SURAT

સુરતમાં સિંગલ યંગસ્ટર્સે જરા હટકે સ્ટાઈલમાં વેલેન્ટાઈન ડે ઉજવવાનું પ્લાનિંગ કર્યું

જેઓ પ્રેમમાં છે કે રિલેશનશિપમાં છે કે પછી મેરિડ હોય તેઓ આખું વર્ષ ફેબ્રુઆરી મહિનાની રાહ જોતા હોય છે. કારણકે, આ મહિનો પ્રેમનો મહિનો ગણાય છે. 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીક શરૂ થઈ જાય છે. વેલેન્ટાઈન ડે ને લઈને મોટાભાગના કપલ્સ ખૂબ એકસાઇટેડ દેખાય છે. પણ જેઓ એકલા છે. કોઈની સાથે રિલેશનશિપમાં નથી. શું તેઓ માટે વેલેન્ટાઈન ડે નિરર્થક છે? ના કાયમ ખુશમિજાજ રહેતા સુરતીઓ માટે આવું બિલ્કુલ વિચારી નહીં શકાય. રંગીલા સુરતીઓ સિંગલ પણ હોય ને તો પણ સામાન્યને વિશેષ બનાવી દે છે. સુરતના આવા જ કેટલાક દિલ સે ઝીંદાદિલ સિંગલ યંગસ્ટર્સ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ને ખાસ રીતે ઉજવવા માટે થનગની રહ્યાાં છે. તેઓ કઈ રીતે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવાના છે ? તેઓના આ સો લો વેલેન્ટાઇન-ડે ને લઈને શું ખાસ છે પ્લાનીંગ તે આપણે તેઓના જ શબ્દોમાં જાણીએ…

હું મારી કેટ્સને ફરવા લઈ જઈશ અને કેક કાપીને એન્જોય કરીશ: ફેરી મેવાડા
ફેરી મેવાડા પાસે પોતાની 5 કેટ છે અને અન્ય 17 બિલાડી રેસ્ક્યુ કરેલી છે. ફેરીએ જણાવ્યું કે હું સિંગલ છું પણ વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવામાં હું ક્યારેય પાછળ નથી રહેતી. હું મારા ઘરમાં પાળેલી કેટ્સ સાથે દર વર્ષે અનોખું સેલિબ્રેશન કરું છું. આ વખતે પણ હું મારી કેટ્સ ડોરા, સિમ્બા, બીસ્ટ, શાઈ અને કિટટૂ જીનુ સાથે વેલેન્ટાઈન ડે મનાવવાની તૈયારીઓ કરી રહી છું. તમામ કેટ્સ માટે હું રેડ કલરના કપડા જાતે ડિઝાઇન કરવાની છું. તેમના ગળામાં બાંધવા માટેની બો પણ રેડ કલરની જ તૈયાર કરી છે. વેલેન્ટાઈન ડે ના દિવસે સાંજે તેમને ભાવતી કેક કટિંગ કરીશ. આ કેકની અંદર ટ્યુના ફિશ રહેશે. સાંજે હું મારી કારમાં બધી જ કેટ્સને વેસુ-કેનાલ રોડ પર ફરવા લઈ જઈશ ત્યાં ખુલ્લામાં તેમને રમવા દઈશ. ગયા વર્ષે વેલેન્ટાઈન ડે ના દિવસે હું તેમને વલસાડ અને દમણ ફરવા લઈ ગઈ હતી. આ વેલેન્ટાઈન ડે પણ હું તેમની સાથે આખો દિવસ રહીશ અને અમારા અનોખા પ્રેમના દિવસને એન્જોય કરીશ.

