SURAT

સુરતમાં પાંચ વર્ષનો બાળક રમતા રમતા ચાલુ ટેમ્પો પાછળ લટકી ગયો, અડધો કિ.મી. દૂર જઈ પડ્યો

સુરત : સુરતમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીંના પાંડેસરા વિસ્તારમાં રહેતો એક 5 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો. પરિવારે શોધખોળ કરતા તે બાળક અડધો કિ.મી. દૂર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે 5 વર્ષનો નાનકડો બાળક રમતા રમતા એક ચાલુ ટેમ્પા પર લટકી ગયો હતો અને લગભગ અડધો કિ.મી. દૂર જઈને તે પડ્યો હતો, જેના લીધે તેને ઈજા થઈ હતી.

આ ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુરનો પરિવાર પાંડેસરામાં જય અંબે નગરમાં રહે છે. પિતા ટીએફઓ મશીન પર કામ કરે છે. તેમનો પાંચ વર્ષનો પુત્ર ગઈકાલે મંગળવારે ઘર પાસે રમતો હતો ત્યારે ચાલુ ટેમ્પાની પાછળ લટકી ગયો હતો જેની ચાલકને જાણ ન હોય તેણે ટેમ્પો દોડાવી મુક્યો હતો. લગભગ અડધો કિલોમીટર દૂર પાંડેસરાના મિલન પોઈન્ટ પાસે બાળકનો હાથ છટકી જતા તે રસ્તા પર પટકાયો હતો. સદ્દનસીબે પાછળથી કોઈ વાહન નહીં આવતું હોય તે બચી ગયો હતો. બાળકને 108માં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સિવિલના સ્ટાફે બાળકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી પોલીસને જાણ કરી હતી. દરમિયાન બાળકનો પરિવાર તેને શોધતા શોધતા નવી સિવિલ આવી પહોંચતા પરિવારને બાળકનો કબ્જો સોંપવામાં આવ્યો હતો.

સચિનમાં ત્રણ વર્ષનો બાળક રમતાં રમતા એક રૂપિયાનો સિક્કો ગળી ગયો
સુરત: ચાર દિવસ પહેલા પાંડેસરાની બાળકી 10 રૂપિયાનો સિક્કો ગળી ગઇ હતી તે બનાવ બાદ સચિન એક રૂપિયાનો સિક્કો ગળી ગયેલા બાળકને આજે નવી સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જેને દૂરબીનની મદદથી તબીબો એ બહાર કાઢ્યો હતો. આ બનાવની મળતી માહિતી મુજબ મૂળ બિહારના દરભંગાના અને હાલમાં સચિનના શિવનગરમાં રહેતા બૈજુદાસ નામના શ્રમિકનો પુત્ર એક રૂપિયાના સિક્કા સાથે રમી રહ્યૌ હ તો. જો કે તેની માતાનું ધ્યાન જતાં તેણે સિક્કો લેવાની કોશિશ કરી હતી. જો બાળકે આ સિક્કો મોંઢામાં નાંખી દીધો હતો અને તે ગળી ગયો હતો.

બાળક સિક્કો ગળામાં ફસાઈ જતાં માતા ગભરાઈ ગઈ હતી. પડોશીઓની મદદથી તેણે સિક્કો બહાર કાઢવા મોઢામાં આંગળી નાખીને ઉલ્ટી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સિક્કો બહાર આવ્યો ન હતો. ત્યારે જ પડોશીઓએ તેમને હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી. પરિવાર દ્વારા મોડીરાત્રે આર્યનને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ટ્રોમા સેન્ટરના તબીબોએ આર્યનની તપાસ કરીને તેને ઇએનટી વિભાગમાં રીફર કર્યો હતો. સિનિયર રેસિડેન્ટ ડૉ.જાનવિકા ચૌહાણ અને ત્રીજા વર્ષના રેસિડેન્ટ તબીબ ચિરાગ સોલંકીએ આર્યનની તપાસ કરી અને પરિવારના સભ્યોને તેને બેભાન કરવો પડશે. બાદમાં ડૉક્ટરોએ એનેસ્થેસિયા વિભાગના ડૉક્ટરને બોલાવી એસોફેગોસ્કોપ ટેલિસ્કોપની મદદથી ડોક્ટરોએ 10થી 15 મિનિટમાં અન્નનળીમાં ફસાયેલા સિક્કાને બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ ચાર કલાકે બાળક ભાનમાં આવ્યો હતો.

Most Popular

To Top