ભરૂચ (Bharuch) નગરના પૂર્વ ભાગમાં ૫૬ કિ.મી. દૂર અને ઔદ્યોગિક નગરી અંકલેશ્વરથી ૪૫ કિલોમીટરના અંતરે આવેલું નેત્રંગ તાલુકાનું મૌઝા ગામ (Village) ૧૦૦ આદિવાસીની વસતી ધરાવે છે. અહીંના લોકો ખેતી (Farming), પશુપાલન અને નોકરી કરી આર્થિક જીવન વ્યતીત કરી રહ્યા છે. મૌઝા ગામના રહેવાસી હાલમાં IAS તરીકે સિલેક્ટ થતાં ભવિષ્યમાં ગુજરાતના કોઈક જિલ્લામાં કલેક્ટર પદે નિયુક્ત થયા છે. જેથી આદિવાસી વિસ્તારના પુષ્પગુચ્છમાં વધુ ઉમેરો થયો છે. ભૂતકાળમાં સરકારના આદિજાતિ વિકાસના ચેરમેન સહિત ઉચ્ચ હોદ્દા પર રહેનારાઓએ મૌઝા પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરી શિક્ષણ મેળવ્યું હતું. મૌઝામાં આવેલા ચિત્રાડુંગરના જંગલ વિસ્તારમાં ભૂતકાળમાં વાઘ (Tiger) રહેતા હતા. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે મૌઝાના કર્મનિષ્ઠ લોકો વિઝનરી પ્લાનિંગ કરીને બેઠા છે.
મૌઝા નામ કઈ રીતે પડ્યું?
મૌઝા ગામનું નામ કેમ પડ્યું? એની લોકવાયકા પ્રમાણે સાતપુડાના જંગલ વિસ્તારમાં આ જગ્યાએ સૌથી વધુ મહુડાઓનાં ઝાડ સહિત સાગ અને અન્ય ઝાડોનું ગાઢ જંગલ હતું. ધીમે ધીમે માનવ રહેણાક વિસ્તાર બનતાં અપભ્રંશ થતાં ગામનું નામ “મૌઝા” પડી ગયું. મૌઝાનું ઉમાડાબરા ફળિયા માટે લોકવાયકા છે કે ઉમાડાબરા ફળિયામાંથી પસાર થતી ટોકરી નદીમાં ઉમરાનું ઝાડ એક ઊંડી ગોળાકાર કુંડી ડાભરૂ હોવાથી ‘ઉમાડાબરા’ નામ પડ્યું.
સાતપુડાના ગાઢ જંગલમાં ચિત્રાડુંગરમાં ભૂતકાળમાં વાઘોની વસતી ખૂબ મોટી હતી. આજે પણ ચિત્રાડુંગરમાં પડેલા બખોલમાં શિકાર કરેલાં પ્રાણીઓનાં અસ્થિઓ મૌજૂદ છે. રાજપીપળા રજવાડા વખતે વાડી તાલુકાના કવચીયા દુમાલા ગામ સુધી રાજા અને રાણીઓ ડુંગરની તળેટીમાં માચડો બાંધી શિકાર કરવા માટે આવતાં હતાં.
મૌઝા ગ્રામ પંચાયતની સ્થાપના વર્ષ-૧૯૬૩માં થઈ હતી
મૌઝા ગામે શરૂઆતના તબક્કે માંડ ૧૫થી ૨૦ કુટુંબ કબીલાઓ સાથે ઘર બાંધીને ખેતીવાડીના વ્યવસાયે સ્થાયી થયા હતા. ભલે આજે લોકશાહીમાં નેત્રંગ તાલુકો હોય, પણ રજવાડા વખતે વાડી તાલુકાનું સ્થળ હોવાથી સમયાંતરે શૈક્ષણિક જાગૃતતા આવતાં વધુ કુટુંબો વસવાટ કરતા થયા. જેને લઈ આજે મૌઝા ગામમાં ઉમાડાબરા, હાથકુંડી, પુંજપુંજીયા, જૂની જામુની, નવી જામુની ફળિયામાં આદિવાસી સમાજની ૬૫૭૦ની વસતી છે. મૌઝા ગ્રામ પંચાયતની સ્થાપના વર્ષ-૧૯૬૩માં થઇ હતી. સ્થાપનાથી હમણા સુધીમાં ૧૧ સરપંચે જવાબદારી નિભાવી છે. ગ્રામ પંચાયતમાં વિધવા સહાય, રાશનકાર્ડ, વૃદ્ધ પેન્શન, પી.એમ. કિશાન સહાય સહિત વર્ષે દિવસે અંદાજે ૫૦ લાખની અલગ અલગ ગ્રાન્ટોમાંથી વિકાસનાં કામો થઇ રહ્યાં છે.
