એક સમયે દેશનો સૌથી જૂનો રાષ્ટ્રીયપક્ષ કથિતપણે પોતાનું રાજકીય વજૂદ ટકાવવા એક ચોક્કસ ધર્મના બાહુબલીઓને રાજકીય શરણ અને શાસકીય સ્થાન/પદ આપતો હતો. હવે એ પક્ષની રાજકીય સંસ્કૃતિ હાલના દેશનાં સૌથી મોટા અન્ય પક્ષે અપનાવી લીધી હોય એમ જણાય છે, ફક્ત બાહુબલીઓનો ધર્મ બદલાઈ ગયો છે. જો આમ ન હોત તો પોતાની જીપ હેઠળ જાણીબૂઝીને નિર્દોષોને કચડી નાખનાર માથાફરેલ વ્યક્તિના પિતા (જે કેન્દ્રિય મંત્રી છે) પોતાનું પ્રધાનપદું જાળવી રાખી શક્યા હોત? કે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરનાર દિગ્ગજ પહેલવાનોએ એક બાહુબલી મંત્રી સામેના ગંભીર આક્ષેપો સહ જંતરમંતર ખાતે ધરણાં યોજવા પડ્યા હોત? દેશનાં આમ નાગરિકોનું કંઇક ભલું કરવું હોય તો રાજકારણમાંથી બાહુબલી સંસ્કૃતિનું નિર્મૂલન કરવું તેમજ કાયદાનું રાજ પ્રસ્થાપિત કરવું અતિ આવશ્યક છે. બાકી કોઈ મંદિરના નિર્માણથી જ દેશમાં રામરાજય આવી જશે એમ માનવું/મનાવવું મિથ્યાવાદને પોષવા બરાબર છે. દેશનાં હાલના સૌથી મોટા પક્ષ અને તેની નેતાગીરીની આ બાબતે સવિશેષ જવાબદારી બને છે.
નવસારી – કમલેશ મોદી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ગૂંચ….
‘‘ગૂંચ’’શબ્દ પતંગના દોરામાં જ્યારે ગૂંચ, પડે ત્યારે આપણે બહુધા બોલીએ છીએ. પતંગના દોરાની ગૂંચ બહુ ગુંચવાએલી ના હોય તો સહેલાઈથી ઉકેલાઈ જાય છે, અને જો ગૂંચ ઉકલે જ નહીં તો દોરાને તોડી નાંખીએ છીએ અને ફરી ત્યાં ગાંઠ મારી ચલાવીએ છીએ. પતંગના દોરામાં જ નહીં અનેક બાબતોએ જીવનમાં ગૂંચ પડતી હોય છે. જેમકે કોઈ બાબતે કામમાં ગૂમચ પડી જાય છે ત્યારે પણ આપણે સૌ મથામણ કરી ગૂંચ ઉકેલી કામ પાર ઉતારીએ છીએ. કેટલીક ગૂંચ ઉકેલવામાં, અન્યોનો સહકાર પણ લેવો પડતો હોય છે જેમ કે ક્યારેક જીવનમાં સંબંધોમાં જ ગૂંચ પડી જાય છે.
સબંધોમાં કેટલાંક કારણોસર પડેલી ગૂંચો ઉકેલી શકતા નથી ત્યારે કેટલાંક સંબંધોને તોડવા સુધી પહોંચી જતા હોય છે. એમ કરવાને બદલે સંબંધોમાં પડેલી ગૂંચને કારણો દૂર કરી સ્વ પ્રયાસે ઉકેલવી રહી તેમ ના થઈ શકે તો અન્યની મદદ લેવી રહી એમ કરીને પણ સંબંધોની ઉષ્મા અને ગરિમા જાળવી સંબંધોમાં પડેલી ગૂંચને ઉકેલી લેવી અને સંબંધોનું મહત્ત્વ સમજી સંબંધમાં રહેલી, મધુરતા જાળવી લેવી. આમ છતાં પણ આપણે સૌ સંબંધોમાં ગૂંચ પડે જ નહીં તેવું કરીએ તો એનાથી રૂડું શું?
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.