SURAT

છે હાથોનો આ તો કેવો જાદુ પાનખરના ફૂલ-પર્ણને બનાવી દે જીવંત ‘આર્ટ’

દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કળા છુપાયેલી હોય છે. જરૂર હોય છે તેને પારખવાની કેટલાક લોકો એકસ્ટ્રા ઓર્ડિનરી હોય છે તેમને ગોડ ગિફ્ટેડ જન્મજાત કળા મળી હોય છે. આવા વિરલ કલાકારો તેમના હાથોના જાદુથી નિર્જીવને પણ જીવંત “આર્ટ” બનાવી દેતા હોય છે. આપણે જેમની અહીં વાત કરવા જઈ રહ્યાા છીએ તે દિનેશભાઈ ડોકટર કોઈ એક કળામાં નહીં પણ ત્રણ-ત્રણ કળામાં પારંગત છે. પાનખરમાં ઝાડ પરથી ખરી પડતા ફૂલો અને પાંદડાઓને પોતાના હાથમાં રહેલી કલાની જાદુગરીથી નેચરલ જ રૂપમાં ડિઝાઇન કરી તેને જીવંત આર્ટ બનાવી દે છે. તેઓ ઝાડ પરથી ખરી પડેલા પાન અને ફુલને કેવી રીતે પક્ષી કે દીવો કે અન્ય કોઈપણ આકારમાં કોઈપણ સાધન કે કલરનો ઉપયોગ કર્યા વગર બનાવી દે છે અને આના માટે તેમને કેવી મહેનત કરવી પડે છે? તે તેમના શબ્દોમાં જાણીએ.

મુંબઈમાં ઇન્દિરા ગાંધીજીનું કાગળ પર ચિત્ર એમ્બોઝ કરતા તેઓ ખુશ થયા હતા
દિનેશભાઈ જણાવે છે કે વર્ષો પહેલાં મુંબઈમાં કોંગ્રેસનું અધિવેશન આયોજિત થયું હતું, જેમાં દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સ્વ. ઈંદિરા ગાંધી હાજર હતા. મેં એમનું કાગળ પર નેલ આર્ટથી ચિત્ર એમ્બોઝ કર્યું હતું. જોકે, એ વખતે મને ઈન્દિરાજી પાસે જવાનો મોકો નહીં મળ્યો હતો. પણ મેં બનાવેલું ચિત્ર સિક્યુરિટીવાળા એ જોતાં મને ઈન્દિરાજી પાસે જવાનો મોકો મળ્યો હતો. ત્યારે ઇન્દિરા ગાંધીએ તે ચિત્ર પર તેમની સિગ્નેચર કરી હતી, જે મેં આજે પણ સાચવીને રાખ્યું છે. રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી રહેલા સ્વ. હિતેન્દ્ર દેસાઇના હાથે મને પેઇન્ટિંગ માટે પ્રાઇસ મળ્યું હતું. મેં ‘ગુજરાતમિત્ર’ની પૂર્તિ માટે ફોટોગ્રાફી કરી છે.

ખરેલા પાંદડાઓને આર્ટિસ્ટિક સેન્સથી નેચરલ ડિઝાઇન આપી જીવંત “આર્ટ” બનાવે છે
મૂળ સુરતી હાલમાં અમેરિકાના ન્યુ જર્સીમાં રહેતા 82 વર્ષીય દિનેશભાઇ ડોઝટરનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે જણાવ્યું હતું કે મને બાળપણથી “આર્ટ” પ્રત્યે લગાવ હતો. મારા ડ્રોઈંગ ટીચર જ્યારે મારા ફાધર પાસે આવતા ત્યારે સાથે ડ્રોઈંગ પેપર લઈ આવતા જે હું લઈ લેતો અને મારી અંદરની પ્રતિભાને ઉજાગર કરી ચિત્ર બનાવતો. મને ધીરે ધીરે સમજાયું કે મને વિવિધ પ્રકારના આર્ટ-વર્કમાં રસ પડે છે. પાંડદામાંથી કોઇ પણ પ્રકારના રંગોનો ઉપયોગ કર્યા વિના વિવિધ આકારના પાંદડાની ગોઠવણી માત્રથી ચિત્ર બનાવવાનું આર્ટ પણ મારા મગજમાં આર્ટ પ્રત્યેના શોખને કારણે જ જાગ્યું. જ્યારે પણ વૉકિંગ કરવા નીકળું કે પછી ગાર્ડનમાં જતો હોઉં ત્યારે પાનખરમાં ઝાડ પરથી ખરી પડેલા પાંદડા અને સાવ પાતળી ડાળખી એકત્રિત કરી તેને 15 દિવસ કે મહિનો મારી ડાયરી કે નોટબુકમાં સુકાવવા મૂકી દઉં છું. પછી કુદરતી રીતે જ અલગ-અલગ કલરના પાંદડાને ને ગ્લુથી ચોંટાડી ઉડતું પક્ષી, દીવો, કમળનું ફૂલ, મોર, બટરફ્લાયની ડિઝાઇનનું આર્ટ તૈયાર કરું છું. સૂકા પાનને જોતાં જ મગજમાં ચિત્ર ઉપસી જાય છે. પાનના કુદરતી રંગથી જ આખુ ચિત્ર ઉપસ્થિત થાય છે. તેમાં આંખ સિવાય કોઇ રંગ કે અન્ય વસ્તુ કલાત્મકતા માટે ઉમેરતા નથી. એક ડિઝાઇન તૈયાર કરવામાં મને 2 થી 3 કલાક લાગે છે. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આ સુકાય ગયેલા પાંદડાઓ માંથી શું બની શકે મોર, દીવો કે ચકલી કે બીજું કાંઈ. 100થી 150 પાંદડા એકત્રિત કરી તેને ડાયરીમાં સુકાવા મૂકી દઉં અને પછી હું આર્ટિસ્ટિક સેન્સ વાપરી એને લોકોની આંખોને આકર્ષિત કરે તેવું આર્ટ કરી પાંદડા અને ફૂલોને જીવંત બનાવી દઉં છે. મેં કરેણ, જીનિયસ, ચંપા, બારમાસી, ગુલાબ અને મોગરાના ફૂલ સુકવી નેચરલ રૂપમાં ડિઝાઇન કરી છે. હું નેલ આર્ટ પણ કરું છું. જીનીયસના ફૂલ અલગ અલગ કલરમાં મળે છે. જેનો ઉપયોગ કરી મોર બનાવંુ છુ઼.

1968ની રેલની ફોટોગ્રાફી કરી હતી
દિનેશભાઇ ડોક્ટરે જણાવ્યું કે મને ફોટોગ્રાફીનો પણ શોખ છે. 1968માં સુરતમાં રેલ આવી હતી ત્યારે હું અને મારા અંગત મિત્ર ભરતભાઇ ચોકમાં પ્રેસ પાસે ફસાયા હતા. ત્યારે મારી પાસે કેમેરો હતો એટલે મેં પાણીની ફોટોગ્રાફી કરી હતી. મારા ફાધરને હું ફોટોગ્રાફી કરું તે પસંદ નહીં હતું. તેંમના કહેવા પર મેં બેંકમાં જોબ શરૂ કરી હતી. પણ એક મેરેજનું ફોટોગ્રાફી આલ્બમ તૈયાર કરવાના મને 2500 રૂપિયા મળ્યા હતા જે બેંકના પગાર કરતા વધારે હતા. પછી તો 1970મા બેંકની જોબ છોડી દીધી હતી.

Most Popular

To Top