- મૌઝા ગ્રામ પંચાયતની રૂપરેખા
- -કુલ વસતી-૬૫૭૦
- -પુરુષ-૩૩૪૫
- -સ્ત્રી-૩૨૨૫
- -કુલ ઘર-૨૧૨૧
- -સાક્ષરતા-૬૬.૩૮ ટકા
- -પુરુષ-૭૩.૩૫ ટકા
- -સ્ત્રી-૫૯.૧૫ ટકા
- -વિધવા સહાયના લાભાર્થી-૨૬૮
- -વસાવા, ચૌધરી, કોટવાળીયા જ્ઞાતિના લોકોનો વધુ વસવાટ
- મૌઝા ગ્રામ પંચાયતની ટીમ
- સરપંચ-ચંદુભાઈ રતિલાલ ચૌધરી
- ડેપ્યુટી સરપંચ-લીલાબેન કરમસિંગભાઈ વસાવા
- સભ્ય-રક્ષાબેન રાકેશભાઈ વસાવા
- સભ્ય-રીનાબેન સંદીપભાઈ વસાવા
- સભ્ય-અમરસિંગભાઈ દેવજીભાઈ વસાવા
- સભ્ય-જયવંતાબેન સુનીલભાઈ વસાવા
- સભ્ય-અજીતભાઈ ફૂલસિંગભાઈ વસાવા
- સભ્ય-જયંતીભાઈ લવઘણભાઈ વસાવા
- સભ્ય-ગીતાબેન સહદેવભાઈ વસાવા
- સભ્ય-કપીલાબેન મુકેશભાઈ ચૌધરી
- સભ્ય-શૈલેષભાઈ ઉબડાભાઈ ચૌધરી
- સભ્ય-આનંદીબેન યોગેશભાઈ વસાવા
- સભ્ય-કેસુરભાઈ સુમનભાઈ ચૌધરી
- તલાટી કમ મંત્રી-વિપુલકુમાર સુરેશભાઈ ચૌધરી
- તલાટી કમ મંત્રી-આશાબેન સતીષભાઈ ચૌધરી
ધર્મસ્થાનો
-ચિત્રાડુંગર
-અંબા માતાજી મંદિર
-હનુમાન દાદા મંદિર
-શિવ મંદિર
-ભાથીજી મંદિર
-સત કેવલ મંદિર
-દેવળ
ગામમાં સરકારી સુવિધાઓ
-આંગણવાડી-(કુલ-૧૨)-(કુલ બાળકો-૫૮૨)
-પ્રાથમિક શાળા-(કુલ-૬)-(કુલ વિદ્યાર્થી-૭૮૬)
-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-(૧)-(કુલ વિદ્યાર્થી-૨૭૨)
-આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (સબ સેન્ટર)
મૌઝા ગામની ભૌગોલિક સ્થિતિ
ગામનું કુલ ક્ષેત્રફળ-૨૪૨૫ હેક્ટર
જંગલ હેઠળ વિસ્તાર-૧૩૨૦ હેક્ટર
બિનખેતી વિસ્તાર-૧૦૪ હેક્ટર
ગોચર જમીન-૧૧૯ હેક્ટર
ચોખ્ખું વાવેતર-૮૮૦ હેક્ટર
ચોખ્ખી સિંચાઈ-૨૮૦ હેક્ટર
è -ગામમાં પશુધન-
કુલ પશુઓ-૨૧૫૯
ગાય-૧૭૯૩
ભેંસ-૨૨૬
ગામમાં ઊભાં થતાં વિકાસનાં કામો
-સીસી રોડ, બ્લોક પેવર રોડ, ટાંકી, સબમર્શિબલ પંપ સહિત વિકાસનાં કામો
ચંદુભાઈ ચૌધરીએ સરપંચ બન્યા બાદ વિકાસની નેમ લીધી
મૌઝા ગામના ૪૬ વર્ષીય સરપંચ ચંદુભાઈ રતિલાલ ચૌધરી પહેલી વખત ચુંટાતાં તા.૨૧ જાન્યુઆરી-૨૦૨૨ના રોજ ચાર્જ લીધો હતો. મૂળ ચંદુભાઈ ખેતી અને પશુપાલનના વ્યવસાયી. પરંતુ ગામમાં વિકાસ કરવાની જરૂર લાગતાં લગભગ ૧૦ વર્ષથી જાહેર જીવનમાં ઊતર્યા છે.
