વડોદરા: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-1માં બાળકોના પ્રવેશ મેળવવા અંગેની ઉંમર 6 વર્ષની નિર્ધારિત કરવાના મામલે સરકાર ફેર વિચારણા કર્યા બાદ નિયમ લાગુ કરે તેવી માંગણી સાથે વડોદરાના વાલીઓએ બાળકો સાથે સયાજીબાગ બેન્ડ સ્ટેન્ડ બહાર માર્ગ પર માનવસાંકળ બનાવી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. ધો.1 માં પ્રવેશ લેવા બાળકની ઉંમર હવે 6 વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે.અન્યથા પ્રવેશ નહીં.ત્યારે આ નિર્ણયથી રાજ્યના ત્રણ લાખથી વધુ બાળકો પ્રવેશથી વંચિત રહેશે અને બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાશે.આ મામલે વાલીઓએ સરકારમાં વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં કોઈ પ્રત્યુત્તર નહીં મળતા વાલીઓમાં સરકાર સામે રોષ ફેલાયો છે.
ત્યારે વડોદરામાં સયાજી બાગ ખાતે અમારા ભણતરનું એક વર્ષ બચાવોના પોસ્ટર સાથે નાના બાળકો અને વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી માનવ સાંકળમાં જોડાયા હતા. અને સરકાર સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો.સરકારે જાહેર કરેલી શિક્ષણ નીતિ મુજબ બાળકોના એડમિશનનો નિયમ બદલાયો છે.નવા વર્ષથી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી જે બાળકો 6 વર્ષનાં ન થયાં હોય એવાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ નહિ મળે.તા.1 જૂને જે બાળકને છઠ્ઠું વર્ષ પૂર્ણ ના થયું હોય તે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ નહીં અપાય.સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી રહેશે.
બાળકની ઉંમર તા.1 જૂનના રોજ 6 વર્ષ કરતા ઓછી હશે તો પ્રવેશ આપી શકાશે નહીં.ખાનગી શાળાઓમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે.અનેક વિદ્યાર્થીઓ એવા છે.જેઓ ધોરણ-1 માં પ્રવેશ કરે છે.ત્યારે ગુજરાતમાં ધોરણ 1ના એડમિશન માટે નિયમ બદલાઈ ગયો છે.શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વર્ષ 2023થી ધોરણ-1માં એડમિશનનો નિયમો બદલાયો છે.જે મુજબ તા.1 જૂને 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ-1માં પ્રવેશ મળશે.ત્યારે હવે એડમિશન લેવા જનારા વાલીઓ આ બાબતનું ખાસ ધ્યાન રાખે.શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે પહેલા જ સ્પષ્ટ કર્યું છે કે ધોરણ એકના પ્રવેશની ઉંમર 6 વર્ષ જ રહેશે.
બાળકોના 1 વર્ષના ભવિષ્યનો પ્રશ્ન છે, સરકાર ફેરવિચારણા કરે
અમે માનવ સાંકળ બનાવી હતી સરકારને બતાવવા માટે કે અમારો વિરોધ હજી પણ યથાવત છે.જ્યારે રખડતા ઢોરો હોય કે બિલ્ડરો હોય તેમની સમસ્યાનું નિરાકરણ એક જ મિટિંગમાં થઈ શકતું હોય તો આ બાળકો માટે કેમ વિચાર કરતા નથી. બાળકોના 1 વર્ષનો પ્રશ્ન છે.આ બાળકો નાના છે પોતાના માટે બોલી નથી શકતા લઢી નથી શકતા તો શું એમનો હક નથી બોલવાનો. માટે અમે અહીં માનવ સાંકળ બનાવી હતી. બસ સરકાર વિચાર કરે બાળકોના 1 વર્ષના ભવિષ્યનો પ્રશ્ન છે.વાલીઓ પર બોવ મોટો આર્થિક ભાર આવવાનો છે. ત્રણ હજાર કરોડ એ કોઈ મામૂલી રકમ નથી.કે વાલીઓ ભેગા મળી આ ફીની રકમ ચૂકવી શકશે. -રીપુબેન, વાલી