નવા કરવેરા વિનાના પ્રજાલક્ષી બજેટ (Budget) તરીકે આવકારતા કહ્યું કે, ગુજરાતના વર્ષ ર૦ર૩-ર૪ના અંદાજપત્રને દેશના અમૃતકાળમાં ગુજરાતને વિકાસમાં અગ્રેસર રાખનારૂ બજેટ છે. કેપિટલ એક્સપેન્ડીચરની જોગવાઇમાં ગયા વર્ષની તુલનાએ ૯૧ ટકાનો વધારો રાજ્યની વિકાસ યાત્રામાં સિમાચિન્હ રૂપ બનશે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારા આ બજેટને રાજ્યના અત્યાર સુધીના સૌથી મોટા બજેટ તરીકે બિરદાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાત બે દાયકા કરતાં વધુ સમયથી દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસ રોલ મોડેલ બન્યું છે. આ જ અવિરત વિકાસયાત્રાને વધુ વેગવંતી હરણફાળ ભરાવવાના ઉદ્દેશ્યથી આ વર્ષનું બજેટ પાંચ સ્તંભ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રીત કરતું બજેટ છે. આ જે પાંચ સ્તંભોમાં સમાજના ગરીબ જરૂરિયાતમંદ વર્ગોને પાયાની સુવિધા અને સામાજિક સુરક્ષા, સંતુલિત અને સમતોલ વિકાસના લાભ સાથે માનવ સંશાધન વિકાસ, જન સુખાકારી અને આર્થિક સમૃદ્ધિને વધુ સુદ્રઢ બનાવવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું, કૃષિ, ઉદ્યોગ અને સેવા અને ખાસ તો ટુરીઝમ દ્વારા નવી રોજગારીને મહત્વ આપવું, ગ્રીન ગ્રોથ-પર્યાવરણપ્રિય વિકાસ એ પાંચ બાબતોને બજેટમાં આવરી લેવાઇ છે.

કોટવાળિયા, કોલધા અને કાથોડી વગેરે આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના પણ શરૂ કરવામાં આવી છે તેમજ ગરીબ જરૂરતમંદ મધ્યમવર્ગીય પરિવારોને આરોગ્ય સુરક્ષા માટે વડાપ્રધાન જન આરોગ્ય -મા યોજનાના પરિવાર દીઠ વીમા મર્યાદા વાર્ષિક ૧૦ લાખ કરી છે. આરોગ્ય અને સામાજિક સુરક્ષા સાથે શિક્ષણને પણ સર્વગ્રાહી મહત્વ આપીને આ વર્ષે રૂ. ૪૩,૫૬૫ કરોડની જોગવાઇઓ શિક્ષણ માટે કરી છે. અરવલ્લી, મહિસાગર, છોટાઉદેપુર અને ડાંગ જેવા આદિજાતિ વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવાની બજેટ જાહેરાત મુખ્યમંત્રીએ આવકારી હતી.

શહેરી ક્ષેત્રોમાં માળખાકીય સગવડો માટે ૩૭ ટકાનો વધારો કરવા સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને ૨૦૨૪ સુધીમાં લંબાવીને ૮,૦૮૬ કરોડની જોગવાઇ કરી છે. નર્મદા મૈયાના વધારાના જળ કચ્છના છેવાડાના ગામ મોડકુબા સુધી પહોંચતા કર્યા છે. કચ્છના વધુ વિસ્તારોને આ નર્મદા જળ પહોંચાડવા ઉદવહન પાઇપલાઇન માટે ૧૯૭૦ કરોડ ફાળવવામાં આવ્યાં છે. સાથોસાથ આરોગ્ય, શિક્ષણ, આદિજાતિ વિકાસ, કૃષિ અને ગ્રામીણ વિકાસ સાથે-સાથે ઉભરતા ક્ષેત્ર સાયન્સ ટેકનોલોજીને પણ વેગવાન બનાવવા ૨૧૯૩ કરોડનું પ્રાવધાન કર્યું છે જે ગયા વર્ષ કરતાં ૨૨૭ ટકા વધુ છે.

ખેડૂત અને ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા ૨૧૬૦૫ કરોડ રૂપિયા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને ફાળવ્યા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય માટે રૂ. ૨૦૦ કરોડ ફાળવ્યા છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા ઇન્ડેક્ષ્ટ-એ ની સ્થાપના કરવામાં આવશે.

ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે ૮,૨૭૮ કરોડની જોગવાઇ કરી છે. સાથે સાથે ડ્રીપ ઇરિગેશનને પ્રોત્સાહન આપવા ખેડૂતો માટે ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા ૧૫૦૦ કરોડની જોગવાઇ કરી છે તે મુખ્યમંત્રીએ આવકારી હતી.

Most Popular

To Top