ચંદુભાઈ સરપંચ પદે આવ્યાના એકાદ વર્ષમાં જ કામગીરી જોવા મળી હતી. ગામમાં વિધવા પેન્શનનાં ફોર્મ ભરવાથી લઈ કોરોનાકાળમાં કિટનું વિતરણ કરી માનવતાની ઉત્તમ કામગીરીનો તેમણે દાખલો બેસાડ્યો હતો. સરપંચ ચંદુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, મારા ગામમાં તમામ સવલત મળે એવા અમારા પ્રયાસ રહેશે. ખાસ કરીને ગામડામાં સ્વાસ્થ્ય અને રોજગારી મળે એ માટે કામગીરી ચાલુ રહેશે.
પીંગુટ ડેમની સિંચાઈ યોજના થકી ગામમાં સમૃદ્ધિ આવી
મૌઝા ગામની સમૃદ્ધિ માટે ૩૩ વર્ષ પહેલા પીંગુટ સિંચાઈ યોજના ટોકરી નદી પર નિર્માણ કરાઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરીએ તેમના કાર્યકાળમાં સહઅભ્યાસી અને મૌઝા ગામના વતની પ્રોફેસર દૂપસિંગ વસાવાને મળવા બોલાવ્યા ત્યારે ચર્ચા થઈ હતી. એ વેળા જ પીંગુટ ડેમનો પાયો નાંખી આખા વિસ્તારના સિંચાઈથી સુખાકારી કરવા નક્કી કરાયું હતું. મૌઝાથી ત્રણ કિ.મી. દૂર પીંગુટ ગામે ડેમ બનાવવાનું કામ શરૂ થતાં લગભગ ૧૯૯૩માં સિંચાઈ માટે કેનાલો શરૂ થઇ ગઈ. જેને લઈને મૌઝા સહિત કામલિયા, ગુંદિયા અને ચીખલી ગામમાં સિંચાઈ સુવિધા પૂરું પાડે છે. જે માટે ધી પીંગુટ ડાબા કાંઠા ઉપરથી પાણીની વહેંચણી અંગેની સહકારી મંડળી ૧૯૯૩થી કાર્યરત છે. આ સહકારી મંડળીના ચેરમેન પ્રો.દીપસિંગ વસાવા કહે છે કે, આ મંડળીના સિંચાઈ આધારિત ચાર ગામોના ૩૩૦ જેટલા સભાસદ છે, જેમાં તમામ સભાસદોના પિયાવાની ૧૦૦ ટકા એડ્વાન્સ રિકવરી આવે છે. વાર્ષિક શેરડીમાં એકર દીઠ રૂ.૪૫૦ તેમજ અન્ય ધાન્ય પાકો માટે એકર દીઠ રૂ.૩૦૦ રકમ હોય છે. ખાસ કરીને ઉનાળામાં ૫થી ૬ વાર સિંચાઈના પાણી આપવામાં આવે છે. એ સમયે પાણીની જરૂરિયાત હોય છે. આ ડેમને લઈને મૌઝા ગામ ખેતી ક્ષેત્રે સધ્ધર થયું છે. ખાસ કરીને આ મંડળીને લઈને સરકારને ૫૦ ટકા અને અમારી મંડળીને ૫૦ ટકા રકમ મળે છે.
