આણંદ : ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ શાળાની આગળ જ પુરપાટ ઝડપે જતી ટ્રકે એક્ટિવા સવાર બે પુત્રી અને માતાને હડફેટે ચડાવ્યાં હતાં. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું હતું. માતા તેની બે પુત્રીને શાળાએથી છુટી ઘરે લઇ જતી હતી, તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. ઉમરેઠના અંબિકાનગર સોસાયટીમાં રહેતા નિશાબહેન હરિશભાઈ રામનાણીની બે પુત્રી માન્યા અને માહિ (બન્ને ઉ.વ.6) સેન્ટ ઝેવિયર્સમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. તેમની શાળાનો સમય સવારના 9 થી બપોરના 1 વાગ્યા સુધીનો છે. આ બન્ને દિકરીઓને લેવા મુકવા નિશાબહેન એક્ટિવા પર જતાં હતાં.
દરમિયાનમાં ગુરૂવારના રોજ બપોરના એક્ટિવા લઇને નિશાબહેન તેમની બન્ને દિકરીઓને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે લેવા ગયા હતા અને તેમને લઇને શાળાની બહાર જ નિકળતાં હતાં, તે વખતે અચાનક એક ટ્રક પુરપાટ ઝડપે ધસી આવી હતી અને એક્ટીવાને જોરદાર ટક્કર મારી દીધી હતી. જેના કારણે નિશાબહેન અને તેમની બન્ને દિકરીઓ રસ્તા પર જ પટકાયાં હતાં. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે બન્ને દિકરીને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે માન્યાને મૃત્યુ પામેલી જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગે નિશાબહેને ઉમરેઠ પોલીસમાં ટ્રક નં.જીજે 7 યુયુ 6602ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.