સુરત: સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં વિચિત્ર કેસ નોંધાયો છે. બટાટા મામલે બે વેપારીઓ વચ્ચે થયેલી માથાકૂટમાં પુણા પોલીસ સ્ટેશનમાં 420ની કલમ હેઠળ છેતરપિંડીની ફરિયાદ થઈ છે.
- સુરતની ન્યુ સરદાર માર્કેટના બટેટાના વેપારી સાથે છેતરપિંડી
- મહેસાણાના વેપારીએ 1.52 કરોડના બટેટા ખરીદયા બાદ પેમેન્ટ આપ્યું નહીં
- સુરતના વેપારીને ફોન પર ધમકીઓ આપી, પુણા પોલીસે તપાસ હાથ ધરી
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મૂળ મહેસાણાના ઊંઝાના વતની અને સુરતમાં ડીંડોલી ખાતે ડ્રીમ વિલા બંગલોઝમાં રહેતા 58 વર્ષીય વેપારી વિક્રમ હરગોવિંદદાસ પટેલ પરમેશ્વર ટ્રેડિંગ કંપની નામે ન્યુ સરદાર શાક માર્કેટમાં બટેટાનો હોલસેલનો વેપાર કરે છે. વિક્રમ પટેલે ટીસી ટ્રેડર્સના પ્રોપરાઈટર સંજય રામા પટેલ, બાલાજી ટ્રેડિંગના પ્રોપરાઈટર બદનસિંહ પાલ , સંધ્યા ટ્રેડર્સના પ્રોપરાઈટર આતિફ શેખ, અમીત ટ્રેડર્સના પ્રોપરાઈટર અમીતભાઈ તથા ક્રીષ્ણા ટ્રેડિંગના પ્રોપરાઈટર વ્રજેશ પાલ વિરુદ્ધ ફરિયાદ આપી છે.
વિક્રમ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે સંજય પટેલને પાંચ વર્ષથી ઓળખે છે. સંજય પટેલ અગાઉ મહેસાણાથી બટેટા વિક્રમ પટેલને મોકલતા હતા. થોડા સમય બાદ માલ મોકલવાનું બંધ કર્યું હતું અને લગભગ એકાદ વર્ષ પહેલાં બટેટાના ભાવ પૂછવાના બહાને ફોન કરતા હતા. બંને પક્ષે ધંધાકીય ચર્ચા થતી હતી. દરમિયાન સંજય પટેલે એક દિવસ ફોન પર કહ્યું હતું કે, હું હોલસેલમાં બટેટાનો વેપાર કરું છું. મારી પાસે ઘણી સારી પાર્ટીઓ છે, જે તમને રેગ્યુલર માર્કેટના ધારાધોરણ મુજબ 7 દિવસમાં પેમેન્ટ કરી આપશે અને નફો પણ કરાવશે. આવી લલચામણી ઓફર આપતા વિક્રમભાઈએ સંજય પટેલની કેટીસી ટ્રેડર્સ સાથે વેપાર શરૂ કર્યું હતું.
તબક્કાવાર વિક્રમભાઈ પાસેથી સંજય તથા તેની પાર્ટીઓ દ્વારા 1 કરોડ 52 લાખ 1 હજાર 861 રૂપિયાના બટેટા ખરીદયા હતા. તે પૈકી 70 લાખ 35 હજાર 351નું પેમેન્ટ આપ્યું હતું. 81 લાખ 66 હજાર 510નું પેમેન્ટ બાકી રાખ્યું હતું. તેની ઉઘરાણી કરતા સંજય પટેલ તથા તેના સાગરીતોએ ઉડાઉ જવાબ આપ્યા હતા અને બાદમાં ધમકી આપી ઉઠમણું કરી નાસી ગયા હતા. છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા વિક્રમ પટેલે પુણા પોલીસ મથકમાં સંજય પટેલ તથા તેના સાગરિતો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.