ધી પીંગુટ ડાબા કાંઠા ઉપરથી પાણીની વહેંચણી અંગે સહકારી મંડળીના હોદ્દેદારો
-પ્રમુખ-દીપસીંગ છગનભાઈ વસાવા
-સભ્ય-રૂપજીભાઈ કેલિયાભાઈ વસાવા
-સભ્ય-ચંદુભાઈ છેદડભાઈ વસાવા
-સભ્ય-નવાભાઇ દામજીભાઈ વસાવા
-સભ્ય-શનિયાભાઈ એચ. ચૌધરી
-સભ્ય-પ્રભાવતીબેન ખાલપાભાઇ વસાવા
સિંચાઈના પાણી માટે રીટાયર્ડ પ્રોફેસર દીપસિંગ વસાવાનો અમૂલ્ય ફાળો
મૌઝાના રીટાયર્ડ પ્રોફેસર ૮૨ વર્ષના દીપસિંગભાઈ છગનભાઈ વસાવાએ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે, લગભગ ૩૦ વર્ષ પહેલાંની આ વાત છે. આખા વિસ્તારમાં પાણી મળે એ માટે સિંચાઈ માટે ઘણા પ્રબુદ્ધ લોકોએ મારી સાથે ચર્ચા કરી હતી. દીપસિંગભાઈ સુરતમાં પી.ટી.સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા, પણ કેચમેન્ટ વિસ્તાર એવા આજના નેત્રંગ અને ભૂતકાળના વાલિયા જેવા વિસ્તાર પાણીથી વંચિત હોવાથી સૂકોભટ્ટ પડેલો હોવાથી આખો વિસ્તાર કઈ રીતે પાણીદાર બને એ માટે અપેક્ષા હતી. દીપસિંગભાઈ ૧૯૬૬માં MSMSC ફિઝિક્સ સુધીનો અભ્યાસ કરીને સુરત ખાતે પ્રોફેસર બન્યા હતા. સુરતની ખટોદરા કોલોનીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન લઈને તેમના બે દીકરા અને બે દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો હતો. તેમના પુત્ર સંદીપકુમાર વસાવા હાલમાં IAS તરીકે સિલેક્ટ થતાં ટૂંક સમયમાં કલેક્ટર તરીકે નિયુક્તિ મળશે.
દીપસિંગભાઈ પી.ટી.સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ પ્રોફેસર તરીકે ફરજ બજાવ્યા બાદ શનિ અને રવિવારે માદરે વતન મૌઝા ખાતે નિરાંતની પળ અને પ્રવૃત્તિ માટે જોડાતા હતા. તેઓ કહે છે કે, આ વિસ્તારને લગભગ ૩૦ વર્ષ પહેલાં પાણીથી સિંચિત કરવા માટે ત્રણ પ્રોજેક્ટ્સ ધ્યાનમાં હતા, જેમાં ડાયરેક્ટ ઉકાઈ ડેમમાંથી ઉમરપાડામાં લાવીને મોહનખામમાં પાણી નાંખીને આ વિસ્તારમાં સિંચાઈ મળે. જ્યારે બીજામાં મોહનખામ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી, પણ એમાં કેટલાક પ્રશ્નો ઉદભવતા શક્ય ન બન્યું. તેમજ ત્રીજા પ્રોજેક્ટમાં મોટા જાંબુડામાં બંધ બાંધીને માંડ ત્રણ કિલોમીટરમાં બલદેવા અને પીંગુટ ડેમમાં પાણી નાંખીને ટોકરી અને કીમ નદીના કિનારે રહેતા મોટા ભાગના ગામડાંમાં પાણી મળતું થઇ જાય. તેમ છતાં પણ શક્ય ન બન્યું.
જો કે, આ વિસ્તારના પાટીદારો અને રાજપૂત સમાજના લોકોનો પાણી સીધું કરજણ ડેમ પાસેથી લાવવાનો હઠાગ્રહ હતો. જેને લઈ એ સમયે તત્કાલીન કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવા (માંગરોળના ધારાસભ્ય)એ પ્લાનિંગ કરતાં નેત્રંગ-વાલિયા-ઝઘડિયા-નાંદોદ અને માંગરોળ તાલુકાને પાણીદાર બનાવવા કરજણ જળાશય ઉદવહન સિંચાઈ યોજના સાકાર થઈ હતી. ભવિષ્યમાં ૧૮૭૦૦ એકર જમીન સિંચાઈનો લાભ મળશે. જેને લઈને ખાસ કરી ખેડૂતોને ફાયદો થતાં દીપસિંગભાઈ વસાવાને હાશકારો થઇ ગયો. વિદ્યાર્થીકાળમાં આદિવાસી વિદ્યાર્થી મંડળમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરી, પૂર્વ સાંસદ સ્વ.ચંદુભાઈ દેશમુખ અને દાહોદના પૂર્વ સાંસદ સોમજીભાઇ ડામોર સાથે જોડાયેલા હતા.
