આણંદ : આણંદ જિલ્લાના પ્રત્યેક પરિવારને કટોકટીના સમયે ગેસ માટે દોડવું ન પડે તે માટે પાંચ કિલોના ગેસ સિલિન્ડર સરળતાથી મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વસતા પ્રત્યે પરિવારને તેમના ગામમાં જ ગેસ સિલિન્ડરની સુવિધા મળી રહે તેવા ધ્યેયને ધ્યાને લઈ આણંદ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે, જે અન્વયે આગામી સમયમાં જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનો પરથી 5 કીલો વજનના ગેસ સિલિન્ડરનું વેચાણ થશે.
આ અંગે કલેક્ટર ડી.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, ગામડાંના લોકોને સમયસર ગેસ સિલિન્ડર મળી રહે તેવા આશયથી આણંદ જિલ્લામાં પ્રારંભિક ધોરણે તારાપુર ખાતે આવેલી વ્યાજબી ભાવની 2 દુકાનો પરથી 5 કીલો વજનના ગેસ સિલિન્ડરનું વેચાણ કરવામાં આવશે, જેની પ્રત્યેક સિલિન્ડરની કિંમત રૂ. 390 નક્કી કરવામાં આવી છે. આ માટે વ્યાજબી ભાવની આ બન્ને દુકાનોના સંચાલકો અને ગેસ એજન્સીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં જિલ્લામાં વધુ વ્યાજબી ભાવની દુકાનો સાથે એમઓયુ કરવામાં આવશે. જેના કરણે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને તેમના ગામમાંથી જ ગેસ સિલિન્ડર મળી રહેશે.