આણંદ : આણંદ નગરપાલિકાની શુક્રવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. જોકે, મિનિટોમાં જ સભા આટોપી લેવાની ટેવના કારણે પ્રમુખ બોલતા રહ્યા હતા અને સભ્યો મંજુર મંજુર કરી ઉભા થઇ ગયાં હતાં. જેના કારણે પ્રમુખની પણ અમાન્યા રહી નહતી. આજની સભામાં વેરા વસુલાતમાં વધારો ઝીંકવા બાબતે વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત સોલ્ટર્સ હાઉસના મુદ્દે પણ વિપક્ષે ઉધડો લીધો હતો. આખરે બહુમતીથી 58 કામ પસાર થયાં હતાં.
આણંદ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ રૂપલબહેન વી. પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં જુદા જુદા 58 કામો રજુ કરવામાં આવ્યાં હતાં.
જેમાં ચાર નંબરના ઠરાવમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતી તમામ સેવા જેવી કે લાઇટ, પાણી, ગટર, સેનીટેશન પાછળ થતાં તમામ ખર્ચની સામે આવતી આવકમાં ખૂબ મોટા તફાવત જોવા મળતો હોય છે. નગરપાલિકાના તમામ ખર્ચની સામે ફક્ત 25થી 30 ટકા ટેક્સની આવક થાય છે. વધુમાં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, એસટીપીના મેઇટેનન્સ તેમજ નિભાવણી ખર્ચમાં ખૂબ જ જંગી વધારો થવાની શ્કયતા હોઇ આ ઉપરોક્ત થતા તમામ ખર્ચને ધ્યાને લઇ ટેક્સના માળખામાં નવેસરથી જેમ કે, પાણી વેરો, ગટર વેરો, સફાઇ વેરો તથા દિવાબત્તી વેરામાં વધારો સાથે તૈયાર કરવો જરૂરી છે. આ ઠરાવને લઇ વિપક્ષે વિરોધ કર્યો હતો.
આ અંગે વિપક્ષના સભ્ય સલીમશા દિવાન બોલતાં હતાં અને તેમના પ્રશ્નનો જવાબ પ્રમુખ આપી રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક જ પાછળ બેઠેલા ભાજપના સભ્યો મંજુર મંજુર કરી ઉભા થઇ ગયાં હતાં અને ચાલતી પકડી હતી. પ્રમુખ રૂપલબહેન પટેલ અને વિપક્ષ સલીમશા દિવાન વચ્ચે ચાલી રહેલા સંવાદ વચ્ચે જ સભ્યોએ હોલ ખાલી કરી નાંખતાં પ્રમુખની આમાન્ય રહી નહતી. જેનો ગણગણાટ કેટલાક ભાજપના સભ્યોમાં પણ સાંભળવા મળતો હતો. આણંદ પાલિકાની સામાન્ય સભાના 58 ઠરાવમાં વિપક્ષે 15 જેટલા ઠરાવનો વિરોધ કર્યો છે. જેમાં વેરાનો વધારો, સીસી રોડ, બાગ બગીચા મરામત, કોમ્યુનિટિ હોલન ગંદકી સહિતના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, તમામ ઠરાવ બહુમતિથી પસાર કરી દેવામાં આવ્યાં હતાં.
નગરપાલિકાની શાળા સહિત બિલ્ડીંગોમાં 3.25 કરોડના ખર્ચે ફાયર સેફ્ટી નખાશે
આણંદ નગરપાલિકા દ્વારા તેમની માલિકીના તમામ શોપીંગ સેન્ટર, સ્કૂલ, સુપર માર્કેટ, દુકાન, કોમ્પ્લેક્સ તેમજ બિલ્ડીંગોમાં હાલ ફાયર સેફ્ટીની કોઇ વ્યવસ્થા ન હોય આગ લાગવાના સંજોગોમાં જાનમાલની નુકશાની થવાની સંભાવના રહેલી છે. હાલ સરકાર દ્વારા દરેક બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટીંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી હોવાથી પાલિકાના હસ્તકના શોપીંગ સેન્ટર, સ્કૂલ, સુપર માર્કેટ, દુકાન, કોમ્પ્લેક્સ તેમજ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનોનો ઇન્સ્ટોલ કરવા જરૂરી હોવાથી અંદાજીત 3.25 લાખના ખર્ચે ફાયર સેફ્ટી નાંખવામાં આવશે.
ટેક્સ વધારા સાથે સુવિધા પણ અપાશે
આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબહેન પટેલે જણાવ્યું હતું કે, આણંદમાં પાણીવેરો, ગટરવેરો, સફાઇવેરો તથા દિવાબત્તી વેરામાં વધારો કરવામાં આવશે. કેટલો વધારવો તે અંગે સભ્યો પાસેથી સૂચન મંગાવવામાં આવશે. પરંતુ વેરો વધશે તે પ્રમાણે સુવિધા પણ આપવામાં આવશે.