દીપસિંગભાઈ રીટાયર્ડ થતાં હજુ પણ શિક્ષણ માટે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમનો પરિવાર દાયકાઓથી શિક્ષિત છે. જેને લઈ આજે પણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે, જેમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી મૌઝામાં પ્રમુખ, સરકારી હાઇસ્કૂલ મૌઝામાં સભ્ય, વાલિયા નવચેતન એજ્યુકેશન સોસાયટી, ગ્રામ નિર્માણ કેળવણીમંડળ થવા, સવિતાબેન ગોકળભાઈ દેસાઈ વિદ્યાલય-ચાસવડમાં કારોબારી સભ્ય અને તાલુકા કક્ષાએ સહકારી સંસ્થામાં પણ સક્રિય રહ્યા હતા. વાલિયા લોક અદાલતમાં સભ્ય તેમજ ક્વોરી ઉદ્યોગ સહકારી મંડળી થવાના મુખ્ય પ્રયોજક તરીકે સંકળાયેલા હતા. દીપસિંગભાઈ વસાવા કહે છે કે, નેત્રંગ તાલુકો બન્યોને નવ વર્ષ થવા છતાં હજુ પણ સરકારી રાહે સાયન્સ ટીમની એકપણ સ્કૂલ નથી. સાયન્સ સ્કૂલ મૌઝાને મળે એ માટે લગભગ બે વર્ષથી અમારી માંગણી છે. જો સાયન્સ સ્કૂલ બને તો સંસાધનો માટે પૂરતી જગ્યા મૌઝામાં પડેલી છે. એ મારી ઈચ્છા છે.
મુકેશભાઈ ચૌધરીએ ફળફળાદીના છોડ આજુબાજુના વિસ્તારમાં મફત વહેંચ્યા
મૌઝાના નવી જમુનીમાં બીજાને વૃક્ષના છોડ ઉગાડવા નિ:શુલ્ક આપનારા ૪૪ વર્ષીય મુકેશભાઈ રેવજીભાઈ ચૌધરી સને-૨૦૦૨થી રેલવે પ્રોટેક્શન ફોર્સમાં વડોદરામાં જોડાયા હતા. આમ તો કવચીયા ગામે બાળપણમાં ૧૯ વર્ષે જ અભ્યાસ દરમિયાન ફળવાળાં વૃક્ષો ઉગાડવાનો શોખ હતો. પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી પોતાના ગજવાના પૈસા ખર્ચી ફળફળાદીવાળાં વૃક્ષો આજુબાજુના વિસ્તારમાં વૃક્ષપ્રેમીઓને મફતમાં આપવાની શરૂઆત કરી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં વલસાડ જિલ્લામાંથી ૧૨૦૦ જેટલા આંબાના છોડ લાવી મૌઝા ગામ સહિત જૂની જમુની, ઝંખવાવ, વદેસીયા તેમજ આજુબાજુ ગામમાં લોકોને આપ્યા હતા.
તેમણે પીળો કેસુડો, આંબા, બોરસલી સહિતના છોડ હમણા સુધી ૨૦૦૦થી વધુ લોકોને આપ્યા છે. સાબરિયા, પેટિયા, ઘંટોલી જેવા સ્મશાનગૃહમાં લોકોને છાંયડો લાગે એ માટે પીપળા અને વડ રોપ્યા છે. સાથે જ હાલમાં ૩૦૦ જેટલા તાડ ઉગાડ્યા છે. જે બાબતે મુકેશ ચૌધરી કહે છે કે, જેને આપીશું તેનાથી તેની આવક મળતી થઇ જશે. જેમાં ગલેલી સહિતનો લોકોને લાભ મળશે. આ તો છોડથી પક્ષીઓને ફાયદો થાય. સાથે લોકોને પણ ફળ ખાવાના મળે. ઝાડમાંથી સૂકા થયેલા ડાળખામાંથી પણ બળતણ માટે લાકડાં મળે એ આનંદ છે.