દાદા-દાદી સાથે “પઠાન” મુવી જોવા જઈશ: પૂજા લોચાવાળા
પૂજા લોચાવાળા જણાવે છે કે મને દરેક ફેસ્ટિવલ મારા દાદા દીનેશચંદ્ર લોચાવાલા અને દાદી જયશ્રીબેન લોચાવાળા સાથે સેલિબ્રેટ કરવાનું બહુ જ ગમે છે. વાર તહેવારે હું દાદા-દાદી સાથે હોટેલમાં ડિનર લેવાનો પ્રોગ્રામ બનાવતી હોઉં છું. ગયા વર્ષે વેલેન્ટાઈન ડે પર મેં દાદા-દાદી સાથે કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું. દુનિયામાં તમને જે સૌથી પ્રિય હોય છે તેમની સાથે વેલેન્ટાઈન ડે મનાવવાનું ગમતું જ હોય છે. મને પણ મારા દાદા-દાદી સૌથી પ્રિય છે એટલે હું આ વખતે પણ મારા દાદા-દાદી સાથે વેલેન્ટાઈન ડેના દિવસે “પઠાણ” મૂવી જોવા જવાની છું. ઘરે બપોરના તેમની સાથે લંચ લઈશ અને રાત્રે હોટેલમાં ડિનર લઈશ. આ રીતે વેલેન્ટાઈનનો ખાસ દિવસ દાદા-દાદીના નામે કરીશ.

વન ડે પીકનીક કરીને વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરીશ: હાર્દિક રાઠોડ
હાર્દિક રાઠોડ સુરતમાં જોબ કરે છે. હાર્દિકે જણાવ્યું કે મને સોલો ટ્રીપ કરવી ગમે છે. સ્પેશ્યલી દરિયા કિનારે એકલા-એકલા ફરવાનું ગમે છે. હું દાંડી, વલસાડમાં તિથલ, દમણ, ગોવા એકલા ફરવા જવાનું પસંદ કરું છું. હું સુરતમાં જ્યારે રહું ત્યારે ડુમસ દરિયા કિનારે ફરવા નીકળી પડું છું. ગયા વર્ષે વેલેન્ટાઈન ડે ના દિવસે મેં દિવની ટ્રીપ કરી હતી. આ વખતે હું ડાંગ આહવા જવાનું પ્લાનીંગ કરી રહ્યો છું. મને એકલા શોપિંગ કરવું પણ ગમે છે. હું રવિવારે બારડોલી અને સુરતમાં શોપિંગ કરવા નીકળી પડું છું. મને કપડા અને શૂઝનું શોપિંગ કરવું ગમે છે. આ વેલેન્ટાઈન ડે હું ફક્ત મારી સાથે જ સેલિબ્રેટ કરવાનો છું. એકલા ફરવાની પણ એક અલગ જ મજા હોય છે.

હું ફિટનેસ અવેરનેસ માટે યોગાની ઇવેન્ટ ગોઠવીશ અને હું પોતે પણ 4 કલાક વર્કઆઉટ કરીશ: સોહન સાલ્વી
જિમમાં વર્કઆઉટ કરવાના શોખીન સોહન સાલ્વીએ જણાવ્યું કે હું છેલ્લાં 13-14 વર્ષથી જિમમાં રોજ દોઢથી બે કલાક વર્કઆઉટ કરું છું. હું વલસાડમાં બોડી બિલ્ડીંગની આયોજિત થયેલી મી. ગુજરાત કોમ્પિટિશનમાં સેકન્ડ રહ્યો હતો. જ્યારે દિલ્હીમાં મી. ઇન્ડિયા બોડી બિલ્ડીંગની કોમ્પિટિશનમાં છઠ્ઠા સ્થાને રહ્યો હતો. હું સિંગલ છું પણ વેલેન્ટાઈન ડે સ્પેશ્યલ રીતે મનાવવાનો છું. હું આ દિવસે ફિટનેસ અવેરનેસ માટે જિમમાં એક કલાકની યોગાની ઇવેન્ટ અથવા ઝૂમ્બા ડાન્સની ઇવેન્ટ ગોઠવીશ. હું પોતે બપોરે 2 કલાક અને રાતે 2 કલાક વર્ક આઉટ કરીને હું સ્પેશ્યલ ડે સ્પેશિયલ રીતે ઉજવીશ. આ ઉપરાંત હું આ દિવસે વર્ક આઉટને લગતું કાઉન્સલિંગ ફ્રીમાં લોકોને આપીશ.

Most Popular

To Top