Business

નાવ જેવા બનો

એક દિવસ રાજાએ દરબારમાં પ્રશ્ન પૂછ્યો કે, ‘માણસે કોના જેવા બનવું જોઈએ?’ કોઈએ જલ્દી જવાબ આપ્યો નહિ.રાજાએ ઉમેર્યું, ‘મારા પ્રશ્નનો એવો જવાબ આપજો જેનાથી માણસના સારામાં સારા ગુણ ઉજાગર થાય.’ મંત્રીજીએ કહ્યું, ‘રાજન, એક દિવસનો સમય આપો. હું મારા ગુરુજી પાસેથી તમારા પ્રશ્નનો સાચો જવાબ શોધી લાવીશ.’ રાજાએ એક દિવસની મોહતલ આપી.મંત્રીજી પોતાના ગુરુજી જે નદી પાર રહેતા તેમની પાસે ગયા.અને બધી વાત કરી રાજાનો પ્રશ્ન રજૂ કર્યો.ગુરુજીએ તરત જવાબ આપ્યો, ‘વત્સ, તું અહીં સુધી જેના દ્વારા પહોંચ્યો તે જ તારા પ્રશ્નનો જવાબ છે.’

મંત્રીજી બોલ્યા, ‘એટલે ગુરુજી? તમે શું કહેવા માંગો છો?’ ગુરુજી બોલ્યા, ‘તું અહીં મારા સુધી આ એક પ્રશ્નનો જવાબ લેવા આવ્યો કઈ રીતે આવ્યો?’ મંત્રીજીએ કહ્યું, ‘ગુરુજી,નદી પાર નાવમાં આવ્યો અને પછી પગપાળા…’ ગુરુજીએ તરત કહ્યું, ‘રાજાએ પૂછેલા પ્રશ્નનો જવાબ છે કે માણસે આ નાવ જેવા બનવું જોઈએ…’ મંત્રીજીએ પૂછ્યું , ‘ગુરુજી, મને સમજાયું નહિ કે માણસે નાવ જેવા શું કામ બનવું જોઈએ?

ગુરુજીએ કહ્યું, ‘વત્સ,નાવની ભૂમિકા સમજ …નાવ પોતે પાણીમાં રહીને બીજાને પોતાની અંદર બેસાડીને નદીના એક કિનારેથી બીજા કિનારે લઇ જાય છે.એટલે કે નાવ બીજાને નદી પાર કરાવે છે….પોતે ભાર સહન કરે છે…પાણીની થપાટો સહન કરે છે પણ અન્યને સામે પાર લઈ જાય છે.એવી જ રીતે માણસે પણ જો જીવનમાં મળેલ મનુષ્યજન્મ સફળ કરવો હોય તો આ નાવ જેવા બનવું જોઈએ…બીજાને મદદરૂપ બનવું જોઈએ…જેમ નાવ અન્યનો ભાર ઉઠાવી સામે પાર લઇ જાય છે તેમ માણસે નાવ જેવા બની બીજાને મદદ કરી જીવનમાં આગળ લઇ જવામાં મદદ કરવી જોઈએ.

ઈશ્વર પણ જે બીજાને મદદરૂપ થઇ શકે, અન્યનો ભાર ઉઠાવી શકે તેને જ વધુ લાયક બનાવે છે અને અન્યના જીવનને સુધારવાનું ઉત્તરદાયિત્વ સોંપે છે.’ ગુરુજીએ મંત્રીને પોતાના જવાબ પાછળનું કારણ સમજાવ્યું. મંત્રીજી નાવમાં બેસી આખા રસ્તે ગુરુજીના જવાબને મમળાવતા પાછા ફર્યા અને બીજે દિવસે રાજાને દરબારમાં જઈને કહ્યું, ‘રાજન, ગુરુજીએ જવાબ આપ્યો છે કે માણસે જીવનમાં ‘નાવ’ જેવા બનવું જોઈએ.નાવ પોતે પાણીમાં રહીને …પાણીની થપાટો સહન કરીને બીજાને સામે પાર લઇ જાય છે. તેવી જ રીતે માણસે જીવનમાં ભાર સહન કરી અન્યને મદદરૂપ થવું જોઈએ.જે પોતા માટે નહિ પણ બીજાને મદદરૂપ થવા જીવે છે તેનું જીવન સાચા અર્થમાં સફળ થાય છે.’ રાજાને જવાબથી સાચી સમજ મળી અને સંતોષ થયો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top