વડવાઓની મહેનત રંગ લાવી: આજે મૌઝા પ્રાથમિક શાળામા મળે છે ડિજિટલ શિક્ષણ
વર્ષ-1947માં રૂમના અભાવ વચ્ચે માંડ ૪ ધોરણ સાથે શાળાની શરૂઆત થઈ હતી
ગ્રામજનોને શિક્ષિત કરવા મુઠ્ઠી ઊંચેરા માણસ અને શિક્ષક મોતીસિંગ વસાવાએ રાત્રિ શાળા અને પ્રૌઢશિક્ષણના વર્ગો નિ:શુલ્ક શરૂ કર્યા હતા
દેશને આઝાદી મળી ત્યારે અંતરિયાળ ગામો અશિક્ષિત ખરા. છતાં કેટલાંક ગામમાં શિક્ષણપ્રેમી વડવાઓનો નવી પેઢીને શિક્ષણ મળે એવો અભિગમ હતો. આઝાદી વખતે વાડી ગામના સ્વ.મોતીસિંગ ખીમજીભાઈ વસાવા અંકલેશ્વર વોકેશનલ ટ્રેનિંગ કોલેજમાં ધો.૭માં પ્રથમ વર્ગ પાસ થયા હતા. ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના દ્વિભાષી રાજ્યમાં તા.૮ ડિસેમ્બર-૧૯૪૭માં મૌઝા ગામે આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળાની સ્થાપના કરી ગામના હેપુભાઈ રતુભાઈએ પોતાનો ઘરનો એક ગાળો અને વિદ્યાર્થીઓને બેસવા ઓટલો આપ્યો હતો. એ વખતે શિક્ષક તરીકે મોતીસિંગ વસાવા શિક્ષક તરીકે નિમાયા. એ વખતે કોઈ રૂમ પણ ન હતો. માંડ ૪ ધોરણની શાળામાં રૂમના અભાવ વચ્ચે તેમણે શિક્ષણની જ્યોત જગાવી હતી. વર્ષ-૧૯૫૩માં મૌઝાના સ્વ.છેદડભાઈ ડુંગરજીભાઈ વસાવાએ પ્રાથમિક શાળાના મકાન માટે એક એકર જમીન આપી દીધી હતી. શિક્ષણની એક દિશા મૌઝા ગામમાં શરૂ થઇ. સાથે જ શિક્ષક મોતીસિંગ વસાવાએ રાત્રિ શાળા અને પ્રૌઢશિક્ષણના વર્ગો કોઈપણ મહેતાણું લીધા વિના ચાલુ કર્યા હતા. એ વખતે શાળા માટે ૮ પાકા રૂમ બનાવી આપ્યા હતા.
જો કે, આજે આ પ્રાથમિક શાળામાં ડિજિટલ વર્ગ શરૂ થયા છે. મૌઝાની પ્રાથમિક શાળામાં ધો.૧થી ૮ સુધીમાં ૨૫૭ વિદ્યાર્થીને ૯ શિક્ષક અભ્યાસ કરાવે છે. આ પ્રાથમિક શાળામાં ૧૧ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાળા પ્રવેશોત્સવ પ્રોગ્રામમાં આવ્યા હતા. આજે તો આ પ્રાથમિક શાળામાં કુલ ૧૨ અદ્યતન વર્ગખંડમાં તમામ સવલત ઊભી કરી છે. અને ૧ સ્ટાફ રૂમ અને ૨ હોલ પણ છે. ખાસ કરીને ૧૨ વર્ગખંડમાં લાઇબ્રેરી, અલગ કોમ્પ્યુટર રૂમ, ઇનડોર ગેમ, પ્લેટફોર્મવાળી અદ્યતન પ્રયોગશાળા પણ છે. આ હોલ સાથે અન્ડર ગ્રાઉન્ડ ટેન્ક, સુએઝ ટ્રીટમેન્ટ સહિતની સેનિટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પહેલા પ્રોજેક્ટર પર અભ્યાસ કરાવાતો હતો. જો કે, હાલમાં બાવન ઇંચના ટીવીથી બે ડિજિટલ ક્લાસ રૂમ આવતાં બે ભાગમાં તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં અભ્યાસ કરનારા કેટલાક વિદ્યાર્થીઓ ડોક્ટર, પ્રોફેસર, પીએસઆઈ થયા છે.
હાલ આ પ્રાથમિક શાળામાં સવારે નવ વાગ્યે ડિજિટલ ક્લાસમાં સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની શિષ્યવૃત્તિ અભ્યાસ કરાવાય છે, જેમાં ગત વર્ષે ધો-૮નો વિદ્યાર્થી દિવ્યેશભાઈ રોશનભાઇ ચૌધરી પરીક્ષા આપતાં પાસ થતાં દર મહીને રૂ.૧૦૦૦ ધો.૧૨ સુધી એના ખાતામાં શિષ્યવૃત્તિ તરીકે જમા થશે. આ શાળામાં વિજ્ઞાન વિષયમાં તમામ પ્રયોગોનું શિક્ષણ અપાય છે.
