SURAT

વરાછામાં અનોખા લગ્ન યોજાયા: કન્યાપક્ષ જાન લઈને આવ્યો અને વરના માતા-પિતાએ સ્વાગત કર્યું…

સુરત: સુરતના વરાછામાં એક લાગણી સભર અનોખો લગ્ન પ્રસંગ યોજાયો. વર પક્ષ અને કન્યા પક્ષે વર્ષો જૂની પરંપરાને બદલી સમાજમાં નવો દાખલો બેસાડ્યો છે. વરરાજાના માતા-પિતા એ કન્યાને દીકરી ગણી તેમની તરફે રહી જાનનું સ્વાગત કર્યું હતું. જયારે કન્યાના માતા-પિતાએ  વરરાજાને દીકરો ગણી જાન લઈને આવ્યા. ઢબુકતા ઢોલે આવેલી જાનનું દીકરાના માતા-પિતા અને વર પક્ષના મહેમાનોએ ભાવથી સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં કન્યાના જેઠે મોટાભાઈ બની જવતલ હોમ્યા ત્યારે સજળ નેત્રે લોકોએ લાગણીને વધાવી હતી. ખરા અર્થમાં વહુને દીકરી ગણીને આવકારી તે બદલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે અભિનંદન પાઠવ્યા હતા.

  • મૂળ સૌરાષ્ટ્રના રમેશ દૂધાતના નાના દીકરાના લગ્નમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા
  • વર-કન્યાના માતાપિતાએ પોતાના કોડ પૂરા કરવા પરંપરા બદલી
  • ખરા અર્થમાં લગ્ન ઉત્સવ બનેલા આ પ્રસંગને લોકો જોતા રહી ગયા
  • શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે બંને પક્ષને અભિનંદન પાઠવ્યા

મૂળ સૌરાષ્ટ્રના બળેલ પીપળીયા ના વતની એવા રમેશભાઈ લક્ષ્મણભાઈ  દુધાતના નાના દીકરા હાર્દિક ના લગ્ન કુંકાવાવ ના વતની વાલજીભાઈ લક્ષ્મણભાઈ ઠુંમર ની દીકરી મહેશ્વરી સાથે તારીખ ૧૪-૦૨-૨૦૨૩ ના રોજ યોજાયા હતા કન્યાના માતા-પિતા ભાવનાબેન તથા વાલજીભાઈ ઠુંમર ને સંતાનમાં માત્ર દીકરી હતી. દીકરો નથી. તેથી દીકરાને પરણાવવાના કોડ હોય તે સ્વભાવિક છે અને વરરાજાના માતા પિતા રમેશભાઈ તથા કિરણબેનને દીકરી નથી. તેથી વર-કન્યાની જાણે અદલાબદલી કરી કન્યાપક્ષે દીકરાને પરણાવવાના કોડ પૂરા કરવા અને વરપક્ષે દીકરીના કન્યાદાનનો હરખ પૂરો થાય તેવી સમજણ થઇ અને રચાયો અનોખો લગ્નોત્સવ. લોકો જોતા રહી ગયા હતા.

કન્યા તરફના મહેમાનો વરરાજાને લઈ ઢોલ વગાડતા મંડપમાં પધાર્યા
લગ્નમાં કન્યા તરફના મહેમાનો વરરાજાને લઈ ઢોલ વગાડતા મંડપે આવ્યા હતા અને દીકરાના માતા-પિતા અને મહેમાનો કન્યાને લઈ જાનનુ સામૈયુ લઈને આવકારવા ગયા હતા. માત્ર ઔપચારિકતા ન રહે તે માટે દીકરા ના મોટા ભાઈ ભાર્ગવ  દુધાત જે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર છે.તેમણે જવતલ હોમી ભાઈ તરીકેની ફરજ નિભાવી હતી.કન્યાને ભાઈની ખોટ પાડવા દીધી ન હતી. રમેશભાઈ તથા કિરણબેને  વહુ ને પોતાના ઘેર દીકરી તરીકે લઈને ગયા હતા.

સામાજિક પરિવર્તન તરફ દિશા આપતી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત ના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળ તથા અશ્વિનભાઈ ગજેરા વગેરે ઉપસ્થિત રહી નવયુગલોને શુભેચ્છા તથા બંને પરિવારને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. ખૂબ સામાન્ય રોજગાર ધરાવતા રમેશભાઈ દુધાતે બંને દીકરાને ભણાવીને એકને R.T.O ઇન્સ્પેક્ટર તરીકે અને બીજા દીકરા ભાર્ગવ ને ગુજરાત ગેસ કંપની માં નોકરી સુધી પહોંચાડ્યા છે ખૂબ સમજણો આ દુધાત પરિવારે જન સમાજને મોટો સંદેશ આપ્યો છે

Most Popular

To Top