સુરત: (Surat) અડાજણમાં એલ. પી. સવાણી રોડ (L P Savani Road) પર ઓડી કાર લઈને જઈ રહેલા મહિલા તબીબની કારનું વ્હીલ મોપેડ સવાર રિસેપ્શનિસ્ટ મહિલાના માથા પર ફરી વળતાં 43 વર્ષની મહિલાનું મોત (Death) નીપજ્યું હતું. આ અકસ્માત જોઈને મહિલા તબીબને રીતસર ચક્કર આવી ગયા હતા અને બેભાન થઈ જતાં હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતા. જોકે આ અકસ્માત થોડો વિચિત્ર રીતે થયો હતો, મેટ્રો માટે ઊભી કરેલી આડસમાં મોપેડનું સ્ટિયરિંગ (Steering) ફસાતા રિસેપ્શનિસ્ટ મહિલા રોડ પર પટકાયા અને તે જ સમયે પાછળથી આવી રહેલી ઓડીનું વ્હીલ તેમના પર ફરી ગયું.
- અડાજણમાં મહિલા તબીબની ઓડી કાર હેઠળ મોપેડ ચાલક મહિલા કચડાઈ ગઈ
- મોપેડ મેટ્રોની રેલિંગને અડી જતા મહિલાએ બેલેન્સ ગુમાવ્યું અને અચાનક રોડ પર પટકાતા પાછળથી આવી રહેલી ઓડી તેના પર ફરી વળી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલ.પી. સવાણી રોડ વિસ્તારમાં વેસ્ટર્ન હાઇટ્સ પાસે લેકવ્યૂ ફ્લેટમાં ઇન્દ્રવિજય ગોહિલ પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની રીટાબેન( 43 વર્ષ) અને સંતાન છે. ઇન્દ્રવિજય ખેડુત છે. રીટાબેન હોસ્પિટલમાં રિસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરતા હતા. નિત્યક્રમ અનુસાર આજ રોજ શુક્રવારે રીટાબેન તેમની મોપેડ પર નોકરી પર જઈ રહ્યાં હતા. તેઓ એલપી સવાણી રોડથી આગળ હરીઓમ સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે મેટ્રોના કામ માટે જે રેલિંગ બનાવી છે તેમાં મોપેડનું સ્ટિયરિંગ આવી જતા રીટાબેને બેલેન્સ ગુમાવ્યું હતું. તેથી તેઓ રોડના મધ્યભાગમાં પટકાયા હતા. તેજ સમયે પાછળથી આવતી ઓડી કારનું ટાયર રીટાબેનના માથા પરથી ફરી વળ્યું હતું.
આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સ મારફત રીટાબેનને નવી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે રીટાબેનને મૃત જાહેર કર્યા હતા. ઓડી કાર ચલાવતા ડો. નેહા પાનસુરીયા(રહે. કૈલાસ રેસિડેન્સી, એલ.પી.સવાણી રોડ,અડાજણ) પોતે ફિઝિયોથેરાપીસ્ટ છે. આ અકસ્માત થતા નેહાબહેનને કારમાં જ ચક્કર આવી જતા સ્ટિયરિંગ સાથે તેમનું માથું ભટકાયું હતું અને બાદમાં અકસ્માત જોઈને બેભાન થઈ હતા. તેમને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોડી સાંજે અડાજણ પોલીસે ડો. નેહા વિરુદ્ધ મોટર વ્હિલક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ડો. નેહાને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં પોલીસે પહેરો મૂકી દીધો છે.