મૌઝા પ્રાથમિક શાળાના શિક્ષક દિવ્યેશભાઈ રાઠોડની સિદ્ધિ
સૌરાષ્ટ્રની ભૂમિના ભાવનગરા સિહોરના સણોસરાની લોકભારતી શાળામાં અભ્યાસ કરીને આવે એ શિક્ષણમાં સર્વોપરી હોય. આવો જ એક દાખલો મૌઝામાં દેખાઈ રહ્યો છે. મૌઝા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ૩૫ વર્ષીય દિવ્યેશભાઈ જગદીશભાઈ રાઠોડને તાલુકાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા.
મૂળ તો દિવ્યેશભાઈ રાઠોડ કામરેજના ડુંગરા ગામના વતની, પણ બાળપણથી શિક્ષણ માટે અન્ય ગામોમાં જવાનો વારો આવ્યો. મૂળ તો નાનપણમાં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધી એના-તુંડી ગામે પોતાની માસીને ત્યાં રહીને અભ્યાસ કર્યો. બાદ ભાવનગર પાસે લોકભારતી સણોસરામાં પીટીસીનો અભ્યાસ કર્યો હતો. ૨૦૦૮માં નેત્રંગના ધાણીખૂંટમાં શિક્ષક તરીકે જોડાયા હતા. જો કે, હાલમાં જ મૌઝા પ્રાથમિક શાળામાં ૨૦૨૦થી શિક્ષક તરીકે આવ્યા છે. વર્ષ-૨૦૨૦-૨૧ના વર્ષમાં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે દિવ્યેશભાઈ રાઠોડની પસંદગી થતાં જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત સાથે રોકડ પુરસ્કાર એનાયત થયો હતો.
વર્ષ-૨૦૨૨માં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં બોર્ડનું પરિણામ ૧૦૦ ટકા
ભૂતકાળમાં રાજપીપળા એ એજ્યુકેશનનું હબ કહેવાતું. રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલના આદ્યસ્થાપક બાબુભાઈ ભટ્ટને નવ હાઈસ્કૂલ ઊભી કરવાની ઈચ્છા હતી, જેમાં મૌઝામાં એ વખતે શાળા શરૂ કરી. જો કે, આર્થિક સમસ્યાને લઈ શાળા બંધ કરવાનો વારો આવ્યો હતો. જો કે, સરકારી માધ્યમિક શાળા ૨૦૦૯માં અને ૨૦૧૮માં ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શરૂ થઇ. હાલ ધો-૯થી ૧૨ સુધીમાં ૨૭૨ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ માધ્યમિકમાં અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં મળીને કુલ ૧૩ સ્ટાફ છે, જેમાં આચાર્ય, શિક્ષકો, પ્રવાસી શિક્ષક,રાત્રી અને દિવસના વોચમેન અને એક પટાવાળોનો સમાવેશ થાય છે. વર્ષ-૨૦૨૨માં ધો-૧૨ના સામાન્ય પ્રવાહમાં ૧૦૦ ટકા બોર્ડનું પરિણામ આવ્યું હતું, જેમાં તમામ ૪૧ વિદ્યાર્થી પાસ થઇ ગયા હતા. ખાસ કરીને ગુજરાતમાં વોકેશનલ કોર્સમાં મૌઝા હાઇસ્કૂલનો પણ સમાવેશ થયો છે, જેમાં એગ્રીકલ્ચર અને ઇલેક્ટ્રોનિકસ વિષય પર તેમના શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. આ વખતે ધો-૯ અને ૧૦માં પહેલીવાર પરીક્ષા લેવાશે. જેમાં લેવલ-૨ સર્ટિફિકેટ અપાશે. શાળાના આચાર્ય પ્રદીપભાઈ પટેલ કહે છે કે, વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃત્તિઓ કરે છે. સાથે શિક્ષણ એ મહત્ત્વનું કેન્દ્ર છે. ખાસ કરીને ભૂતકાળમાં ગામના વડીલ છેદડભાઈ વસાવાનો પૌત્ર માજી સરપંચ જયેન્દ્રસિંગ નટવરભાઈ વસાવાએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે જમીન પંચાયત હસ્તે શિક્ષણ વિભાગને સુપરત કરી હતી.
