સાયણ: ઓલપાડના કાંઠા વિસ્તારની ખારપાટવાળી જમીનમાં મીઠા પાણીના અભાવ અને અછત વચ્ચે જ્યાં ખેતી કરવી શક્ય નથી, ત્યાં એક ખેડૂતે સુભાસ પાલેકર પદ્ધતિથી ખેતી કરી રણમાં કમલ ખીલવ્યું છે. જેની જાણ વિદેશી જર્નાલિસ્ટોને સોશિયલ મીડિયા અને સુરત કૃષિ વિભાગના વિજ્ઞાનિક ડો.જનકસિંહ રાઠોડના માધ્યમથી થતાં તેમણે ઇન્ડિયાની મુલાકાત દરમિયાન બુધવારે ઓલપાડના સરસ ગામે રાજદીપ પટેલના ફાર્મની મુલાકાત લઈ ખેડૂતના સાહસ અને પ્રગતિની મુક્ત મને પ્રસંશા કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ વિદેશી પત્રકારો સાથે આવેલા સુરત કૃષિ વિભાગના વૈજ્ઞાનિક ડો.જનકસિંહ રાઠોડે પત્રકારોને કહ્યું હતું કે, ઓલપાડ તાલુકાની દરિયાઈ પટ્ટીના કાંઠા વિસ્તારનાં ગામોની જમીનના ભૂગર્ભમાં મીઠા પાણીના બદલે ખારું પાણી હોવાથી આ વિસ્તારની મહત્તમ જમીનમાં ક્ષાર છે. જેના પગલે ક્ષારયુક્ત જમીનમાં ડાંગર સિવાય અન્ય ખેત પાકોની ખેતી કરવી મુશ્કેલ અને અશક્ય છે.
આ મુલાકાત દરમિયાન પ્રગતિશીલ ખેડૂત રાજદીપ પટેલે સ્થાનિક સહિત વિદેશી પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે, તેમણે ક્ષારવાળી ૮ વીઘાં જમીનમાં સુભાષ પાલેકર પદ્ધતિથી ખેતી કરી વનવગડો તૈયાર કર્યો છે. આ ફાર્મમાં અમે રસાયણ ખાતરની ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી કરી પાકનો ઉછેર કર્યો છે. આ ફાર્મમાં સ્થાનિક શાકભાજીના પાક પૈકી તુવેર, હળદર, કોબીજ, ફ્લાવર, રામફળ, સીતાફળ વગેરે ફળ અને શાકભાજી તથા ગુજરાતમાં નથી થતા એવા અંજીર, એલચી, કાજુ સહિત કાશ્મીરમાં થતા સફરજનના પાકોનો પણ સારી રીતે ઉછેર કર્યો છે. આ ઉપરાંત વિદેશમાં થતા બ્રોકલી, પર્પલ કોબીજ, ડ્રેગન ફ્રૂટ તેમજ રબરના છોડ પણ સારી રીતે ઉછેર્યા છે. જે પાકોની ઉપજ હાલ ચાલુ છે.
ખેડૂતની સફળતાને અમે સેલ્યુટ કરીએ છીએ: નોર્વેની મહિલા પત્રકાર
આ મુલાકાત દરમિયાન નોર્વેની વિદેશી મહિલા પત્રકારે સાહસિક ખેડૂત રાજદીપ પટેલને અભિનંદન આપી પ્રતિભાવ આપતાં કહ્યું કે, દરિયાઈ પટ્ટીના આ ખારપાટ વિસ્તારની જમીનમાં સાહસિક ખેડૂતની સફળતાને અમે સેલ્યુટ કરીએ છીએ.