Madhya Gujarat

નડિયાદમાં કાંસની સફાઇની બેદરકારીથી પ્રજા ત્રાહીમામ

નડિયાદ: નડિયાદમાં સેનેટરી વિભાગની બેદરકારી ચોમાસા ટાણે મુશ્કેલી ઉભી કરે છે. તેના દ્રશ્યો હાલ શહેરની વરસાદી કાંસમાં જોવા મળે છે. વરસાદી કાંસ કેટકેટલી જગ્યાએ ખુલ્લી છે. તો ખુલ્લી કાંસ બાદ આગળ તે અંડરગ્રાઉન્ડ પણ હોય છે. તેવા સંજોગોમાં હાલ સેનેટરી વિભાગ સમયસર કચરો ન ઉઠાવતા અને યોગ્ય રીતે સફાઈ ન કરતા અનેક જગ્યાએ કાંસોમાં કચરો ઉતરી પડ્યો છે અને કાંસ પુરાઈ જાય તેવી ભીંતી સર્જાઈ છે.

નડિયાદ શહેરના સંતરામ રોડ પર જૂના રાવપુરા રસ્તાના ઢાળ પાસે વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ આવેલી છે. આ કાંસનો થોડોક હિસ્સો ખુલ્લો છે. જ્યારે આગળ તૂટેલી જાળી માર્યા બાદ કાંસ અંડર ગ્રાઉન્ડ છે. અહીં કાંસની બિલકુલ ઉપર જ બે કચરાપેટી મુકાયેલી છે. શહેરનો આ મુખ્ય રોડ છે અને આસપાસમાં કોમર્સિયલ દુકાનો અને હોસ્પિટલો ઉપરાંતના સ્થળો આવેલા છે. પરીણામે આસપાસનો તમામ કચરો અહીં આ બંને કચરાપેટીમાં ઠલવાય છે.

રોજ સવાર પડતા જ આ કચરાપેટી ચિક્કાર ભરાઈને તેમાંથી કચરો બહાર કાંસના ઢાળ પર ફેલાય છે અને પછીથી સફાઈ કરતા સમયે આ કચરો ધક્કો વાગીને કાંસમાં ઉતરી પડે છે. હાલ આ કાંસમાં અંડરગ્રાઉન્ડ સુધી જેટલો ખુલ્લો કાંસ છે તે આખેઆખો કચરાથી ભરાઈ ગયો છે. એટલુ તો ઠીક પણ અંડર ગ્રાઉન્ડ કાંસ અને ખુલ્લા કાંસ વચ્ચેની જાળી પણ તૂટેલી છે. પરીણામે કચરો અંડરગ્રાઉન્ડ કાંસમાં પણ જઈ રહ્યો છે અને ચોમાસા વખતે કાંસ જામ થઈ જતા ત્યાંથી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. તો આ તરફ ચકલાસી ભાગોળથી ફતેપુરા તરફ જતાં કાંસમાં ગુરુકૃપા સોસાયટીની બહાર બે મોટા ભુંગળા નખાયેલા છે.

અહીં પણ સેનેટરી વિભાગ દ્વારા કચરો સમયસર ઉઘરાવતા ન હોવાના કારણે લોકો કચરો કાંસના ઢાળ પર નાખી રહ્યા છે. જ્યાં સફાઈના અભાવે કચરો કાંસમાં ઉતરી રહ્યો છે અને અહીં પણ કચરાથી ભુંગળા પુરાઈ રહ્યા છે. ઉપરાં આગળ ચકલાસી ભાગોળ પર પણ કચરો અંડર ગ્રાઉન્ડ કાંસમાં જઈ રહ્યો છે. જેથી કાંસ જામ થઈ રહ્યો છે. ત્યારે પાણીના નિકાલ પર અસર પડે છે. ત્યારે સેનેટરી વિભાગની બેદરકારીના કારણે હાલ વરસાદી કાંસ કચરાથી છલોછલ દેખાઈ રહ્યો છે. સેનેટરી વિભાગ દ્વારા આ મામલે તકેદારી રાખવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.

Most Popular

To Top