હાથાકુંડી/પીંગુટના કોટવાળિયા સમુદાયના કારીગરોએ પરંપરાગત વારસાને રાખ્યો છે જીવંત
હાથાકુંડી-પીંગુટના કોટવાળિયા સમુદાયના કારીગરોએ પરંપરાગત વારસાને જીવંત રાખ્યો છે. વાંસની વસ્તુઓ બનાવવામાં પારંગત કોટવાળિયા સમુદાયના કારીગરોને યોગ્ય માર્કેટ મળતું નથી. આ દ્વિધા ઘણા સમયથી ઉદભવતી તી. એ માટે અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા આ કોટવાળિયા સમુદાય સાથે તાલીમ અને માર્ગદર્શન માટે તાલ મિલાવીને વાંસની વિવિધ વસ્તુઓનું પ્રદર્શન, વેચાણ કરતાં ફક્ત ત્રણ દિવસમાં તમામ વસ્તુઓ વેચાઈ જતાં એક પ્લેટફોર્મ મળ્યું હતું. જો કે, થોડા સમય અગાઉ જ કારીગરો ખુદ અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનનાં વડાં ડો.પ્રીતિબેન અદાણીને મળવાનો અવસર મળ્યો હતો. આ કારીગરો વાંસની વસ્તુ બનાવવામાં સ્કીલવાળા હોય છે.
જે માટે હાથકુંડી અને પીંગુટ ગામના લગભગ ૪૦થી ૫૦ કોટવાળિયા કારીગરો સાથે લગભગ એકાદ વર્ષથી અદાણી ફાઉન્ડેશન તાલીમ અને જરૂરી માર્ગદર્શન માટે જોડાયું છે. એ માટે થોડા સમય પહેલાં અદાણી પેટ્રોનેટ દહેજ દ્વારા એમ્પ્લોય વોલેન્ટિયર કાર્યક્રમમાં વાંસમાંથી બનતી વિવિધ વસ્તુઓ બનવવાની તાલીમ કંપનીની કર્મચારીઓ અને એમના કુટુંબીજનોને આપી હતી. આ ગામના કોટવાળિયા સમુદાયે છ જેટલા કારીગરોને વાંસની વસ્તુઓ બનાવવાની તાલીમ આપી હતી. ખાસ કરીને મહિલા કારીગરોએ ફ્લોર સાદડીઓ, યોગ સાદડીઓ, ફળની ટ્રે, બોક્સ, બાસ્કેટ, લેમ્પ્સ, ટેબલ ઘડિયાળ સહિતની વસ્તુઓ વેચાણ માટે મૂકી હતી. જાણીને આશ્રર્ય થાય છે કે, માત્ર ત્રણ દિવસમાં વાંસની તમામ વસ્તુઓ વેચાઈ જતાં વસ્તુઓ ઘટી હતી અને કારીગરોને રૂ.૬૦ હજારની કમાણી થઇ હતી.
વાંસની વસ્તુ બનાવતી વાંસકળા માટે મેટ્રો સિટીના લોકો વખાણ કરતા કહે છે કે, બાયોડિગ્રેડેબલ વસ્તુઓ કુદરતી સામગ્રીમાંથી બનાવાતી હોય છે. જેનો એજ અર્થ નીકળે કે વપરાશકર્તા માટે સૌથી વધુ સુરક્ષિત છે. જો કે, દિનપ્રતિદિન પરંપરાગત પ્લાસ્ટિક હાનિકારક આડપેદાશ અને રસાયણથી બને છે. જે માનવીના જીવનમાં અને પર્યાવરણ માટે ખતરો છે. કારીગર સુરતા કોટવાળિયા કહે છે કે, પહેલા અમને લાગતું હતું કે, અમારી વાંસની બનાવટની વસ્તુઓ વેચાશે નહીં. પણ અમને એક નવું પ્લેટફોર્મ મળતાં ગણતરીના દિવસોમાં તમામ વસ્તુઓ વેચાઈ ગઈ. જેથી અમારા ઉત્સાહમાં વધારો થયો છે. ગેમલભાઈ અને જેઠાભાઈ કોટવાળિયા કહે છે કે, અદાણી ફાઉન્ડેશનની મદદથી અમે પ્રથમ વખત અમારી કળાને શહેરમાં પ્રદર્શિત કરી શક્યા છીએ.