નવી દિલ્હી : ગૌતમ અદાણીની (Gautam Adani) કંપનીના શેરો લગાતાર તુટી રહ્યા છે. શેર માર્કેટમાં (Share Market) પણ તેમના શેર સારો દેખાવ કરવામાં અસમર્થ રહ્યા છે પાછલા એક વર્ષ દરમ્યાન તેઓએ સર્વાધિક મૂડીઓ ગુમાવવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. એવામાં ગુરુવારે અદાણી ગ્રુપ ઓફ કંપનીના ત્રણ શેરોમાં ગત 24 જાન્યુઆરી બાદ માર્કેટમાં સતત ડાઉન જવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ શેરોમાં અદાણી ટોટલ ગેસ,અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSC) ઉપર આ શેરો ઉપર સર્વાધિક ખરાબ પ્રદર્શન કરવાની મોહર લાગી જવા પામી છે.
ગ્રુપનું માર્કેટ કેપ અડધાથી વધુ ઘટ્યું છે
સૌથી પહેલા વાત કરીએ અદાણી સ્ટોક્સમાં ઘટાડાના કારણની તો આપને જણાવી દઈએ કે 24 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપને લઈને 88 પ્રશ્નો ઉઠાવતો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેમાં ગ્રૂપ પર દેવાથી લઈને સ્ટોકમાં હેરાફેરી સુધીના અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. નાથન એન્ડરસનની આગેવાની હેઠળની આ કંપનીનો રિપોર્ટ જાહેર થતાં જ રોકાણકારોએ અદાણી ગ્રૂપમાંથી બહાર નીકળવાનું શરૂ કર્યું અને આ પ્રક્રિયા અત્યાર સુધી ચાલુ છે.
શેરોમાં આવેલા જોરદાર ઘટાડાને કારણે ગ્રૂપ માર્કેટ કેપમાં એક મહિનામાં અડધાથી વધુનો ઘટાડો થયો છે. અદાણીના શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 24 જાન્યુઆરી, 2023ના રોજ લગભગ રૂ. 19.20 લાખ કરોડ હતું જે 22 ફેબ્રુઆરી, 2023ના રોજ ઘટીને રૂ. 7.58 લાખ કરોડ થયું છે. . એટલે કે તેમાં 11.62 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
BSE પર ત્રણ શેરોનું સૌથી ખરાબ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ, જોકે ગૌતમ અદાણીની તમામ કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ જૂથના ત્રણ શેરોએ આ સમયગાળા દરમિયાન ઘટાડાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ કારણે, તેઓ BSE પર સૌથી ખરાબ પ્રદર્શન કરનારા શેરોની યાદીમાં ટોપ-3 પર મૂકવામાં આવ્યા છે. આવો જાણીએ કે 24 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ ત્રણેય શેરો કેવું રહ્યું છે.જેમાં અદાણી ટોટલ ગેસ,અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થયો છે.
ત્રણેય શેરોના નબળા દેખાવ
અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 24 જાન્યુઆરી, 2023 ના રોજ રૂ. 3,885.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, 22 ફેબ્રુઆરી, બુધવારના રોજ, શેર રૂ. 834.95 પર તૂટી ગયો હતો.આ શેર 5%ના ઘટાડા સાથે રૂ. 791.35 પર બંધ થયો છે. અદાણી ગ્રૂપના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા શેરોની યાદીમાં અદાણી ગ્રીન એનર્જીનો સ્ટોક આગળ આવે છે. 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિપોર્ટના પ્રકાશન પહેલા આ સ્ટોક માર્કેટમાં રૂ. 1,913.55 પર હતો.આ શેર 5%ના ઘટાડા સાથે 512.10 પર બંધ થયો છે.ત્રીજો શેર અદાણી ટ્રાન્સમિશનનો હતો ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ આ શેર પણ નીચલી સર્કિટમાં ધકેલાઈ ગયો છે. તે 5% ઘટીને રૂ. 749.75 પર બંધ થયો.