વહેલી સવારે આગ લાગવાની બે ઘટનાએ ભરૂચના ફાયરબ્રિગેડને દોડતું કર્યું
ભરૂચ: બુધવારે સવારે ભરૂચમાં આગની બે ઘટનાઓએ ફાયબ્રિગેડને દોડતું કરી દીધું હતું. બે અલગ – અલગ ઘટનાઓમાં બગાસના જથથાઓમાં આગ લાગી હતી. ફ્રાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગના કારણે નુકસાનનો સામનો પણ કરવો પડ્યો છે. વહેલી સવારે હાંસોટ તાલુકાના અલવા અને આમોદ – જંબુસર રોડ ઉપર મગણાદ નજીક ભીષણ આગ ફાટી નીકળી હોવાના ફાયરબ્રિગેડને કોલ મળતા લાશ્કરો ઘટનાસ્થળ તરફ દોડી ગયા હતા. ફાયરબ્રિગેડે બંને ઘટનાઓમાં સ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે ઘટનાઓમાં કોઈ જાનહાની નોંધવા પામી નથી.
- હાંસોટ તાલુકાના અલવા ગામની પ્લાયવુડની કંપનીમાં બગાસ સળગ્યું
- જંબુસરના મગણાદ આમોદ રોડ પર બગાસ લઈને જતી ટ્રક પલટી ગઈ અને સળગવા લાગી
હાંસોટ તાલુકાના અલવા ગામની ઘટનાની વાત કરીએ તો અહીં પ્લાયવુડ કંપની આવેલી છે. પ્લાયવુડના રો મટીરીયલ તરીકે બગાસનો ઉપયોગ થાય છે. કંપની તેની પ્રિમાઇસીસની સામે આવેલા મેદાનમાં આ બગાસના રો મટિરિયલને સ્ટોર કરે છે. પ્લાયવુડના ઉત્પાદનના અતિ મહત્વના રો મટિરિયલના અહીં જાણે ડુંગરો ખડકી દેવાયા છે. વહેલી સવારે આ બગાસના જથ્થામાં તણખલું પડતા તે સળગી ઉઠ્યું હતું. બગાસએ ઘાસ અને લાકડાનું ભુસુ હોય છે જે અત્યંત જ્વલનશીલ હોવાથી ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક ઢગલામાં લાગેલી આગ આસપાસના અન્ય ઢગલાઓમાં પણ ફેલાઈ ગઈ હતી. સ્થાનિક સેફટીના સાધનો અપૂરતા સાબિત થતા ફાયરબ્રિગેડને મદદનો કોલ અપાયો હતો. ઘટના સ્થળે 5 જેટલા ફાયર ટેન્ડર રવાના કરાયા હતા. આ ટીમોએ થોડા સમયમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતી. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી જોકે આગના કારણે રો મટીરીયલ બળીને ખાખ થઇ જતા કંપનીને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
આગની વધુ એક ઘટના જંબુસર તાલુકામાં બની હતી. વહેલી સવારે અહીં અકસ્માતગ્રસ્ત ટ્રક સળગી ઉઠી હતી. જંબુસર તાલુકાના મગણાદ – આમોદ રોડ ઉપરથી બગાસ લઈને જતી ટ્રકના ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રકમાં લોડ કરાયેલ બગાસના જથ્થામાં આગ ફાટી નીકળી હતી. બગાસ જ્વલનશીલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગણતરીની પળોમાં આખી ટ્રક સળગવા લાગી હતી. મદદ માટે ફાયરબ્રિગેડને કોલ અપાયો હતો જોકે ટ્રક કાટમાળમાં પરિવર્તિત થઈ ગઈ હતી. સદર ઘટનામાં પણ કોઈ જાનહાની ન નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો છે.