નડિયાદ : નડિયાદ તાલુકાના સલુણ તાબેના વૈધના કુવા ખાતે દાનમાં આપેલ જમીનમાં પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી. દાતાએ જમીનનો બક્ષિસ કરાર કરી આપ્યો હોવા છતાં આ જમીન સરકારી ચોપડે દાતાના નામે ચાલતી હતી. આ જમીન શાળાના નામે કરાવવા દાતાએ અવારનવાર રજૂઆત કરવા છતાં સરકારી અધિકારીઓની ઉંઘ ન ઉડતા રોષે ઉભરાયેલા દાતાના વારસદારોએ શાળાના ગેટને તાળાબંધી કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના સલુણ તાબે વૈધના કુવો સીમ વિસ્તાર આવ્યો છે. આ સીમમાં નિરંજનભાઇ વૈધના વડીલોએ 1987માં પ્રાથમિક શાળા બનાવવા 2 ગુંઠા જમીન દાનમાં આપી સરકારને બક્ષિસ કરાર લખી આપ્યો હતો. જેને ઘણા વર્ષો થવા છતાં દાનમાં આપેલી જમીન દાતાના નામે સરકારી ચોપડે ચાલતી હતી.
જેને દાતાના વારસદાર નિરંજનભાઇ વૈધએ દાનમાં આપેલી જમીન શાળાના નામે ચઢાવવા અવારનવાર અધિકારીઓને રજૂઆત કરી હતી. આમ છતાં સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા સરકારી રેકોર્ડમાં શાળાનું નામ દાખલ કરાવવા ભારે ઉદાસીનતા દાખવવામાં આવતા રોષે ભરાયેલા દાતાના વારસદારે આજે સવારે વૈધના કુવા પ્રાથમિક શાળાના ગેટને તાળું મારી દીધું હતું. જેથી શાળાના બાળકોને ગેટની બહાર ખુલ્લામાં બેસી રહેવાની ફરજ પડી હતી. દાતાએ શાળાને તાળું મારી દેતા શાળાના શિક્ષકો પણ કફોડી હાલતમાં મુકાયા હતા.
આ બનાવ અંગેની જાણ થતાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ મામલતદાર સહિત અધિકારીઓ શાળા ખોલાવવા સલુણ વૈધના કુવા ખાતે પહોંચી ગયા હતા. ઘણા વર્ષોથી દાંતાની રજૂઆત ન સાંભળનાર અધિકારીઓએ તાળું ખોલાવવા દાતાને સમજાવવા દોડધામ કરી મૂકી હતી. આમ સરકારી તંત્રની બેદરકારીના કારણે શાળાના બાળકોની પાડા ના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય વહેલાસર લેવાય તેમ દાતાના વારસદારોએ જણાવ્યુ છે.