બાળકના સર્વાંગી વિકાસ માટે દરેક શાળાઓ પોતાની રીતે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. જેમાં કેટલીક પ્રવૃત્તિઓ સામાજિક અને શારીરિક શ્રમને લગતી હોય છે.તમામ પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસ માટે જ હોય છે. વિવિધ સાધનો,અત્યંત આધુનિક સગવડો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભરમાર વચ્ચે, ખાનગી શાળાઓના અતિરેકમાં વાલી પ્રાચીન ગુરુકુળ તથા આશ્રમને ભૂલી ગયા છે.જયાં વિદ્યાર્થીઓ ગુરુની આજ્ઞા પ્રમાણે કામો કરતાં અને ભણતાં. ગુરુના ક્રોધનો ભોગ બનતાં. રાજકુમારો હોવા છતાં રાજા કે રાણી (માતા પિતા) ગુરુની આજ્ઞાનો અનાદર ન કરતાં કે કેમ આશ્રમની સફાઈ કરાવી, કેમ ફૂલ, ફળ લેવા જંગલમાં મોકલ્યા? એવો હોબાળો ન મચાવતાં.
પોતાનાં સંતાનોને સાચા અર્થમાં કેળવણી મળે, વિવિધ કળાઓમાં પારંગત થાય તે મહત્ત્વની બાબતને સ્વીકારતાં. સમયના પ્રવાહ અને જરૂરિયાત મુજબ ટેકનોલોજીથી સજ્જ શાળાઓ આવી. પરિવર્તન જરૂરી છે. પરિવર્તન સાથે સમાજે કદમ મિલાવવાં પડે, પણ શિક્ષણ ક્ષેત્રે ભયનું સામ્રાજ્ય છવાય, શિક્ષકોએ વિદ્યાર્થીઓ, વાલીઓ ,મિડિયાની દરમિયાનગીરીને કારણે શસ્ત્રો મ્યાન કરવાની નોબત આવે એ શિક્ષણનાં(બાળકોનાં) હિતમાં નથી.
બાળકોનાં ઉજ્જવળ ભાવિ માટે, સર્વાંગી શિક્ષણ માટે, શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિ માટે હળવી સજા, ઠપકો કે સલાહ આપવી પડે છે. સમાજ, મિડિયા કે અસામાજિક તત્ત્વો ત્યારે “ શિક્ષક કે કસાઈ,શિક્ષકે ઢોર માર માર્યો, મારા સંતાનને માર્યું જ કેમ? “જેવી અપમાનજનક સ્થિતિનું નિર્માણ કરે છે. જે સૌ માટે લાંછનરૂપ ઘટના છે. શિક્ષક બાળકનાં દુશ્મનો નથી. હાલમાં જ મુંબઈ હાઈકોર્ટે ચુકાદો આપ્યો તે શિક્ષકોને નિડર બની કામ કરવા પ્રેરિત અને પ્રોત્સાહિત કરનાર સાબિત થશે. સમાજે શિક્ષકની ગરિમા જાળવવી જરૂરી છે.
સુરત – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સિંગતેલનો મબલક પાક છતાં પણ મોઘુદાટ કેમ?
ગુજરાતની ધરતીમાં કુદરતની કૃપાથી પાંચ-દસ વર્ષ પહેલા થતો હતો તેના કરતાં મગફળીનો પાક બમણો થયો છે છતાં પણ બજારમાં સિંગતેલનો ભાવ ભડકે બળે છે. તેની કિંમત દિન-પ્રતિદિન વધતી જાય છે. હવે સિંગતેલનો ભાવ અંગે છેલ્લા પાંચ વર્ષનો અભ્યાસ કરીએતો જણાશે કે 2017માં સિંગતેલ 15 કી.નાં ડબ્બાનો ભાવ રૂા. 1530/- હતો જે આજે રૂા. 2860/- છે તો ટકાવારી દૃષ્ટીએ જોઈએ તો જણાશે કે 5 વર્ષમાં 80% નો ડબ્બાના બહારનો તોતિંગ વધારો થયો છે. સરકારી તંત્રનાં ભૈદી મૌન વાતચીત કરવાને પરિણામે સટ્ટાખોરો અને નફાખોરો ધરખમ ફાયદો લઈ રહી છે. જેમાં સામાન્ય પ્રજાનું બેફામ શોષણ થઈ રહ્યું છે. આ અંગે સરકાર માંગે અને યોગ્ય ભાવ નિપેક્ષણ અંગે જરૂરી પગ ભરી કાર્યવાહી કરે !
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.