નડિયાદ: નડિયાદ રેલવે સ્ટેશનથી સરદાર સ્ટેચ્યુ તરફ જતા રસ્તા પર ગેરકાયદેસર દબાણો અને પાર્કિંગ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. શહેરનો આ મુખ્ય રસ્તો છે, અહીં આસપાસ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને બજાર વિસ્તાર આવેલો છે. જેના કારણે લોકોની ભારે અવર-જવર રહે છે. ફૂટપાથ ખાલી કરાવતા રસ્તો ખુલ્લો થયો હતો અને ટ્રાફિક હળવો થયો હતો.
નડિયાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. રેલવે સ્ટેશનની બહારના મુખ્ય રસ્તા પર અને ટાઉન પોલીસ સ્ટેશનની સામે છેલ્લા કેટલાય સમયથી આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવતા હતા. ઉપરાંત લારીવાળા પણ અડ્ડો જમાવી બેઠા હતા. આજે પોલીસે અહીયા તવાઈ બોલાવી ગેરકાયદે પાર્ક થયેલા વાહનોને તાળા મારી દીધા હતા. અને આવા વાહનોના ખડકલાને અહીંયાથી હટાવી દેવામાં આવ્યા હતા.
નડિયાદ શહેરમાં ચાલવા માટે બનાવેલા ફુટપાથ હવે વાહન પાર્કીગનુ સ્ટેન્ડ બની ગયું છે. શહેરના રેલવે સ્ટેશનથી સરદારની પ્રતિમા તરફ જવાના રસ્તા પર બંન્ને બાજુ થોડા માસ અગાઉ જ ફુટપાથ તૈયાર કરાયો હતો. પરંતુ આ ફૂટપાથ વહન પાર્કિંગ માટેનું સ્ટેન્ડ ન હોય તેમ લોકો આડેધડ વાહનો પાર્ક કરતાં હતાં. તે વળી, ત્યાં ખાણી-પીણીની લારી પણ મુકાતી હતી. જેના કારણે ચાલવા માટેની જગ્યા પણ રહેતી નહોતી. તો વળી બસ કે મોટું વાહન આવે ત્યારે છાસવારે ચક્કાજામની સ્થિતિ પણ સર્જાતી હતી. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અન્ય વિસ્તારામં પણ કરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે. ખાસ કરીને સંતરામ રોડ સહિત ગીચ વિસ્તારમાં ગેરકાયદેસર પાર્ક થતાં વાહનો સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેથી આ માર્ગ પર પણ ટ્રાફિક નિયમન બરોબર થાય તે જરૂરી છે. તેવી પ્રજામાં માગણી ઉઠી છે.
પોલીસની કાર્યવાહીની અસર કેટલા દિવસ..?
એકતરફ પોલીસ દ્વારા ગઈકાલે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ફૂટપાથ પરના દબાણો અને પાર્કિંગ હટાવાયા છે. જો કે, હવે આ વ્યવસ્થા કટેલા દિવસ જળવાઈ રહેશે, તે પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કારણે કે ટાઉન પોલીસ સ્ટેશનની હદના વિસ્તારમાં અને તેમાંય પોલીસ સ્ટેશનની સામે જ આ દબાણો અને પાર્કિંગ વર્ષોથી થઈ રહ્યા છે. છતાં પોલીસ પ્રશાસન મૌન સાધી બેસી રહ્યુ હતુ. ત્યારે હવે તેમની કાર્યવાહીની અસર કેટલા દિવસ ટકશે, તે ચર્ચાનો વિષય બન્યો છે.