પેટલાદ : પેટલાદ નગરપાલિકા દ્ધારા છેલ્લા એક મહિના દરમ્યાન મુખ્ય રાજમાર્ગો પૈકીના દબાણો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ હતી. આ રસ્તાઓ પૈકીના નડતરૂપ લારી, ગલ્લા, કેબીનો, પાથરણાવાળા વગેરેને દૂર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 150થી વધુ કબીનધારકોને બાકી ભાડાની રકમ ભરી કેબીનવાળી જગ્યા 14મી ફેબ્રુઆરી સુધીમાં ખાલી કરવા નોટીસો ફટકારવામાં આવી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં દબાણો પુનઃ પ્રસ્થાપિત થયા હોવાનું જોવા મળે છે. જ્યારે કેબીનધારકો માટે આડકતરો યથાવત રાખતો ઠરાવ ગત સાધારણ સભામાં થતાં પાલિકાએ યૂ-ટર્ન લીધો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. આ ઠરાવમાં રસ્તાની પહોળાઇ છોડી વધેલી જગ્યા પર લારી ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પેટલાદ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપરના નડતરૂપ દબાણો તથા કેબીનો હટાવવાની રજૂઆત સોજીત્રાના ધારાસભ્ય તથા આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે કરી હતી. જેથી સંકલન બેઠકમાં મળેલા આદેશ મુજબ પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજે સિવીલ હોસ્પિટલથી બસ સ્ટેન્ડ ફાટક, રેલ્વે જકાતનાકા, સ્ટેશન રોડ, સરદાર ચોક, ટાઉન હોલ, રણછોડજી મંદિર થઈ કોલેજ ચોકડી તથા રણછોડજી મંદિરથી સાંઈનાથ ચોકડી સુધીના મુખ્ય રાજમાર્ગ પૈકીના નડતરૂપ લારી, ગલ્લા, કેબીનો, પાથરણા, કાચા પાકા બાંધકામ વગેરે હટાવી લેવા તાકીદ કરી આવી હતી.
જેની સમય અવધિ પૂરી થતાં આ રાજમાર્ગ પૈકીના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી માત્ર ત્રણ દિવસમાં 200થી વધુ દબાણો દૂર કર્યા હતા. બાદમાં આ મુખ્ય રસ્તા ઉપર નિયત પહોળાઈના આધારે પટ્ટા પાડી આગળની કાર્યવાહી કરવામાં આવનારી હતી. પરંતુ સમય જતાં ગણતરીના દિવસોમાં એક પછી એક લારી, ગલ્લા, પાથરણા પુન: પ્રસ્થાપિત થવા માંડ્યા હતા. જેથી આ કરેલી કામગીરી તથા તે બાદ સંભવિત શક્યતાઓ માટે ચીફ ઓફિસરે પાલિકાના પ્રમુખને એક રિપોર્ટ કર્યો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બસ સ્ટેન્ડની સામેથી રેલ્વે જકાત નાકા સુધીના રાજમાર્ગ પૈકી આવેલી કેબીન ધારકોએ રસ્તાની પૂરી પહોળાઈ બાદ પાછળ જગ્યા હોય તો ખસેડી નવેસરથી ભાડાની રકમ નક્કી કરી કાર્યવાહી કરવી.
રેલ્વે સ્ટેશનથી પેટ્રોલ પંપ સુધીના રસ્તા પૈકી જે કેબીનો છે, તેઓને વૈકલ્પિક જગ્યા ફાળવવી અથવા રસ્તાની પૂરતી પહોળાઈ કરતા પાછળ જગ્યા વધુ હોય તો તે મુજબ ખસેડી પુન: પટ્ટે આપવી. રણછોડજી મંદિરથી કોલેજ ચોકડી સુધીના રસ્તાની આજુબાજુ ટ્રાફિકને નડતરૂપ ના બને તે રીતે લારી, ગલ્લા ઉભા રાખી શકાશે. આ ઉપરાંત એન.કે. હાઇસ્કુલની બાજુમાં કે પરમાણિયા તળાવ પાસે ફાજલ જગ્યામાં પણ ખાણી પીણીની લારીઓ મૂકી શકાશે. પરંતુ મુખ્ય રાજમાર્ગો પૈકીના કેબીનધારકો પાલિકાના શોપિંગ સેન્ટરની ખાલી દુકાનો મેળવી શકે છે. આ રિપોર્ટના આધારે ગત સાધારણ સભામાં કામ નં.22 રજૂ થયો હતો, જે કામ પણ સર્વાનુમતે મંજૂર થયું હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જો આવો જ નિર્ણય લેવાનો હતો તો દબાણો દૂર જ કેમ કર્યા ? દબાણો હટાવતા સમયે જે કોઈને તોડફોડથી નુકશાન થયું તેનું શું ? વધતા જતા નડતરૂપ દબાણો દૂર કરવામાં કોના દબાણો નડે છે ? રસ્તાઓ પહોળા કરી સાચા અર્થમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરી વિકાસ ક્યારે થશે ? વોટબેંક સાચવવાની લ્હાયમાં દબાણકારોને છાવરી કેમ વિકાસ અટકાવાય છે ? આવા અનેક પ્રશ્નો દબાણો સંદર્ભે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યા હોવાનું જાણવા મળે છે.
પાલિકાની ખાલી દુકાનોનું શું ?
પેટલાદ પાલિકાની ગત સાધારણ સભામાં પાલિકાના સભ્ય તથા બાંધકામ કમિટીના ચેરમેન ભાવિન પટેલે મૌખિક રજૂઆત કરી હતી કે, પાલિકાના શોપિંગ સેન્ટરોમાં ઘણી બધી દુકાનો ખાલી છે. નવા કોમ્પલેક્ષોની કેટલીક દુકાનોના તો શટર જ નથી ખુલ્યા. તો આવી દુકાનો જરૂરતમંદોને આપવામાં આવે તો કેબીનધારકો શાંતિથી વેપાર કરી શકે અને પાલિકાને ભાડાની આવક મળે.
ભાડા બંધ થતાં આવકમાં ગાબડું પડ્યું
પેટલાદ પાલિકાની આર્થિક સ્થિતી દિનપ્રતિદિન કથળતી જતી હોવાનું જાણવા મળે છે. તેમાંય દબાણો દૂર કરવાના કારણે બજારભાડા ઉઘરાવવાના બંધ થઈ ગયા હતા. જો કે ઇજારદારને રદ કર્યા બાદ પણ પાલિકા દ્ધારા બજારભાડા નહિ ઉઘરાવવાતા પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે. આથી, આવક વધારવાના ચક્કરમાં પાલિકા ફરી દબાણને પ્રોત્સાહન આપે તેવો ભય ઉભો થયો છે.