સુરત: સુરત શહેરમાં આજે મંગળવારે વહેલી સવારે લૂંટની સનસનીખેજ ઘટના બની છે. અડાજણના પ્રાઈમ આર્કેડ નજીક આવેલા એક બંગલામાં ઘૂસી જઈને પાંચ જેટલાં લૂંટારાઓએ રૂપિયા 7 લાખની લૂંટ ચલાવી છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ખુલ્લેઆમ લૂંટની ઘટના બનતા પોલીસ અને રાજકારણીઓ દોડતા થઈ ગયા છે. સદ્દનસીબે વૃદ્ધ NRI દંપતી સહીસલામત હોય પોલીસે હાશકારો અનુભવ્યો છે.
આ કેસની મળતી વિગત અનુસાર અડાજણના પ્રાઈમ આર્કેડ સામે રણછોડ નગર સોસાયટી આવેલી છે. અહીં ભાજપના વયોવૃદ્ધ સિનીયર કાર્યકર્તા નીતાબેન પટેલ પોતાના પ્રોફેસર પતિ શિવરામભાઈ સાથે રહે છે. દંપતી ઘરમાં એકલું જ રહે છે. આજે સવારે 6.45 કલાકે ઘરનો દરવાજો ઉઘાડીને હોલમાં શિવરામભાઈ છાપું વાંચી રહ્યાં હતાં અને પત્ની નીતાબેન રૂમમાં સૂતા હતા, ત્યારે 4 જેટલા બુકાનીધારી લૂંટારાઓ ઘરના મુખ્ય દરવાજાથી જ અંદર પ્રવેશ્યા હતા અને શિવરામભાઈને ચપ્પુની અણીએ બંધક બનાવી લીધા હતા. નીતાબેનને અંદરના રૂમમાં બાંધી દઈ સાત લાખની લૂંટ કરી નાસી છૂટ્યા હતા.
ભાજપના વરિષ્ઠ કાર્યકરોને લુટારુંઓએ શિકાર બનાવવાની ઘટનાને પગલે ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત ભાજપના કાર્યકરો પણ દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસને અહીંથી CCTV પણ મળી આવ્યા હતા જેમાં બે બાઈક ઉપર પાંચ લૂંટારા ભાગતા હોવાનું દેખાઇ આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, લૂંટારુ ટોળકી ઘરમાંથી રૂપિયા સાત લાખ રોકડાની લૂંટ કરી નાસી ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
જિમમાં કસરત કરતા યુવકને લૂંટની ગંધ આવતા ફોન કર્યો
સવારે શિવરામભાઈ ઘરની બહારથી પેપર લઈ અંદર ગયા ત્યારે દરવાજો ખુલ્લો મુક્યો હતો. ખુલ્લા દરવાજામાંથી લૂંટારા અંદર ઘૂસ્યા હતા. વૃદ્ધ દંપતીને ચપ્પુની અણીએ બંધક બનાવી 7 લાખના રોકડ અને દાગીના લૂંટી ગયા છે. પાડોશમાં જિમમાં કસરત કરતા યુવકને ઘટનાની ગંધ આવતા તેને ભાજપના વોર્ડ પ્રમુખ જીતેશ મહેતાને જાણ કરી હતી. જીતેશ મહેતાએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ બાદ ધારાસભ્ય પૂર્ણેશ મોદીને જાણ કરી હતી. તાત્કાલિક પોલીસ અને પૂર્ણેશ મોદી ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે તમામ ચેકપોસ્ટ પર નાકાબંધ કરી તપાસ શરૂ કરી દીધી હતી.
લૂંટારા નાસી છૂટ્યા બાદ બંધાયેલી હાલતમાં વૃદ્ધ ઘરની બહાર આવતા લોકોને ખબર પડી
નીતાબેન પટેલની જેમ તેમના પતિ શિવરામભાઈ પણ ભાજપના જૂના કાર્યકર છે. લૂંટારાઓ લૂંટ કરીને ભાગ્યા ત્યાર બાદ શિવરામભાઈ બંધાયેલી હાલતમાં કૂદતા કૂદતા ઘરની બહાર આવ્યા હતા. લોકોની તેમની પર નજર પડતા લોકો તેમની મદદે દોડ્યા હતા. બીજી તરફ 5 લૂંટારા બે બાઈક પર બેસી ભાગી છૂટ્યા હતા. શિવરામભાઈ જૂન મહિનામાં અમેરિકા જવાના હતા. કોઈ જાણભેદુએ રેકી કરી લૂંટ ચલાવી હોવાનું પોલીસનું અનુમાન છે.
લૂંટારા હિન્દીમાં વાતો કરતા હતા: નીતાબેન
પીડિત નીતાબેને કહ્યું કે, પતિ શિવરામનો અવાજ સાંભળી હું રૂમની બહાર આવતી હતી ત્યારે મને પણ બેડ પર બેસાડી બંધક બનાવી દીધી હતી. લૂંટારાઓ હિન્દીમાં વાત કરતા હતા. તેઓ પાસે મોટા મોટા ચપ્પુ હતા. ઘરમાં કબાટ તોડી નાંખ્યા. બેગો ફેંદી હતી. કશું નહીં મળતા મને પૂછ્યું કે રૂપિયા ક્યાં છે? સોનું ક્યાં છે? મેં કહ્યું કશું નથી તો મને ગંદી ગાળ દીધી. ત્યાર બાદ પાછળના કબાટમાંથી રૂપિયા લઈ તેઓ ભાગી ગયા હતા. જતા જતાં કહ્યું કે કોઈને કશું કહ્યું તો ચપ્પુ મારી દઈશ.